Corona Vaccine થી ભારતમાં પ્રથમ મોતની પુષ્ટિ, 68 વર્ષના વૃદ્ધે જીવ ગુમાવ્યો, આ તારીખે લીધી હતી વેક્સિન
દેશમાં રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે. 16 જાન્યુઆરીથી ભારતમાં કોરોના વિરોધી રસીકરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશના 26 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આ સિવાય દેશભરમાં હજુ પણ વધુને વધુ લોકોને રસી આપવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. આ વચ્ચે રસી લઈ ચુકેલા લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
દેશમાં રસીના કારણે એક વ્યક્તિનું મોત થયાની પુષ્ટિ થઈ છે. સરકારી પેનલએ કોરોનાની રસી લીધા બાદ મોત થયાના સમાચારની પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે રસી બાદ 31 ગંભીર કેસની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 1 વ્યક્તિનું મોત રસીના કારણે થયું છે.
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર 8 માર્ચ 2021ના રોજ 68 વર્ષીય એક વ્યક્તિએ કોરોનાની રસી લીધી હતી. ત્યારબાદ આ વ્યક્તિનું એનાફિલેક્સિસના કારણે મોત થયું છે. જણાવી દઈએ કે રસી લીધા બાદ થયેલી સમસ્યાને એઈએફઆઈ એટલે કે એડવર્સ ઈવેંટ ફોલોઈંગ ઈમ્યૂનાઈઝેશન કહેવાય છે. સરકારે તેના માટે એક સમિતિનું ગઠન કર્યું છે.
આ સમિતિના અધ્યક્ષ ડો એન કે અરોરાના જણાવ્યાનુસાર, રસી લીધા બાદ દેશમાં પહેલું મોત થયું છે. દર્દીને એનાફિલેક્સિસ જોવા મળ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 3 કેસમાં રસીના પ્રોડક્ટ સાથે સંબંધીત મળી આવ્યા છે. સરકારી પેનલના રીપોર્ટ અનુસાર, રસીના પ્રોડક્ટથી સંબંધિત રિએકશન થઈ શકે છે. જેનું કારણ રસીકરણ છે. આ રિએકશનમાં એલર્જી અને એનાફિલેક્સિસનો સમાવેશ થાય છે.
એનાફિલેક્સિસના 2 અન્ય કેસમાં 19 અને 16 જાન્યુઆરીએ રસી લીધા બાદ બે લોકોને સમસ્યા થઈ હતી. પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ થયા બાદ બરાબર થઈ ગયું હતું. કોવિડ રોધી રસીકરણ પછી એઈએફઆઈના કેસ કુલ રસીકરણના માત્ર 0.01 ટકા હતું. જ્યારે મૃત્યુદર તો તેનાથી પણ ઓછો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એઈએફઆઈના આંકડામાં કહેવામાં આવ્યું છે કે 16 જાન્યુઆરીથી 7 જૂન વચ્ચે તેના 26,200 કેસ સામે આવ્યા હતા.
સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે રસી લીધા પછી સામે આવેલા ગંભીર કેસમાં રસીની અસર અલગ અલગ રીતે વિભાજીત કરવામાં આવી હતી. જેમાં 18 કેસ એવા હતા કે જે રસી સાથે સંકળાયેલા ન હતા. 7 કેસ એવા હતા કે જેના માટે કોઈ નિશ્ચિત પુરાવા કે ક્લિનિકલ ટ્રાયલનો ડેટા નથી જેમાં વધારે સ્ટડી કરવાની જરૂર છે. 3 કેસ એવા છે જે વેક્સીન પ્રોડક્ટ સાથે રિએકશન અથવા એનાફિલેક્સિસ સાથે સંકળાયેલા છે. 2 કેસમાં જરૂરી માહિતી મળી નથી તેથી તેના પર ફરીથી વિચારણા થશે જ્યારે 1 કેસમાં વ્યક્તિને રસી લીધા બાદ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
0 Response to "Corona Vaccine થી ભારતમાં પ્રથમ મોતની પુષ્ટિ, 68 વર્ષના વૃદ્ધે જીવ ગુમાવ્યો, આ તારીખે લીધી હતી વેક્સિન"
ટિપ્પણી પોસ્ટ કરો