એલોવેરા છે ખરતા વાળ માટે લાભકારી, જાણો કઇ રીતે ???

એલોવેરા જેલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં રહેલાં પોષકતત્ત્વો વાળને ખરતા રોકે છે અને તેના ગ્રોથમાં વધારો કરે છે. એલોવેરાની કડવી જેલમાં અનેક ગુણો સમાયેલા છે. આ પારદર્શક જેલમાં ૯૬ ટકા પાણી અને અઢળક એમિનો એસિડ રહેલાં છે. આ ગુણકારી જેલમાં વિટામિન એ, બી, સી અને ઈ રહેલું છે, જે શરીર, સ્કિન અને વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે. આ ઉપરાંત તે સ્કેલ્પને ઠંડક આપવાનું પણ કામ કરે છે. તેમાં મોટા પ્રમાણમાં એમિનો એસિડ અને પ્રોટેયોલિટિક એન્ઝાઇમ રહેલું છે, જે વાળનાં મૂળિયાંને મજબૂત બનાવીને વાળને વધારે છે. આ સાથે એલોવેરામાં રહેલા એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલના ગુણો ખોડો ઓછો કરે છે.
એલોવેરા જેલને તેલ સાથે લગાવવાથી વાળને જરૂરી મોઈશ્ચર મળી રહે છે. આ સાથે તે વાળનો ગ્રોથ વધારવામાં, વાળને મુલાયમ બનાવવામાં તેમજ વાળને ખરતા રોકવામાં પણ ઘણું લાભકારી છે. એલોવેરા જેલની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી વાળની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. એલોવેરા જેલની નીચે મુજબ કેટલીક પેસ્ટ બનાવી તમે વાળમાં લગાવી શકો છો અને વાળને ખરતા રોકી શકો છો.
બે ચમચી એલોવેરા જેલ લઈને તેને સ્કેલ્પ પર હલકા હાથે મસાજ કરો. મસાજ કર્યાં બાદ તેને બે કલાક માટે એમ જ રહેવા દો. બે કલાક પછી શેમ્પૂથી વાળને ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર કરવો, વાળ એકદમ સુંવાળા અને ચમકીલા બની જશે અને સમય જતા ખરતા વાળમાં પણ ઘટાડો થશે. બે ચમચી એલોવેરા જેલમાં એક ચમચી નારિયેળ તેલ ભેળવીને સ્કેલ્પ પર લગાવો. ત્યારબાદ હળવા હાથે વાળમાં માલિશ કરો અને બે કલાક પછી શેમ્પૂથી ધોઈ લો.
જો તમારા વાળ વધારે ખરતા હોય તો તમે એલોવેરા જેલને ડુંગળીના રસ સાથે મેળવીને પણ તે પેસ્ટ વાળમાં લગાવી શકો છો. તે વાળના ગ્રોથને વધારવા માટે ઉત્તમ ઘરગથ્થુ ઉપચાર છે. જો તમે વાળ ધોવાના બે કલાક પહેલાં એલોવેરા જેલ લગાવી શકતા ન હોવ તો નારિયેળ તેલની બોટલમાં ચોથા ભાગ જેટલી એલોવેરા જેલ ભેળવી લો. ત્યારબાદ રાત્રે સૂતી વખતે તે તેલને માથામાં લગાવીને સૂઈ જાવ. સવારે વાળને ધોઈ લેવા, થોડા સમયમાં વાળ ખરતા ઓછા થઈ જશે.
આ ઉપરાંત એક કપ ફ્રેશ એલોવેરા જેલ, બે ચમચી એરંડિયાનું તેલ, બે ચમચી મેથી પાઉડર લઈને આ બધી સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ મિશ્રણને વાળનાં મૂળિયાંમાં સારી રીતે લગાવો. પેક લગાવ્યા બાદ વાળને શાવરકેપથી કવર કરી લો. બે કલાક પછી વાળને શેમ્પૂથી ધોઈને કંડિશનર કરી લો. આ પેકને તમે અઠવાડિયામાં એક અથવા બે વાર લગાવી શકો છો. અડધો કપ એલોવેરા જેલમાં બે ચમચી લીંબુનો રસ ભેળવી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને વીસથી પચ્ચીસ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ શેમ્પૂથી વાળને ધોઈ લો. વાળ ખરતા ઓછા થઈ જશે અને એકદમ સુંવાળા અને ચમકીલા બનશે.
0 Response to "એલોવેરા છે ખરતા વાળ માટે લાભકારી, જાણો કઇ રીતે ???"
ટિપ્પણી પોસ્ટ કરો