આને કહેવાય અસલી ખુદ્દારી, છેલ્લા 10 વર્ષથી આ અપંગભાઈ અગરબત્તી વેચીને પરિવારનું ગુજરાત ચલાવે છે
સામાન્ય રીતે આપણી વિચાર ધારા એવી હોય કે જે દિવ્યાંગ હોય એ કશુ કરી શકતા નથી. જેને હાથ કે પગ ન હોય અથવા તો જેને આંખો ન હોય એ જીવનમાં શુ કરતાં હશે આપણે એવું વિચારતા હોઈએ. પરંતુ એક શખ્સે આ બધી જ વાતોને ફગાવીને સમાજને પ્રેરણા આપવાનું કામ કર્યું છે. તેમજ તેમણે એક કહેવત સાચી રીતે સાર્થક કરી બતાવી કે કદમ હો જેના અસ્થિર તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.
આ વાત છે મેઘાણીનગરની રોહીદાસ ચાલીમાં રહેતા 30 વર્ષીય વિનયભાઇ નાયકની. વિનય નાયક જન્મથી બન્ને પગે દિવ્યાંગ છે. પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે ચાલીમાં પણ પોતાનું ઘર ખરીદી શકે એટલે ભાડે મકાન રાખીને પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી માથે છે. પણ તેમ છતાંલ વિનયભાઇ ભીખ માગીને નહીં પણ સ્વમાનભેર જીવન જીવે છે તેવી પ્રેરણા આપીને તેમના ઉત્સાહમાં વધારો કરીને તેમને એક નવી દિશા પૂરી પાડવામાં સહભાગી બનવું જોઇએ.
જો તમે અમદાવાદના છો અને કોઇવાર બાપુનગરની ઇન્ડિયા કોલોની પાસે ખરીદી કરવા માટે જાવ ત્યારે તમારા ઘરના સભ્યોને પ્રેમથી સમજાવીને કહેજો કે આ અગરબત્તી ખાસ છે જેની ખરીદી કરીને ભગવાન પણ ખુશ થશે અને સાથે તેવું વર્તન પણ કરજો કે તેનાથી વિનયભાઇને લાગે નહીં પણ તેના પર અહેસાન કરીએ છીએ. ત્યારે આવો જાણીએ કે આ વિનયભાઈ શું કહી રહ્યા છે.
વિનયભાઇ કહે છે કે, દિવ્યાંગ છું તે મારું નસીબ છે પણ મહેનતથી કમાવવું તે મારી ખુમારી અને તાકાત છે. દિવ્યાંગ બનીને ઘરે બેસી રહેવા કરતા જીવનમાં કંઇક કરવાની ઇચ્છા હતી તે માટે અગરબત્તી વેચવાની શરૃ કરી અને અગરબત્તી વેચાય તો મારા પરિવારનું ગુજરાન થઇ શકે છે. ભીખ માગીને નહીં પણ સ્વમાન સાથે અગરબત્તી વેચીને જીવન પસાર કરું છું. છેલ્લાં 10 વર્ષથી ઇન્ડિયા કોલોનીએ નિયમિત રીતે સવારે 8થી સાંજના 6 સુધી અગરબત્તી વેચવા માટે આવું છું. કોઇ દિવસ તડકો-છાંયડો જોવા વિના રસ્તા પર ઊભો રહીને અગરબત્તી વેચું છું. કોઇવાર જો અગરબત્તી વેચાય નહીં તો બપોરે ભોજન પણ કરતો નથી.
આગળ વાત કરતાં વિનયભાઈ કહે છે કે, મને અગરબત્તી વેચતો જોઇને જે લોકોને દયા આવે તો અગરબત્તીની રકમ કરતા વધારે રકમ આપીને ખરીદી કરે છે. હું માનું છું બધા જ લોકો ભગવાનને અગરબત્તી કરે છે પણ ભગવાન અંતર્યામી છે, સુગંધપ્રેમી નથી. લોકો અગરબત્તી સુગંધ જોઇને ખરીદતા હોય છે પણ મારી અગરબત્તીમાં સુગંધ ન હોવા છતાં ભગવાનને ગમે છે. દિવ્યાંગ હોવાથી ઘણા લોકો પોતાના ઘરના મંદિર માટે અગબરત્તીની ખરીદી કરીને મને એક સન્માન કરે છે સાથે મારા પરિવારનું ભરણપોષણ થાય છે.
વિનય ભાઈ કહે છે કે, હું નિયમિત રીતે મેઘાણીનગરથી ઇન્ડિયા કોલોની આવવા માટે રિક્ષામાં દિવસનું 100 રૂપિયા ભાડું ખર્ચું છું. રસ્તા પર ઊભો રહીને અગરબત્તી વેચવાનું કાર્ય કરું છું. કોરોનામાં પિતાનું અવસાન થતા લોકો પાસેથી ઉછીના પૈસા લઇને પિતાનું ક્રિયાકર્મ કર્યું. પરિવારમાં આવેલી વિવિધ કુદરતી આફતોમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇને પણ જીવનમાં કદી હિમ્મત હાર્યો નથી. હવે આ જ કહાની લોકોમાં વાયરલ થઈ રહી છે અને પ્રેરણા આપી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આપણા જેવા સામાન્ય માણસો ક્યારે દિવ્યાંગોને એક સમાન દરજ્જો આપશે અને ખરી રીતે દિવ્યાંગ તરીકે નહીં પણ માણસ તરીકે સ્વીકારશે.
0 Response to "આને કહેવાય અસલી ખુદ્દારી, છેલ્લા 10 વર્ષથી આ અપંગભાઈ અગરબત્તી વેચીને પરિવારનું ગુજરાત ચલાવે છે"
ટિપ્પણી પોસ્ટ કરો