રાખો આ લાગણીને તમે પણ નિયંત્રણમાં નહીતર બની શકે છે તમારા પ્રેમની દુશ્મન, આજે જ જાણો…
માણસ હંમેશા તેની આસપાસ સબંધોના જાળા ગુંથે છે. તેને એકલા જીવવું ગમતું નથી અને એટલે જ તે તેની આસપાસ રહેલા સંબંધોને સાચવે છે. પરંતુ શુ ખરા અર્થમાં તે સંબંધો દીલથી નીભાવે છે. માણસની સાઇકોલોજી સમજવી પણ ખુબ મુશ્કેલ છે. કેટલાક લોકો સબંધોને નિભાવવા ગમે તે હદે જાય છે, જ્યારે કેટલાક લોકો ખુબ જ બેદરકાર હોય છે. તમારી આસપાસ પણ તમે આવા કેટલાક ને જોયા હશે જે એકવાર સંબંધ બાંધે પછી તેને દીલથી નીભાવે છે.

પ્રેમને આપણે એક સંવેદના તરીકે પણ જાણીએ છીએ, શું એવું નથી? જ્યારે આપણે એમ કહીએ કે આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે ઈર્ષ્યાને જાણીએ છીએ, આપણે ભયને જાણીએ છીએ, આપણે ચિંતાને, ઉપાધિને જાણીએ છીએ. જ્યારે તમે એવું કહો કે તમે કોઈને ચાહો છો, ત્યારે તેમાં આ બધું આવી જાય છે. ઈર્ષ્યા, તમારા માલિકી ભાવની ઈચ્છા, તમારું પોતાનું હોવાની ઈચ્છા, આધિપત્ય ધરાવવું, ગુમાવી બેસવાનો ભય વગેરે વગેરે બધું જ તેમાં આવી જાય છે.

આ બધાને આપણે પ્રેમ કહીએ છીએ અને આપણે ભય વગર, ઈર્ષ્યા વગર, માલિકી વગરના પ્રેમને જાણતા જ નથી. પરંતુ હકીક્ત એ છે કે આપણે ઈર્ષ્યાળુ છીએ, આપણે આધિપત્ય ધરાવીએ છીએ. આપણે માલિકી ભાવ ધરાવીએ છીએ. આપણે પ્રેમની એ અવસ્થાને ત્યારે જ જાણી શકીએ કે જ્યારે ઈર્ષ્યા, અદેખાઈ, માલિકભાવ, આધિપત્ય અને વર્ચસ્વનો અંત આવે અને જ્યાં સુધી આપણે માલિકી ધરાવીએ છીએ ત્યાં સુધી આપણે પ્રેમને સમજી શકતા નથી.
પ્રેમ મનની વસ્તુ નથી અને મનની વસ્તુઓએ આપણા હૃદય ભરી દેતા હોય છે, તેથી આપણે પ્રેમ નથી ધરાવતા. જ્યારે તમારામાં બધા ગૂંચવતાં તત્ત્વો હોય ત્યાં સુધી તમે પ્રેમ કેવી રીતે કરી શકો? જ્યાં ધુમાડો હોય ત્યાં શુદ્ધ જ્યોત કેવી રીતે હોઈ શકે?
જે પળેપળ વધતો રહે તે પરમ પ્રેમ છે. આ એકદમ સીધો સાદો અરીસો છે. પોતાનો પ્રેમ રોજ વધતો હોય તો સમજવું કે આ પરમ પ્રેમ છે. બાકી એક દિવસ વધે, એક દિવસ ગુમ થઈ જાય તો સમજવું કે, આ પરમ પ્રેમની સ્થિતિ નથી. પ્રતિક્ષણ નવો અનુરાગ હોય.

બ્રહ્મ સંબંધમાં પણ એકવાર સંબંધ થઈ ગયો તો પછી તે ઘટવાનો સવાલ જ ઊભો થતો નથી. ઘટે તો એમ સમજવું કે બ્રહ્મ સંબંધ થયો જ નથી. તે ભ્રમ છે, જો બ્રહ્મ સંબંધ થઈ જાય તો, પ્રેમ થઈ જાય તો, તે ઘટતો નથી. આ સંબંધ એવો છે કે તેમાં વૈધવ્યની વ્યવસ્થા નથી. અહીં તો ચૂડલો અખંડ રહે છે. અહીં તો સેંથામાં સિંદૂર કાયમ ભરેલું રહે છે. પ્રેમસૂત્ર તો સાધકનું મંગળસૂત્ર છે.
ભય હોય તો રાતના બાર વાગે આ ગોપીઓ દોડીને કૃષ્ણ પાસે ન જઈ શકે. પ્રેમમાં ભય નથી કારણ કે નિર્ભયતા આપનાર દાતા સાથે પ્રેમ કર્યો છે. શું બ્રહ્મસુખમાં ક્યારેય ભય હોઈ શકે? જો તેમાં ભય હોય તો તે બ્રહ્મસુખ શાનું? અરે! બ્રહ્મસુખના અનુભવી મહાપુરુષોની પાસે તો સાપ આવીને બેસી જાય તો પણ તેમને ડર નથી લાગતો, તો જ ભૂતનાથ શંકરનાં દર્શન થાય. પ્રેમસુખ અને બ્રહ્મસુખ બંનેમાં ભય ન હોઈ શકે.
0 Response to "રાખો આ લાગણીને તમે પણ નિયંત્રણમાં નહીતર બની શકે છે તમારા પ્રેમની દુશ્મન, આજે જ જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો