આ વખતે સુરત દિવાળી પર 70 કરોડની રોશનીથી ઝળહળી ઉઠશે, શહેરની સુંદરતા ઉડીને આંખે વળગશે
કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી તો દિવાળીની ઉજવણી પર પણ નજર લાગી ગઈ હતી. લોકોએ કોરોનાના ડરના કારણે દિવાળી પણ ઘરમાં રહીને જ ઉજવી હતી પરંતુ આ વર્ષે દિવાળી પર કોરોના કાબૂમાં આવ્યો હોવાથી લોકો પણ થનગની રહ્યા છે દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવા માટે.
આ વર્ષે કોરોનાની બીજી લહેર બાદ સ્થિતિ કાબૂમાં આવતાં સરકારે પણ ગણેશ ચતુર્થી લઈ દિવાળી સુધીના તહેવારોની ઉજવણી માટે નિયમોને હળવા કર્યા છે અને રાહત આપે તેવી છૂટછાટો આપી છે. જો કે આ છૂટછાટો વચ્ચે પણ કોરોનાના નિયમોને ભુલવાના નથી કારણ કે કોરોના કાબૂમાં આવ્યો છે તે હજુ નાબૂદ થયો નથી. જો કે લોકો પણ ધ્યાન રાખીને દિવાળી પર્વ ઉજવવા તૈયારી કરવા લાગ્યા છે.
દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ઘરમાં સાફ-સફાઈ પુર્ણ થઈ ચુકી હશે અને શરુ થઈ ચુક્યું હશે ઘરને સજાવવાનું કામ. રોશનીથી ઘરને ઝળહળતું કરવા માટે જેમ ઘરમાં તૈયારીઓ થતી હોય છે તેમ શહેરને શણગારવામાં આવે છે. દર વર્ષે શહેરમાં વિવિધ માર્કેટ, શોપિંગ કોમ્પેક્ષ, ઓફિસનો શણગારવામાં આવે છે. જેથી તહેવાર જેવો માહોલ જોવા મળે. ઝળહળતા માહોલ વચ્ચે તહેવારની ઉજવણીનો અલગ જ રંગ જામે છે. આ રંગત માટે સુરતવાસીઓ એક ડગલું આગળ નીકળ્યા છે.
આ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં જે રોશની ઝગમગશે તેના માટે 70 કરોડનું ભાડુ ચુકવવામાં આવનાર છે. જી હાં જાણીને આશ્ચર્ય થશે પરંતુ સુરત શહેર આ વર્ષે રોશનીથી એટલું ઝળહળી ઉઠવાનું છે કે રાત્રે જાણે દિવસ ઉગ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. કારણ કે તૈયારીઓ અહીં આવી જ કરવામાં આવી રહી છે.
જાણવા મળતી માહિતી અનુસાર દિવાળી પર સુરતની ટેક્સટાઈલ માર્કેટ, ઓફિસો, સરકારી ઓફિસોને લાઈટથી શણગારવા માટે અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ રોશની શહેરમાં દિવાળી પર્વ પર 10 દિવસ માટે કરવામાં આવશે અને આ 10 દિવસ માટે 70 કરોડનું ભાડું ચુકવવામાં આવશે.
લાઈટિંગ બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે લાઈટિંગ બિઝનેસમાં ગત વર્ષની સરખામણીએ 80 ટકા ગ્રોથ છે. આ વર્ષે કોરોના બાદ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જેના કારણે બજારમાં ખરીદી પણ શરુ થઈ છે. જેમાં એલઈડી લાઈટ, પામ લાઈટ અને સિરિઝની માંગમાં ઉછાળો આવ્યો છે. આ સાથે જ આ વર્ષે થીમ બેઝ લાઈટિંગની સૌથી વધારે માંગ છે.
સુરત મહાપાલિકાની વાત કરીએ તો મહાપાલિકા આ વર્ષે 3 દિવસ માટે શહેરના 22 બ્રિજ અને 4 જંકશન પર રોશની કરશે. આ રોશની માટે 19.75 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે.
0 Response to "આ વખતે સુરત દિવાળી પર 70 કરોડની રોશનીથી ઝળહળી ઉઠશે, શહેરની સુંદરતા ઉડીને આંખે વળગશે"
ટિપ્પણી પોસ્ટ કરો