જાણો ક્યારથી શરુ થશે વિતરણ અને ક્યાં સુધી લાભાર્થીઓ લઈ શકે છે લાભ
કોરોનાના કેસમાં રાહત મળતા લોકોને આ વખતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં રાહત હશે તેવું જણાય છે. જો કે મોટી સંખ્યામાં લોકોને એકત્ર થવા પર તો રોક જ છે અને કોરોનાના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે પરંતુ આ વચ્ચે પણ પરિવારના લોકો સાથે ઉત્સાહથી તહેવાર માણી શકાય તે માટે સરકારે ખાસ વ્યવસ્થા કરી છે.

જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકોને ફ્રીમાં અનાજ સહિતની જરૂરીયાતની વસ્તુઓ આપવાની તૈયારી કરવામાં આવી છે. જે અંતર્ગત ગરીબ અને નબળા વર્ગના લોકોને રાશનકાર્ડ પર ખાંડ, તેલ, ઘઉં, ચોખા, મીઠું, કેરોસીન સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.

મહત્વનું છે કે અત્યાર સુધી માત્ર અંત્યોદય અને બી.પી.એલ વર્ગના રાશનકાર્ડ ધારકોને તહેવાર નિમિત્તે કપાસિયા તેલનો જથ્થો આપવામાં આવતો હતો પરંતુ આ વખતે આ બંને કેટેગરીના રાશનકાર્ડ ધારકો ઉપરાંત રાષ્ટ્ર્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવતા અન્ય રાશનકાર્ડ ધારકોને પણ કપાસિયા તેલ એક લીટરના 93 રૂપિયાના ભાવે આપવામાં આવશે.
સરકારે તહેવારોને ધ્યાનમાં રાખી કાર્ડ દીઠ 1 કિલો વધારાની ખાંડ આપવામાં આપવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત બી.પી.એલ રાશનકાર્ડ ધારકોને 11 રૂપિયાના ભાવે, અંત્યોદય કાર્ડ ધારકોને રૂપિયા 15ના ભાવે 1 કિલો વધારાની ખાંડ આપવામાં આવશે.

નિયત વિતરણ પ્રણાલી મુજબ બીપીએલ કાર્ડ ધારકોને વ્યકિતદીઠ 350 ગ્રામ અને અંત્યોદય કાર્ડધારકોને 3 વ્યકિત દીઠ 1 કિલો અને ત્રણથી વધુ વ્યકિત હોય તો દરેક વ્યકિતદીઠ વધારાની 350 ગ્રામ ખાંડ આપવામાં આવશે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના જણાવ્યા મુજબ આ વસ્તુઓ ઉપરાંત લાભાર્થીઓને ઘઉં, ચોખા, તુવેર દાળ, મીઠું અને કેરોસીન પણ આપવામાં આવશે. આ વિતરણ 18 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં એક સાથે શરૂ કરવામાં આવશે. લાભર્થીઓ આ વિતરણનો લાભ 31 ઓગસ્ટ સુધી લઈ શકે છે.
0 Response to "જાણો ક્યારથી શરુ થશે વિતરણ અને ક્યાં સુધી લાભાર્થીઓ લઈ શકે છે લાભ"
ટિપ્પણી પોસ્ટ કરો