વર્ષો પછી અતિશુભ મુહૂર્ત સર્જાયું હોવાથી સોનું, કાર, બાઈક, મિલકતોની થઈ શકે છે મોટા પાયે ખરીદી

દિવાળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે દિવાળી પર તહેવારની રોનક પણ જોવા મળી રહી છે. છેલ્લા 2 વર્ષથી દિવાળી પર્વ પણ કોરોનાના કારણે ઉત્સાહ વિનાનો રહ્યો હતો પરંતુ આ વર્ષે દિવાળીના તહેવાર પર અનોખી રંગત બજારમાં પણ જોવા મળી રહી છે. ખાસ વાત એ પણ છે કે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા લોકોમાં દિવાળી મનાવવાનો ઉત્સાહ છે અને સાથે જ આ વર્ષે 677 વર્ષ પછી અનોખો યોગ પણ સર્જાવા જઈ રહ્યો છે. જી હાં આ વર્ષે 28 ઓક્ટોબરે ગુરુપુષ્ય નક્ષત્ર સમયે એવા સંયોગ સર્જાશે જે વર્ષો પછી આવે છે.

ગુરુપુષ્ય નક્ષત્રને ખરીદી માટે અતિશુભ માનવામાં આવે છે તેવામાં દિવાળી પહેલા 28 ઓક્ટોબરે ખરીદી માટે સર્જાયેલા આ નક્ષત્ર સમયે બજારમાં ધુમ ખરીદી થશે તેવી વેપારીઓને આશા છે. કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી તો દિવાળી પર પણ બજારમાં ખરીદી નીકળી ન હતી પરંતુ આ વર્ષે ખરીદીની બજાર જોવા મળે છે. એક સર્વે અનુસાર આ વર્ષે દિવાળી પર દરેક ભારતીય સરેરાશ 21 હજાર રૂપિયા ખર્ચ કરવા તૈયારી કરી રહ્યો છે. તેમાં પણ 28 ઓક્ટોબરના અતિશુભ મુહૂર્ત પર મોટા પ્રમાણમાં ખરીદી થશે તેવું અનુમાન છે.

ગુરુપુષ્ય નક્ષત્ર એવું મુહૂર્ત કહેવાય છે કે જેમાં કરેલા બધા જ કાર્યો સિદ્ધ થાય છે. તેથી આ દિવસે લોકો સોનાની, મિલકત, વાહનની ખરીદી કરતા હોય છે અને રોકાણ પણ કરતા હોય છે જેથી તેમાં બરકત રહે. તેમાં પણ આ વર્ષે ગુરુવારે જ ગુરુપુષ્ય નક્ષત્ર સર્જાય રહ્યું છે જેને સુવર્ણસિદ્ધ યોગ કહેવાય છે. આ વર્ષે જે ગ્રહોની સ્થિતિમાં આ યોગ સર્જાયો છે તે 677 વર્ષ પછી આવ્યો છે. આ યોગમાં કોઈ વસ્તુ ખરીદવી અને રોકાણ કરવું શુભ ફળદાયી રહે છે.

ગુરુ પુષ્ય નક્ષત્રમાં કઈ કઈ વસ્તુ ખરીદવી શુભ છે ?

  • – સોનાની ખરીદીને સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
  • – વાહનની ખરીદી પણ શુભ ફળદાયી માનવામાં આવે છે.
  • – કપડા, વાસણ, મિલકતમાં રોકાણ પણ લાભકારી નીવડે છે

આ વર્ષ પહેલા વર્ષ 2004, 2007, 2011 અને 2014માં દિવાળી પહેલા ગુરુપુષ્ય નક્ષત્ર યોગ સર્જાયો હતો. તે સમયે ખરીદીમાં 35 ટકાનો વધારો નોંધાયો હતો. આ વર્ષે મહામારીના કપરા સમય બાદ જનજીવન સામાન્ય થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે પણ વેપારીઓને આશા છે કે ગુરુપુષ્ય નક્ષત્રમાં લોકો શુકનની ખરીદી કરવા નીકળશે અને વસ્તુઓના વેચાણમાં વધારો થશે.

સોના-ચાંદીના વેપારીઓનું પણ માનવું છે કે આ વર્ષે લોકો સોનાની ખરીદી કરી શકે છે. લોકોનું સોનાની ખરીદી તરફ પોઝિટિવ વલણ છે. આ વર્ષે ખરીદીમાં 25 ટકાનો ઉછાળો આવે તેવી શક્યતા છે. જો કે આ વખતે રોકાણ માટે પણ ડિજિટલ ગોલ્ડ, સોવરીન ગોલ્ડ બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ સહિતના વિકલ્પો ઉપલબ્ધ છે.

સોના ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ આ મુહૂર્તમાં 15 ટકા સુધી વેચાણ વધી શકે છે. એક સર્વે એવો પણ સામે આવ્યો છે જેમાં જણાવાયું છે કે આ વર્ષે ફેસ્ટિવ સીઝન દરમિયાન અંદાજે 69 હજાર કરોડ રૂપિયાનું ઓનલાઈન વેચાણ થઈ શકે છે. ઈ-કોમર્સ કંપનીઓ પણ લોકો માટે અઢળક ઓફર લાવી રહી છે જેને લઈને લોકો ઓનલાઈન ખરીદી તરફ વળી રહ્યા છે. કુલ મળી અને આ વર્ષે દિવાળી વેપારીઓ માટે સારી સાબિત થશે.

0 Response to "વર્ષો પછી અતિશુભ મુહૂર્ત સર્જાયું હોવાથી સોનું, કાર, બાઈક, મિલકતોની થઈ શકે છે મોટા પાયે ખરીદી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel