આસ્થાની સાથે અક્ષયપાત્રની સુવિધા માણવી હોય તો અમદાવાદના આ મંદિરની લો મુલાકાત
અમદાવાદ શહેરમાં અનેક જોવાલાયક જગ્યાઓ છે. મંદિરોની તો ક્યાંય ખોટ નથી. ભગવાન ખરેખર તો મંદિરમાં નહીં પણ વ્યક્તિના મનમાં વસતા હોય છે. તેમ છતાં માની લઇએ કે અમદાવાદમાં અનેક એવા મોટા મંદિરો છે જેમાં શ્રધ્ધાળુઓ વિશ્વાસ ધરાવે છે. આજે અહીં વાત કરવામાં આવી રહી છે અમદાવાદની પાસે આવેલા ભાડજના હરે કૃષ્ણ મંદિરની. આ મંદિર સવારના 4.30થી લઇને રાતના 8.15 સુધી ખુલ્લુ રહે છે અને ભક્તો તેની સેવાનો લાભ લઇ શકે છે.
કેવી રીતે જશો.
અમદાવાદથી સાયન્સ સીટી તરફ જતાં અમદાવાદ જેન્ટલ કોલેજની પાસે આ મંદિર આવેલું છે. એટલે કે એસપી રિંગ રોડથી તમે અહીં જવાને માટે વળી શકો છો. આ અંતર લગભગ 18 કિમીનું છે એટલે કે તમે અમદાવાદમાં એસ.જી. હાઇવે પરથી લગભગ 30 મીનીટમાં અહીં જઇ શકો છો.
શું આર્કષે છે.
અહીંનું શાંત અને રમણીય વાતાવરણ, ભગવાનના સુંદર અને મનોરમ્ય દર્શન, મંદિરની કલાકૃતિ અને સાથે જ ગૌશાળાનો અદભૂત આનંદ, અક્ષયપાત્ર દ્રારા બાળકોને પીરસાતા ભોજનથી થતી ધન્યતાની લાગણી.
જાણો મંદિરની વિશેષતાઓને વિશે
મંદિરમાં દર રવિવારે સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સાથે જ અનેક શ્રદ્ધાળુઓને પ્રસાદ આપવામાં આવે છે. બાળકોને માટે વૈદિક શિક્ષણનો કાર્યક્રમ પણ દર રવિવારે સાંજે એક કલાકને માટે યોજવામાં આવે છે. જેમાં ઓડિયો વીડિયો ટેકનિકથી બાળકોને પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે. વૈકલ્પિક મોડ્યુલ્સમાં બાળકોને મૃદંગ અને કરતાલ, કલા અને હસ્તકલા તથા નાટકની તાલીમ પણ આપવામાં આવે છે. રવિવારે અહીં વધારે શ્રધ્ધાળુઓ આવતા હોવાથી તેને ખાસ બનાવવાની સુવિધા કરવામાં આવી છે.
આ સિવાય મંદિર તરફથી યાત્રાની સુવિધા પણ મળે છે જેમાં તમે મથુરા-વૃંદાવન, જગન્નાથપુરી, માયાપુર, દ્રારકા, ડાકોર, શ્રીનાથજી અને બદ્રીનાથના સ્થળોએ જઇ શકો છો. મંદિરમાં મહિલાઓને માટે એક વૈષ્ણવી સંઘની સુવિધા છે જેમાં સ્ત્રીઓને માટે આધ્યાત્મિક જીવનનું પ્રશિક્ષણ આપવામાં આવે છે અને સભ્યોના નિવાસસ્થાને ભજન કીર્તનનું અને વિશેષ પૂજાનું આયોજન કરવાની સુવિધા પણ છે.
જાણો મંદિરની ગૌશાળાને વિશે વિગતે
અહીં મંદિરમાં એક ગૌશાળા બનાવવામાં આવી છે. કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણ ગાય અને બ્રાહ્મણોના શુભેચ્છક છે. ગાય ભગવાન શ્રીકૃષ્ણનું પ્રિય પ્રાણી છે. અહીં શ્રી રાધા માધવ ગૌશાળામાં ગીરની ઉત્કૃષ્ટ ગાયો જોવા મળે છે. અહીં તેનું કાળજીથી જતન કરવામાં આવે છે. નાના વાછરડાં ગૌશાળાની સુંદરતામાં વધારો કરે છે. ગાયના દૂધ અને તેની બનાવટો રાધા માધવને પ્રિય રહી છે અને સાથે ભક્તો દ્રારા તેમને સેવામાં આપવામાં આવી છે. આ છે ગૌશાળાની વિશેષતા.
જાણો મંદિરના અક્ષયપાત્રને વિશે
મંદિરમાં અલગથી અક્ષયપાત્રની સુવિધા તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્રારા આ અક્ષયપાત્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલમાં જ તૈયાર થયેલા આ મંદિરમાં રોજ ગુજરાતમાં 4.5 લાખથી વધારે અને ભારતમાં કુલ 15 લાખથી પણ વધારે બાળકોને માટે સરકારી શાળાઓમાં ભોજન પહોંચાડવામાં આવે છે. આ અક્ષયપાત્રનો હેતુ એ જ છે કે દેશમાં કોઇપણ બાળક ભૂખ્યું ન રહે.
અમદાવાદ ગાંધીનગરથી કુલ 1,35,173 બાળકો, વડોદરાથી 1,28,589 બાળકો અને સુરતથી 1,88,100 બાળકોને મંદિર તરફથી ભોજન બનાવીને પહોંચાડવામાં આવે છે. સરકાર દ્રારા મંદિરને એક થાળીના 6.50 રૂપિયા ચૂકવવામાં આવે છે. બાળકોને રોજ ભોજનમાં દાળ -ભાત અને રોટલી આપવામાં આવે છે તો બુધવારે ખાસ કરીને દાળ ઢોકળી અને ભાતનું ટિફિન આપવામાં આવે છે. ટિફિન પહોંચાડવા માટેના જે વાહનો છે તેમાં ભોજન સતત 6 કલાક સુધી ગરમ રહે તેવી સુવિધા આપવામાં આવી છે. મંદિરના કર્મચારીઓ રોજ શાળાના બાળકો ઉપરાંત 6 હોસ્પિટલોમાં પણ ટિફિનની સુવિધા પૂરી પાડે છે. આ હોસ્પિટલોમાં અમદાવાદની જાણીતી સિવિલ અને વી.એસ હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવે છે.
મંદિરમાંથી પ્રસાદ સ્વરૂપે રવિવારે ફ્રીમાં જમવાનું આપવામાં આવે છે. આ સિવાય અહીં નાસ્તાની અને જમવાની વ્યવસ્થા છે. આ સેવા માટે તમારે કેટલોક નોમિનલ ખર્ચ કરવાનો રહે છે.
અહીંના અક્ષયપાક્ષમાં મોટી મશીનોની સાથે લગભગ 300 લોકો કામ કરે છે. જેમાંથી 70 પુરુષો અહીંના સ્ટાફ ક્વાર્ટસમાં રોકાઇ શકે તેવી સુવિધા છે. તેમને રોકાવવાની સુવિધા મંદિર તરફથી જ વિનામૂલ્યે આપવામાં આવે છે. અહીં દરેક નાનાથી લઇને મોટી પોસ્ટના કર્મચારીને શરૂઆતમાં 7000 રૂપિયાનો પગાર મળે છે અને તેમાંથી ટેક્સ અને પીએફ કપાઇને દર મહિને રૂપિયા 6200 આપવામાં આવે છે. મહિલાઓને નોકરીને માટે 9.30થી 6.30નો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ તેઓ અહીં રોકાઇ શકતા નથી.
જાણો મંદિરની ઓનલાઇન સુવિધાઓને વિશે વિગતે
જો હરે કૃષ્ણ મંદિરની ઓનલાઇન સુવિધાઓની વાત કરવામાં આવે તો અહીંની તમામ માહિતિ તમે https://ift.tt/33rbrrv પરથી મેળવી શકો છો. આ સિવાય તમે મેલ કરવા ઇચ્છો તો તમે [email protected] પર કરી શકો છો. જો તમે ફેસબુક પર આ મંદિરની મુલાકાત ઇચ્છો છો તમે facebook.com/harekrishnamandirahmedabad પર ક્લિક કરી શકો છો. યુટ્યુબ પર Hare Krishna Mandir લખીને તમે તેના વીડીયોને પણ જોઇ શકો છો. આ સાથે તેમનું વોટ્સઅપ ગ્રુપ છે જેમાં તમે રોજ ભગવાનના ઓનલાઇન દર્શન કરી શકો છો.
0 Response to "આસ્થાની સાથે અક્ષયપાત્રની સુવિધા માણવી હોય તો અમદાવાદના આ મંદિરની લો મુલાકાત"
ટિપ્પણી પોસ્ટ કરો