કોરોનાની અસર હજુ થંભી નથી ત્યાં આ બીમારીએ ખખડાવ્યા બારણા, આરોગ્ય તંત્ર પણ રહી ગયું હેરાન
હાલ હજુ કોરોનાની સમસ્યા થોભવાનું નામ નથી લઇ રહી ત્યા રાજ્યના કેટલાય વિસ્તારોમાં પડેલો આ પાછોતરો વરસાદ એક નવી બીમારીને નિમંત્રણ આપી રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમા વરસાદની ભારે તારાજી સર્જાઈ છે ત્યારે તેની સાથે જ બીમારીઓએ પણ લોકોને શિકાર બનાવવાનું શરૂ કર્યું છે. હાલ સુરતના ઓલપાડ વિસ્તારનાં ગ્રામીણ એરીયામાં ખુબ જ રોગચાળો વકર્યો છે. એક જ દિવસમાં 100 જેટલા ઝાડા-ઉલટીનાં કેસ સામે આવ્યા છે જેના કારણે મહાનગર પાલિકાનું તંત્ર પણ સફાળું ચોંકી ઉઠ્યું છે.
આરોગ્ય બન્યું સજાગ અને કરી કામગીરી શરુ :

સાયણ ગ્રામ્ય વિસ્તારના આદર્શનગર વિભાગ-1,2 અને 3મા હાલ પાણીજન્ય રોગોના નિરંતર કેસ વધી રહ્યા છે અને તેના કારણે જ હાલ આરોગ્ય વિભાગની ટીમની કામગીરી શરૂ થઇ ચુકી છે. આરોગ્ય વિભાગની ટીમે હાલ અસરગ્રસ્ત સ્થળ પર જ OPD શરૂ કરી દીધી છે અને આ સિવાય આશાવર્કર બહેનોને આજુબાજુના વિસ્તારના ઘરો પર ડોર ટૂ ડોરની તપાસની કામગીરીમાં લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ પંચાયત દ્વારા સાફસફાઇની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

હજુ પણ એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી છે ત્યારે સુરત જિલાના આ ગ્રામીણ વિસ્તારોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો હજુ પણ વધુ વકરે તે પહેલા જ જરૂરી અને ફરજીયાત પગલાઓ લેવા જોઈએ તેવું ગ્રામજનોનું માનવુ છે. હાલ સાયણ ગામમાં ઝાડા-ઉલટી સાથે તાવના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પરિણામે સંપૂર્ણ આરોગ્ય ખાતું હાલ લોકોની સેવામાં કાર્યરત થઇ ગયું છે.
બનાસકાંઠામાં પણ સર્જાઈ છે આવી જ સ્થિતિ :

બનાસકાંઠા જિલ્લામાં પણ પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. પાલનપુર અને ડીસા તરફ હાલ ડેન્ગ્યુના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. અહીં વર્તમાન સ્થિતિની ગંભીરતાને જોઈને જિલ્લા આરોગ્ય તંત્ર પણ એકાએક એક્શનમાં આવી ગયુ છે અને આ પરિસ્થિતિને નિયંત્રણમા લેવા માટે તંત્ર દ્વારા દરેક વિસ્તારના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અહીંના રહેણાંક વિસ્તારો,સરકારી ઓફિસો,કોમર્શિયલ સહિત તમામ જગ્યાએ સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે બેદરકારી દાખવનારને નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે. આ કામગીરી કરવા માટે તંત્ર દ્વારા રેકટર કંટ્રોલ મેમ્બરની પણ કરાર ઉપર ભરતી કરવામાં આવી છે.
તહેવારો સમયે રાખવી વિશેષ સાવચેતીઓ :

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને આદિવાસી અને પછાત વિસ્તારોમાં પણ રોગચાળો ફેલાઈ તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હજુ પણ પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. ત્યારે આ વરસાદ પછીનો તડકો તમારી નવરાત્રી અને દિવાળી ના બગાડે તે માટે અત્યારથી જ સ્વાસ્થ્ય અંગે વિશેષ સાર-સંભાળ રાખવી. હાલ, આરોગ્ય ખાતું પણ સચેત બની ગયું છે અને અત્યારથી જ તહેવારો આવે તે પહેલા આ બીમારીઓને નિયંત્રણમાં લાવવવાના પ્રયાસોમાં લાગી ગયું છે.
0 Response to "કોરોનાની અસર હજુ થંભી નથી ત્યાં આ બીમારીએ ખખડાવ્યા બારણા, આરોગ્ય તંત્ર પણ રહી ગયું હેરાન"
ટિપ્પણી પોસ્ટ કરો