જાહેર પાર્કમાં કરાયેલા ધાર્મિક અતિક્રમણને કર્યુ દૂર
પ્રયાગરાજમાં હાઇકોર્ટના આદેશ બાદ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી જાહેર જગ્યા ઉપર થયેલા ધાર્મિક અતિક્રમણને દૂર કરવાની છે. પ્રયાગરાજ માં જમીન પર ગેરકાયદે કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે ઇલાહાબાદ હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના આદેશ પર શનિવારે અમલ પણ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આઝાદ પાર્કમાં બનેલા મસ્જિદ, મજાર અને મંદિર સહિતના અનેક ગેરકાયદે ઉભા કરેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.

આ અંગે મળતી જાણકારી અનુસાર અમર શહીદ ચંદ્રશેખર આઝાદ પાર્કમાં ઉભા કરેલા ધાર્મિક દબાણો ને લઈને હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું હતું. પાર્કની અંદર બનેલી મસ્જિદ, 14 કબર અને ત્રણ મંદિર સહિત 30થી વધુ ધાર્મિક દબાણોને હટાવવા હાઈ કોર્ટે આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ તુરંત જ કાર્યવાહી કરી પાર્કની અંદર ઊભા કરેલા ધાર્મિક દબાણોને મોડી રાત્રે જ દૂર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સવાર સુધીમાં અહીંથી તમામ કાટમાળ કાઢી તેની જગ્યાએ ઝાડ પણ લગાડી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે પ્રયાગરાજ આવેલા ચંદ્રશેખર આઝાદ પાર્કમાં 1975 બાદ ઉભા કરાયેલા દબાણોને દૂર કરવા આદેશ કર્યો હતો. કોર્ટે આ મામલે કાર્યવાહી સંબંધિત સરકારના રિપોર્ટ પર પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આકરા શબ્દોમાં ટિપ્પણી કરી હતી.

ગત જુલાઇ માસમાં ઇલાહાબાદ હાઇકોર્ટમાં પ્રયાગરાજ જિલ્લાના જગજીત ચંદ્રશેખર આઝાદ પાર્કમાં થયેલા ધાર્મિક દબાણોને દૂર કરતી અરજી જીતેન્દ્રસિંહ તરફથી હાઈકોર્ટ માં દાખલ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી હાથ ધરતા હાઇકોર્ટ દ્વારા સુની સેન્ટ્રલ વકફ બોર્ડ અને રાજ્ય સરકાર સહિત તમામ પ્રતિવાદીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

હાઇકોર્ટે સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું હતું કે આ પ્રકારનો આદેશ 1987માં પણ કરવામાં આવ્યો હતો અને ગેરકાયદે થયેલા દબાણોને દૂર કરવા કહેવામાં આવ્યું હતું કે પૂછ્યું હતું કે આ આદેશને શા માટે લાગુ ન કરાયો ? આ વાતને લઈને રાજ્ય સરકાર પ્રત્યે પણ હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે હવે વહીવટી તંત્ર દ્વારા તમામ ગેરકાયદે થયેલા દબાણોને દૂર કરી દેવામાં આવ્યા છે.
0 Response to "જાહેર પાર્કમાં કરાયેલા ધાર્મિક અતિક્રમણને કર્યુ દૂર"
ટિપ્પણી પોસ્ટ કરો