મૂળ ભારતના અનિતા આનંદ કેનેડાનાં રક્ષામંત્રી બન્યાં, 32 વર્ષનાં મહિલા સાંસદ કમલ ખેરાએ પણ મંત્રી તરીકે શપથ લીધા
અનિતાનો નોવા સ્કોટિયામાં વર્ષ 1967માં જન્મ થયો હતો, તેમના ભારતીય માતા અને પિતા બન્ને વ્યવસાયિક રીતે તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમના માતા સરોજ ડી.રામ પંજાબના છે અને પિતા એસ.વી.આનંદ તામિલનાડુના વતની છે. યુનિવર્સિટી ઓફ ટોરન્ટોમાંથી લો પ્રોફેસર તરીકે જવાબદારી ધરાવતા હતા. તેઓ ટોરન્ટો નજીક ઓકવિલેમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ વર્ષ 2019માં પ્રધાનમંત્રી જસ્ટિન દ્વારા તેમની પબ્લિક સર્વિસ અને પ્રોક્યુરમેન્ટ બાબતના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
કેનેડા સરકારમાં પ્રથમ વખત ભારતીય મૂળનાં અનિતા આનંદ રક્ષામંત્રી બન્યાં છે. તેમણે ઈન્ડો-કેનેડિયન હરજિત સજ્જનનું સ્થાન લીધું છે. આ સાથે કેનેડાના ઈતિહાસમાં રક્ષામંત્રી તરીકે કોઈ મહિલાની પસંદગી કરવામાં આવી હોય તેવી આ બીજી ઘટના છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આજે તેમના નવા કેબિનેટની જાહેરાત કરી હતી. આ જાહેરાત પ્રમાણે સજ્જનને આંતરરાષ્ટ્રીય બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે.
ભારતીય-કેનેડિયન 32 વર્ષનાં મહિલા સાંસદ કમલ ખેરાએ મંત્રી તરીકે શપથ લીધા
ટ્રુડોના મંત્રી મંડળમાં બ્રમ્પટન વેસ્ટથી અન્ય ભારતીય-કેનેડિયન 32 વર્ષના મહિલા સાંસદ કમલ ખેરાએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે ભારતીય મૂળની મહિલાને સરકારમાં સ્થાન મળ્યું છે. અગાઉ ભારતીય-કેનેડિયન મંત્રી બરદિશ ચાગર કેનેડાના યુવા સહિત ડાઈવર્સિટી મંત્રાલયની જવાબદારી ધરાવતા હતા. અત્યારે નવા કેબિનેટમાં છ મહિલા મંત્રીઓમાં બે ભારતીય-કેનેડિયન મહિલા મંત્રી સ્થાન ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે કેનેડિયન મિલિટરીમાં જાતિય બાબતો અંગે જે દોષારોપણ કરવામાં આવેલા તેનો સામનો કરવામાં હરજીત સજ્જન નિષ્ફળ ગયેલા, જેને પગલે તેમના સ્થાને અનિતા આનંદને લેવામાં આવ્યા છે. અગાઉ અનિતાની પ્રોક્યુરમેન્ટ મિનિસ્ટર તરીકેની કામગીરીની વ્યાપક પ્રશંસા થયેલી છે. આ ઉપરાંત ખેરા પણ એક રજિસ્ટર્ડ નર્સ છે, જેઓ કોરોના મહામારીના સમયમાં હેલ્થ-કેર પ્રોવાઈડર તરીકેની કામગીરી માટે પરત ફર્યાં હતા. વર્ષ 2015થી ત્રણ વખત સાંસદ બની ચુકેલા ખેર સંસદીય બાબતોના સચિવ તરીકે પણ કામગીરી બજાવે છે.
1985ના રોજ એર ઈન્ડિયા કનિષ્કા ફ્લાઈટ બોંબથી ઉડાવાની ઘટનાની તપાસમાં મદદ કરેલી
23 જૂન,1985ના રોજ એર ઈન્ડિયા કનિશ્કા ફ્લાઈટમાં બોંબથી ઉડાવી દેવામાં આવેલી અને આ ઘટનામાં 329 લોકોએ જીવ ગુમાવેલા. આ ઘટનાની તપાસ કરવા જે તપાસ પંચની રચના કરવામાં આવેલી. અનિતાએ વ્યાપક પ્રમાણમાં તપાસ કરવા સાથે એર ઈન્ડિયા ઈન્વાયરી કમિશનને મદદ કરી હતી.
અગાઉ ભૂતપૂર્વ વડાપ્રધાન કિમ કેમ્પબેલે સંરક્ષણમંત્રી તરીકે જવાબદારી નિભાવેલી
વર્ષ 1984માં સુવર્ણ મંદિર ખાતે કરવામાં આવેલી લશ્કરી પગલાંનો બદલો લેવા મોનટ્રીયલ-દિલ્હી ફ્લાઈટમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવેલો. અનિતા આનંદ અગાઉ કેનેડાના એકમાત્ર મહિલા સંરક્ષણ મંત્રી તરીકે ભૂતપૂર્વ વડાપ્રધાન કિમ કેમ્પબેલે 4,જાન્યુઆરીથી 25 જૂન,1993 સુધી જવાબદારી સંભાળી હતી.
0 Response to "મૂળ ભારતના અનિતા આનંદ કેનેડાનાં રક્ષામંત્રી બન્યાં, 32 વર્ષનાં મહિલા સાંસદ કમલ ખેરાએ પણ મંત્રી તરીકે શપથ લીધા"
ટિપ્પણી પોસ્ટ કરો