ભગવાન શ્રી કૃષ્ણએ કહેલા કળિયુગના લક્ષણો…
કળયુગ માટે શ્રીકૃષ્ણએ આવું ભવિષ્ય ભાંખ્યું હતું.
શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા ગીતામાં કહેલી વાતો આજે યુગો બાદ પણ તેટેલી જ સચોટ સાબિત થઈ રહી છે અને આવનારા યુગોમાં પણ તેટલી જ સચોટ રહેશે. ભગવાન શ્રીકૃષ્ણને માત્ર હીન્દુઓ જ નથી પુજતાં પણ સમગ્ર વિશ્વમાં તેમના લાખો ભક્તો છે. કેટલીક વિદેશી યુનિવર્સિટિમાં તો ગીતાના શ્લોકોનું પણ પઠન કરાવવામાં આવે છે તો વળી કેટલીક શાળાઓમાં બાળકો પાસે પણ સંસ્કૃત તેમજ ગીતાના શ્લોકોનો અભ્યાસ કરાવવામાં આવે છે.
ગીતામાં માણસના એક-એક સ્વભાવનો ચિતાર આપવામાં આવ્યો છે એક સામાન્ય માણસથી લઈને મોટા સમ્રાટે જીવનમાં કેવા ગુણો અપનાવવા જોઈએ, કેવા અવગુણો અવગણવા જોઈએ, ધર્મનું પાલન કેવી રીતે કરવું. તે દરેક બાબતે સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. ગીતા એ જીવનરીતીનો એક આદર્શ ગ્રંથ છે જો માણસ ગીતામાં આપેલી રીતે જીવન પસાર કરે તો માત્ર તે વ્યક્તિનો જ નહીં પણ સમગ્ર વિશ્વનો ઉદ્ધાર થઈ જાય.
મહાભારતના યુદ્ધમાં કૌરવો કરતાં પાંડવો પાસે ક્યાંય ઓછું સૈન્ય બળ તેમજ શસ્ત્ર બળ હતું તેમ છતાં માત્ર શ્રીકૃષ્ણના માર્ગદર્શનથી જ તેઓ તે યુદ્ધ જીત્યા હતાં. અને શ્રીકૃષ્ણ પણ ધર્મના પક્ષે હોવાથી પાંડવોના પક્ષે હતાં. શ્રીકૃષ્ણએ આ સમય દરમિયાન પાંડવોને ઘણું બધું જ્ઞાન પિરસ્યું હતું.
તેમણે માત્ર તેમને ધર્મ જ નહોતો શિખવ્યો પણ યુદ્ધના દાવપેચ તેમજ રાજશાસ્ત્ર પણ શીખવ્યા હતાં. અને આજ બધું જ્ઞાન આજે આપણા બધાને એટલે કે સમગ્ર માનવજાતી પર પણ તેટલા જ લાગુ પડે છે તો ચાલો એકવાર ફરી શ્રીકૃષ્ણના તે જ્ઞાન પર નજર ફેરવીએ અને તેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ.
શ્રીકૃષ્ણએ પાંડવોને આ શીખ આપી હતી
યુગો પહેલાં પણ માણસના મનમાં રહેલું કુતુહલ પણ તેવું જ હતું જેવું આજે હતું. અને તે વખતે પાંડવો શ્રીકૃષ્ણએ ભલે માનવ શરીર તરીકે જન્મ લીધો હોય તેમ છતાં ભગવાન જ સમજતા હતા અને પરમજ્ઞાની સમજતાં હતા. ત્યારે તેમણે શ્રીકૃષ્ણને ઉત્સુકતાથી પુછ્યું હતું કે કળયુગમાં માણસો કેવા હશે. તેમનો ધર્મ શું હશે તેમનો અધર્મ શું હશે તેમનું રહેવું-કરવું કેવું હશે.
ત્યારે શ્રીકૃષ્ણએ તેમને માત્ર શબ્દો દ્વારા જ કળયુગ વિષે જાણકારી નહોતી આપી પણ તેમને તેના પ્રત્યક્ષ દર્શન પણ કરાવ્યા હતા જેથી કરીને તેઓ તેને સ્વયંમ જ સમજી શકે. તેના માટે સૌ પ્રથમ શ્રીકૃષ્ણએ ધનુષ લીધું અને તેમાંથી એક-એક તીર લઈ ચારે દીશામાં છોડ્યા અને પછી તે ભાઈઓને તે તીર શોધી લાવવા જણાવ્યું. શ્રીકૃષ્ણએ જ્યારે આમ કહ્યું ત્યારે પાંડવોના મનમાં વિચાર આવ્યો કે, આવું કેમ ? પણ કોઈ પણ શબ્દ ઉચાર્યા વગર તેઓ શ્રીકૃષ્ણએ કહ્યા પ્રમાણે તીર શોધવા લાગ્યા.
અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ ચારે ભાઈઓ પોત પોતાના તીર શોધવા લાગ્યા. અર્જુન જે દિશામાં તીર લેવા ગયો ત્યારે તેના કાને એક સુંદર મધુર અવાજ અથડાયો. જાણે કોઈ મધુર ગીત ગાઈ રહ્યું હોય. અર્જુનના કાને આ મધૂર અવાજ અથડાંતા જ તેના પગ રોકાઈ ગયા તેણે મધુર અવાજ કરતી કોયલ તરફ જોયું. તેણે જોયું તો કોયલ સસલાનું માંસ ખાતી હતી અને સાથે સાતે સુંદર અવાજ પણ કાઢી રહી હતી. અર્જુનને આ દ્રશ્ય જોતાં આશ્ચર્ય થયું અને તેને તે ન ગમ્યું તે તરત જ શ્રીકૃષ્ણ પાસે પાછો આવી ગયો.
તેવી જ રીતે ભીમ જ્યારે તીર શોધતાં શોધતાં એક એવી જગ્યાએ આવી પહોંચી ગયો જ્યાં પાંચ કુવાઓ આવેલા હતા. જેમાંના ચાર કુવાઓ પાણીથી ભરેલા હતા અને વચ્ચેનો પાંચમો કુવો સાવ જ સુકો હતો. તેમાં પાણીનું એક ટીપું પણ નહોતું. તેને કુતુહલ થયું કે આવું તો કેવી રીતે શક્ય બને કે એક જ જમીન પરના ચાર કુવામાંથી પાણી ઉભરાઈ રહ્યું છે જ્યારે બીજો કુવો સાવ જ સુકોભટ્ટ છે! તે પણ આશ્ચર્ય સાથે શ્રીકૃષ્ણ પાસે પરત ફર્યો.
હવે નકુલ જે દિશામાં તીર શોધવા ગયો હતો ત્યાં તેણે જોયું કે એક ગાય વાછરડાને જન્મ આપી રહી હતી. તેણે જોયું કે વાછરડાને જન્મ આપ્યા બાદ ગાય તેને વહાલથી ચાંટી રહી હતી. આમ કરતાં કરતાં વાછરડા પરની જે ગંદકી હતી તે દૂર થઈ ગઈ.
તેમ છતાં પણ ગાયે તો વાછરડાને ચાંટવાનું ચાલુ જ રાખ્યું. વાછરડું બીચારું કણસી રહ્યું હતું. તેની કોમળ ચામડી માતાનું આ વહાલ સહન નહોતી કરી શકતી ધીમે ધીમે તેનામાંથી લોહી વહેવા લાગ્યું. તેને આ દ્રશ્યથી આઘાત લાગ્યો તે પણ શ્રીકૃષ્ણ પાસે તેની ફરિયાદ લઈને દોડી ગયો.
સહદેવ પણ પોતાનું તીર શોધતાં શોધતાં એક તળેટીમાં આવી પહોંચ્યો હતો. તેણે જોયું તો પહાડ પરથી એક વિશાળ પથ્થર નીચે ગબડી રહ્યો હતો. નીચે ગબડતાં ગબડતાં આ પથ્થર પોતાના રસ્તામાં આવતી બધી જ વસ્તુઓ નાના પથ્થર, વૃક્ષો વિગેરેને ચગદીને તળેટી તરફ આગળ વધી રહ્યો હતો. પણ તેની સામે એક નાનો છોડ આવી ગયો અને કોણ જાણે શું થયું તે પથ્થર ત્યાં જ અટકી ગયો. સહદેવને કુતુહલ થયું તે પ્રશ્નોથી ભર્યું કુતુહલ લઈને શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયો.
ચારે પાંડવ ભાઈઓ શ્રીકૃષ્ણ પાસે પાછા આવી ગયા હતા અને તેમણે જે કંઈ જોયું તે વિષે શ્રીકૃષ્ણને કહ્યું અને તે પાછળનું કારણ જાણવા ઉત્સુક થયાં. ત્યારે શ્રીકૃષ્ણએ તેમને ખુબ જ શાંતિથી જણાવ્યું કે તમે જે કંઈ પણ જોયું છે તે કળયુગનો આઈનો છે. તે દર્શાવે છે કે કળીયુગ કેવો હશે. તેમ છતાં પાંડવોને કંઈ સમજ ન પડી. છેવટે શ્રીકૃષ્ણએ તેમને વિગતે સમજાવ્યું.
અર્જુનઃ અર્જુને જે કોયલ વાળું વિરોધાભાસી દ્રશ્ય જોયું હતું તે વિષે શ્રીકૃષ્ણએ જણાવ્યું કે કળીયુગ આ દ્રશ્ય જેવો જ હશે. તે સમયમાં પાખંડી સાધુઓ હશે જે મીઠી મીઠી વાણીથી લોકોને પોતાની તરફ આકર્ષશે અને પછી કોયલે જે રીતે મીઠો અવાજ કાઢતાં કાઢતાં સસલાનું માંસ ખાઈ રહી હતી તેવી રીતે આ પાખંડી સાધુઓ પણ લોકોને છેતરશે અને તેમનું શોષણ કરશે.
ભીમઃ ભીમના મનમાં ચાર પાણીથી છલકાતા કૂવા અને એક કોરોકટ કૂવા વિષે કુતુહલ હતું તેના જવાબમાં શ્રીકૃષ્ણએ જણાવ્યું કે કળીયુગની સ્થિતિ પણ અદલ આવી જ હશે. અમીર ઓર વધારે અમીર થશે તેનું ધન છલકાતું રહેશે બગડતું રહેશે પણ તે ગરીબને તેમાંથી જરા પણ મદદ નહીં કરે. ગરીબ ઓર વધારે ગરીબ થતો રહેશે પણ તેની કોઈ જ દરકાર કરવામાં નહીં આવે.
નકુલઃ નકુલે ગાયને વાછરડાને ચાંટતું દ્રશ્ય જોયું હતું જેનાથી નકુલ સ્તબ્ધ રહી ગયો હતો. શ્રીકૃષ્ણએ તેની સમજણ આપતાં જણાવ્યું કે કળીયુગમાં માતાપિતા પણ ગાયની જેમ પોતાના સંતાનોને ખુબ પ્રેમ કરશે ખુબ લાડ લડાવશે પણ તેમ કરવાથી તેઓ તેમના ઉછેરવાની બાબતો પ્રત્યે બેધ્યાન થઈ જશે અને તેમની આ જ બેદરકારીથી બાળકો અંદરથી ખોખલા થઈ જશે. અને આવનારી પેઢીમાં આવેલા આજ પોલાપણાથી સમગ્ર વિશ્વને નુકસાન પહોંચશે.
સહદેવઃ સહદેવે વિશાળ પથ્થર પર્વત પરથી ગબડતો જોયો હતો અને માત્ર એક નાનકડાં છોડવાથી તેને અટકતો પણ જોયો હતો. આ દ્રશ્યને સમજાવતાં શ્રીકૃષ્ણએ જણાવ્યું તે પથ્થરની જેમ જ મનુષ્યનું ચરિત્ર પણ છેલ્લી કક્ષા સુધી પડતું જ રહેશે. તેમના ચારિત્રની આ અધોગતિને કોઈ જ નહીં અટકાવી શકે જો કોઈ અટકાવી શકશે તો તે છે પ્રભુશરણ. માત્ર ભગવાન જ તેમના ચરિત્રને સુધારી શકશે.
આમ માત્ર ચાર જ પ્રસંગોમાં શ્રીકૃષ્ણએ ચાર પાંડવ ભાઈઓને ભવિષ્યના કળીયુગનો ચિતાર આપી દીધો હતો. જેમાં કોઈ જ અતિશયોક્તી નથી. તેમણે જે જણાવ્યું હતું તદ્દ્ન તેવું જ હાલ બની રહ્યું છે. આપણી આસપાસ આપણે અમીરો ગરીબો વચ્ચેની અસમાનતા જોઈ રહ્યા છે. ભુખ્તે મરતાં બાળકો જોઈ રહ્યા છીએ તો ખાઈખાઈને મેદસ્વી બનેલા બાળકોને પણ જોઈ શકીએ છીએ. અને ઢોંગી સાધુઓ પણ જોઈએ છીએ તો વળી માતાપિતાના ચડાવેલા સંતાનો પણ જોઈએ છીએ અને માણસોના ચરિત્રની છેલ્લી કક્ષા પણ જોયેલી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ
0 Response to "ભગવાન શ્રી કૃષ્ણએ કહેલા કળિયુગના લક્ષણો…"
ટિપ્પણી પોસ્ટ કરો