જાણો ગામડામાંથી આવેલા ચંદુભાઈએ કેવી રીતે શરૂ કરી બાલાજી વેફર્સ બનાવવાની શરૂઆત, કહાની છે રસપ્રદ
વેફર્સનું નામ આવે એટલે આપણ મગજ તુરંત જ બાલાજીનું નામ આવે. બાલાજી કંપનીએ વેફર્સની દુનિયામાં કિર્તિમાન સ્થાપિત કરી દીધો છે. અત્યારે પ્રાઇવેટ ઇકવિટી ફંડથી લઈ એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપનીઓએ ગુજરાતમાં રાજકોટમાં આવેલી બાલાજી વેફર્સનો હિસ્સો ખરીદવામાં લાઇન લગાવી છે. અર્નેસ્ટ એન્ડ યંગે કંપનીની વેલ્યૂશન રૂ. ૩,પ૦૦ કરોડનું અંદાજી હતી. આને જોતા જો કંપની ૨પ ટકા હિસ્સો હિસ્સો પીઇ ફંડને વેચે તો સહેજે રૂ. ૮પ૦ કરોડ મેળવી શકે છે. તો ચાલો જાણીએ આ કંપનીએ આટલી સફળતા મળી તેની પાછળનું રહસ્ય શું છે.
મલ્ટિનેશનલ કંપનીઓ બાલાજીને હંફાવી શકી નથી
વાત છે 1989ની જ્યારે સુધી ચંદુભાઇ વિરાણી એટલે કે બાલાજી વેફર્સના માલિક ઘરે તાવડામાં બટાકાની વેફર તળીને તેને રાજકોટનાં સિનેમાઘરોમાં વહેંચતા હતા. જ્યારે આજે તેની કંપની જગતની મલ્ટીનેશનલ કંપનીઓને દાદ નથી આપતી. આજે દરરોજ ૩૫,૦૦,૦૦૦ થી વધુ પેકેટ વેફર્સ, ચટાકા પટાકા, ચેવડો, દાળ વગેરે નાસ્તાનું ઉત્પાદન કરે છે. વેફર્સના માર્કેટમાં બાલાજીનો દબદબો એવો છે કે ગુજરાતનું ૮૦ ટકા માર્કેટ તેમના હાથમાં છે. મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓ બાલાજીને હંફાવી શકી નથી, પોતે હાંફી ગઇ છે.
ચંદુભાઇના પિતા ખેડૂત
ચંદુભાઇ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા ગામ છોડીને રાજકોટ આવી ગયા. રાજકોટમાં આવીને દસ ધોરણ પાસ ચંદુભાઇએ ધંધો શોધવા માંડયો. સિનેમાઘરની કેન્ટીનમાં વેફરની ખપત બહુ રહેતી એટલે બજારમાંથી વેફર ખરીદીને સિનેમાઘરોમાં આપવાનું શરૂ કર્યું. આ ધંધામાં બહુ માર્જીન નહોતું. ૧૯૭૪થી ૧૯૮૨ સુધી વેફર સપ્લાય કરવાનું કામ કર્યા પછી ચંદુભાઇને વિચાર આવ્યો કે વેફર પણ આપણે જ બનાવીએ તો ? ચંદુભાઇએ યુનિવર્સિટી રોડ ખાતેના પોતાના ઘરમાં જ તાવડો માંડયો. બટાટાની વેફર્સ હાથે જ બનાવવાની, તેને તળવાની અને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને સિનેમાઘરોમાં આપવા જવાનું. તે વખતે વેફર બનાવનારાઓ બહુ ઓછા હતા. એટલે સ્પર્ધા બહુ ન નડી. સિનેમાઘરમાં વેફર્સ ખાનારા કેટલાક વેપારીઓએ ચંદુભાઇનો સંપર્ક કરીને પોતાની દુકાને પણ વેફર્સ પહોંચાડવાનું કહ્યું. બહારના આ ઓર્ડર્સ પર પૂરતું ઘ્યાન અપાયું તે વખતે ઘરમાં રોજ ૬૦ કિલો બટાટાની વેફર્સ બનતી હતી. ચંદુભાઇના એક એડવોકેટ મિત્રે ત્યારે તેમને ટીકાત્મક રીતે કહ્યું હતું, આ શું ધંધો તમે માંડ્યો છે ? પરંતુ લોકોની વાતો પર ઘ્યાન ન આપી તેમણે મહેનત ચાલુ રાખી.
સાંગણવા ચોકમાં વેફર વેચવાની એક દુકાન પણ કરી
1983 માં પ્લાસ્ટિકની જે થેલીઓમાં તેઓ વેફર પેક કરતાં હતા તેની ઉપર બાલાજી લખાવ્યું અને બાલાજી બ્રાન્ડનો જન્મ થયો. સાંગણવા ચોકમાં વેફર વેચવાની એક દુકાન પણ કરી. મગદાળ, વટાણા, ચણાદાળ વગેરે પ્રોડક્ટ પણ બનાવવાની ચાલુ કરી. ધંધો વધતા આજી ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં વિરાણી ભાઇઓએ એક હજાર મીટર જગ્યા લીધી. ભઠ્ઠાઓ નાંખ્યા, પણ ભઠ્ઠામાં ધૂમાડા થાય અને પ્રોડક્ટમાં સમાનતા જાળવવી પણ અઘરી પડે. તે વખતે બાલાજીની વેફર વખણાતી હતી, પણ તેની લેખિત રેસિપી નહોતી. ડબ્બાના માપથી મસાલા નાંખવામાં આવતા. તાવડામાં ઉકળતું તેલ જોઇને તેના ટેમ્પરેચરનો અંદાજ લગાવવો પડતો.
ભઠ્ઠામાં રોજની ૫૦૦ કિલો વેફર બનતી
ભઠ્ઠામાં રોજની ૫૦૦ કિલો વેફર બનતી હતી. માંગ વધી રહી હતી અને ભઠ્ઠા-તાવડાની મર્યાદાઓ નડી રહી હતી એટલે ઓટોમાઇઝેશન પર જવાનું નક્કી કર્યું. બટાટાને કાતરીને વેફર પણ મશીન જ બનાવે અને તેને તળી પણ આપે એવું મશીન લઇ આવ્યા. છ મહિના સુધી મશીન ચાલુ ન થયું. ચંદુભાઇ એ સમય યાદ કરતાં કહે છે, અમે ફસાઇ ગયા. મશીન ચાલે નહીં. અમને મશીનમાં કશી ગતાગમ પડે નહીં. આવી સ્થિતિમાં કરવું શું? એટલે દેશી મશીન લઇ આવ્યા. ઇમ્પોર્ટેડ અને દેશી બંને મશીનને જોડી કાઢીને વર્ણસંકર મશીન બનાવ્યું. તે ચાલ્યું. માત્ર ચાલ્યું નહીં, દોડ્યું. સરસ ક્વોલિટીની વેફર બનતી થઇ.
વેફર્સ ગ્રાહકોમાં પ્રિય હોવાનું એકમાત્ર કારણ તેની ક્વોલિટી
ઘરમાંથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારખાના અને ઓટોમાઇઝેશન સુધીની આ સફરની સાથે સાથે બીજી પણ બે બાબતો સતત સાથે હતી, જે બાલાજીને આજની સ્થિતિ સુધી પહોંચાડવા માટે બહુ જ મહત્તવપૂર્ણ ભાગ ભજવવાની હતી. તેમાંની એક હતી ક્વોલિટી. ચંદુભાઇ સતત ક્વોલિટીનું ઘ્યાન રાખતા રહ્યા. બટાટાની ખરીદીથી માંડીને વેફર તળવા તથા તેના પેકેજીંગ સુધી તમામ બાબતોમાં તેઓ ક્વોલિટી કોન્શિયશ રહેતા હતા. બાલાજીની વેફર ગ્રાહકોમાં પ્રિય હોવાનું એકમાત્ર કારણ તેની ક્વોલિટી હતી.
1986 માં માલની ડિલિવરી કરવા માટે એક ટેમ્પો ખરીધો
બાલાજીની અધતન લેબોરેટરીમાં માત્ર બનેલી પ્રોડક્ટનું જ પરીક્ષણ નથી થતું, તેમાં ઉમેરાનાર મસાલાનું પણ નિયમિત પરીક્ષણ થાય છે. મરચાંની તીખાશનું પણ માપ કાઢવામાં આવે છે. બીજી બાબત હતી, નેટવર્ક વિસ્તારવાની. ૧૯૮૬માં ચંદુભાઇએ માલની ડિલિવરી કરવા માટે એક ટેમ્પો ખરીધો હતો. આસપાસના વિસ્તારોમાં માંગ વધતી ગઇ તેમ નેટવર્ક વધારતા ગયા. ચંદુભાઇ કહે છે, માલની અવેલેબિલીટી, પ્રાપ્યતા અત્યંત જરૂરી છે. રીટેઇલરો અને ડીલરોને અમારો માલ સતત અને સરળતાથી મળતો રહે તે માટે અમે શરૂઆતથી પ્રયત્નશીલ રહ્યા છીએ. કોઇ માર્કેટમાં બાલાજીની પ્રોડક્ટ પ્રિ-પ્લાન મુજબ ધડાકાભેર લોંચ થઇ નથી. રીટેઇલર હોય કે ડીલર, બાલાજીએ ક્યારેક કોઇ સ્કીમ આપી નથી. સામાન્ય રીતે વેફર જેવી પ્રોડક્ટમાં કંપનીઓ ડીલરો અને રીટેઇલરો માટે ૫૦ ટકા કમિશન સુધીની આકર્ષક સ્કીમ મુકતા હોય છે. ચંદુભાઇ કહે છે, અમે એક સ્થળે પ્રોડક્ટ પહોંચાડીએ એટલે તેનો સ્વાદ ત્યાંના લોકોના મોંએ વળગે. સાચા અર્થમાં માઉથ પબ્લિસિટી થાય.
મલ્ટીનેશનલ કંપનીઓનું એકહથ્થુ શાસન છે
વેફરના બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓનું એકહથ્થુ શાસન છે. તેની સામે કઇ રીતે ઝીંક ઝીલી શક્યા? એવા પ્રશ્નના જવાબમાં ચંદુભાઇ નિખાલસતાથી કહે છે, મલ્ટીનેશનલ કંપનીઓ બજારમાં આવી અને આક્રમક માર્કેટિંગ ઉપરાંત અન્ય કારસા પણ કર્યા ત્યારે થોડો ડર જરૂર લાગ્યો હતો. તે વખતે અમે નક્કી કર્યું કે આગામી સમયમાં આકસ્મિક ફંડની જરૂર પડે તો તે માટે આગોતરાં આયોજન માટે જમીનમાં રોકાણ કરીએ. મોટાભાઇ ભીખુભાઇ જમીનના જાણકાર હતા. કંપનીની આજુબાજુની જમીનો તેમણે ખરીદવા માંડી બે-ત્રણ વર્ષમાં જ આ જમીનોની કિંમત પંદર ગણી વધી ગઇ. જેટલું વેફર્સ અને અન્ય પ્રોડક્ટમાં નહોતા કમાયા તેટલું જમીનમાં કમાયા.
લેયઝની સામે કુરકુરે
મલ્ટીનેશનલ કંપનીઓની પ્રોડક્ટસની સામે પોતાની પ્રોડક્ટસ ઉતારી. લેયઝના કુરકુરેની સામે ચટાકા પટાકા મૂકી. કોઇપણ જાતની જાહેરાત વગર ચટાકા પટાકા હીટ ગઇ. બાલાજી અત્યારે ૬૦ જેટલી પ્રોડક્ટ બનાવે છે. ગ્રાહકોની જરૂરિયાત અંગે ચંદુભાઇ અત્યંત જાગૃત છે. તેઓ કહે છે, અમે દર વર્ષે એક નવી પ્રોડક્ટ બજારમાં મુકીએ છીએ. ૧૫ થી ૨૦ ટકા ગ્રાહકો એવા હોય છે જેમને કંઇક નવું જ જોઇએ છે.
અહીં વાતાવરણ પરિવાર જેવું
કર્મચારીઓની સગવડોનું બાલાજીમાં ઘ્યાન રાખવામાં આવે છે. તેમના માટે આધુનિક કેન્ટિનની સુવિધા છે. કેન્ટિનના ભોજનનું પણ નિયમિત લેબોરેટરી ટેસ્ટિંગ થાય છે. ગરમીમાં કામ કરવાનું હોવાથી ચાર કલાકમાં જ ડ્યુટી બદલી નાખવાની વ્યવસ્થા છે. કર્મચારી કામમાં ભૂલ કરે ત્યારે શું કરો ? એવા પ્રશ્નના ઉત્તરમાં ચંદુભાઇ કહે છે, કામમાં ભૂલ થાય ત્યારે હું બે ધીમા શબ્દો કહું છું પણ છાતીએ વાગી જાય એવા શબ્દો કહું છું, સુધરવાની તક આપું છું. અહીં વાતાવરણ પરિવાર જેવું છે. પોતાની ફેક્ટરીમાં જ તેમણે ગૌશાળા બનાવી છે. શુદ્ધ ગીર ઓલાદની ૨૫ ગાયો તેમણે રાખી છે. ગાયોની દેખભાળ પણ પોતે જ કરે છે. દેશની ટોચની ફૂડ પ્રોસેસિંગ કંપનીના એમ.ડી.નું આ બીજું રૂપ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "જાણો ગામડામાંથી આવેલા ચંદુભાઈએ કેવી રીતે શરૂ કરી બાલાજી વેફર્સ બનાવવાની શરૂઆત, કહાની છે રસપ્રદ"
ટિપ્પણી પોસ્ટ કરો