રાજકોટનો યુવાન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા કોર્પોરેટર બન્યો; અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા છતાં જીતી ગયા
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાનો એક પ્રાંત છે. તે ઓસ્ટ્રેલિયાના પશ્ચિમમાં આવેલું છે અને તેની કુલ જમીનના 32.9 ટકા આ રાજ્યની છે. તેની પશ્ચિમ અને ઉત્તરમાં હિંદ મહાસાગર, દક્ષિણમાં દક્ષિણ મહાસાગર, ઉત્તરપૂર્વમાં ઉત્તરીય પ્રદેશ અને દક્ષિણપૂર્વમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા છે. તેની રાજધાની પર્થ છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં મૂળ રાજકોટના છેલ્લા 14 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા કેયૂર કામદાર કોર્પોરેટર તરીકે વિજેતા બન્યા છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોઇ ગુજરાતી યુવાન કોર્પોરેટર બન્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. તેમના હરીફ ઉમેદવાર છેલ્લા 6 ટર્મથી ચૂંટાઈને આવતા હતા તેની સામે 61 ટકા વધુ મત મેળવીને તેઓ વિજેતા બન્યા છે. તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા.
કેયૂર કામદારના ભાઈ હેમલ કામદારે જણાવ્યું હતું કે, પર્થ દેશમાં બેલેટ પેપરથી મતદાન થાય છે. બેલેટ પેપર મતદારોને ઘરે પહોંચી જાય છે અને તે પોસ્ટ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. આ સમયમાં જો કોઇ પોતાના બેલેટ પેપર નથી પહોંચાડી શકતા તેઓ રૂબરૂ જઈને મતદાન કરી શકે છે. કેયૂર કામદાર પહેલી વખત ચૂંટણી લડ્યા હતા. તેના હરીફ ઉમેદવાર ડેપ્યુટી મેયરના હોદ્દા પર હતા. કેયૂર કામદારને 1339 મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવારને 875 મત મળ્યા છે.
અહીં કોઇ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ વગર ચૂંટણી લડી શકે છે. જ્યાં ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરે છે. કેયૂર કામદારે જણાવ્યું હતું કે, યુવા, સિનિયર સિટિઝન તેમજ ડેવલપમેન્ટને જે સમસ્યા હતી તેના નિરાકરણ માટે તેઓએ આ ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું.
કેયુર કામદાર આર્માડેલ શહેરમાં રેનફોર્ડ વોર્ડમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમણે વિકાસની સમસ્યાને ઉકેલવાના પ્રયાસ માટે આ ચૂંટણી લડવાનું પસંદ કર્યું. આ વિસ્તારમાં પુસ્તકાલય લાવવું એ તેમની પ્રાથમિકતા છે.
2,527,013 ચોરસ કિલોમીટર (975,685 ચોરસ માઇલ)ના કુલ જમીન વિસ્તાર સાથે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા એ ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું રાજ્ય છે. તે માત્ર રશિયાના સખા રિપબ્લિક પાછળ, વિશ્વમાં દેશનો બીજો સૌથી મોટો પેટાવિભાગ છે. 2017ના અંદાજ મુજબ રાજ્યમાં લગભગ 26 લાખ રહેવાસીઓ છે. તેમાંથી, મોટા ભાગના લોકો (92 ટકા) દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રહે છે જ્યારે રાજ્યની 79 ટકા વસ્તી પર્થ પ્રદેશમાં રહે છે. બાકીના રાજ્યની વસ્તી ઘણી ઓછી છે.
યોર્ક સિટી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પ્રથમ આંતરદેશીય વસાહત હતું. તે 16 સપ્ટેમ્બર 1831ના રોજ પર્થથી 97 કિલોમીટર (60 માઇલ) પૂર્વમાં સ્થાયી થયું હતું. વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાએ 1890માં તેની સરકાર મેળવી અને 1901માં ઑસ્ટ્રેલિયામાં અન્ય બ્રિટિશ વસાહતો સાથે ફેડરેશન કરવામાં આવ્યું.
0 Response to "રાજકોટનો યુવાન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા કોર્પોરેટર બન્યો; અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા છતાં જીતી ગયા"
ટિપ્પણી પોસ્ટ કરો