મન હોય તો માળવે જવાય : સુરતમાં યુનિવર્સિટીના ક્લાર્કના ફેફસાંમાં 90 ટકા ઈન્ફેક્શન, 13 દિવસ વેન્ટીલેટર પર રહ્યા બાદ 40 દિવસે કોરોનાને મ્હાત આપી….
![](https://live82media.com/wp-content/uploads/2021/05/1.jpg)
ફેફસાંમાં 90 ટકા ઈન્ફેક્શન સાથે સિવિલમાં દાખલ થયેલા યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ક્લાર્કે 40 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી છે. અડાજણના સંગમસિટી ટાઉનશીપમાં રહેતા 43 વર્ષીય વિજયભાઈ કેશવભાઈ વરિયા વીર નર્મદ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.
13 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા
ગત તા.25 માર્ચે કોરોના પોઝિટિવ આવતાં પાંચ દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી, એ સમયે તેમને ફેફસાંમાં 40 ટકા જેટલું સંક્રમણ હતું. જે વધી જતાં તેમને રિફર કરીને નવી સિવિલમાં તા.1લી એપ્રિલે દાખલ કરાયા હતા.
જ્યાં 34 દિવસની સારવાર મળી કુલ 40 દિવસ સુધી કોરોનાને મ્હાત આપી હતી. તેઓ 13 દિવસ સુધી આઈ.સી.યુમાં વેન્ટીલેટર પર રહ્યાં હતાં. મજબુત મનોબળથી તેમણે કોરોનાને મ્હાત આપી છે.
સિવિલનો કોવિડ વોર્ડ મારું બીજુ ઘર બન્યું
કોરોનામુક્ત વિજયભાઈ આંખમાં હર્ષાશ્રુ સાથે કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલમા વિતાવેલા 34 દિવસ ક્યારેય ભુલાશે નહિં. આ સમયમાં સિવિલનો કોવિડ વોર્ડ મારૂ બીજું ઘર બન્યું હતું. અહીં તમામ કર્મચારીઓએ મને પરિવાર જેવો પ્રેમ સાથે સેવા સારવાર આપી છે.
એક સમયે મને કોઈ સાથે વાત કરવાનું પણ ગમતું ન હતું, હું ક્યારે સાજો થઈને ઘરે જઈશ, સાજો થઈશ કે નહિ એ પણ જાણ ન હતી. પરિવાર સાથે વિડિયો કોલ પર વાત પણ કરાવતા ત્યારે ખૂબ સારૂ લાગતું. સિવિલની સારવારથી હું મૃત્યુના મુખમાંથી ઉગર્યો હોય તેવો અનુભવ આજે હું કરી રહ્યો છું.
100 ટકા ઓક્સિજન પર સારવાર કરી હતી
જ્યારે દાખલ થયા ત્યારે વિજયભાઇની હાલત અત્યંત ગંભીર હતી, અને ઓક્સિજન લેવલ ઘટી જતાં તાત્કાલિક આઈસીયુમાં બાયપેપ પર 100 ટકા ઓક્સિજન પર સારવાર શરૂ કરી. આઈસીયુમાં સારવાર દરમ્યાન ICMR અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રેમડેસિવિર ઈન્જેક્શનના ડોઝ અને પ્લાઝમા સારવાર પણ આપવામાં આવી હતી. – ડો. કે.એન.ભટ્ટ, મેડિસીન વિભાગના હેડ, સિવિલ હોસ્પિટલ
0 Response to "મન હોય તો માળવે જવાય : સુરતમાં યુનિવર્સિટીના ક્લાર્કના ફેફસાંમાં 90 ટકા ઈન્ફેક્શન, 13 દિવસ વેન્ટીલેટર પર રહ્યા બાદ 40 દિવસે કોરોનાને મ્હાત આપી…."
ટિપ્પણી પોસ્ટ કરો