કાલે ગુરુપુષ્ય નક્ષત્ર છે, આ દિવસમાં રાશિ મુજબ આ રીતે ખરીદી કરો
ગુરુવાર 28 ઓક્ટોબરે આખો દિવસ અને રાત પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસે ગુરુવાર હોવાથી ગુરુ પુષ્ય યોગ બને છે. આખા દિવસ દરમિયાન અમૃતસિદ્ધિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે માટે ખરીદી અને રોકાણ માટે આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે. ગુરુપુષ્યના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્ત્વ છે. આ વર્ષે ગુરુ અને શનિ, શનિના સ્વામિત્વવાળી મકર રાશિમાં એકસાથે છે. બંને ગ્રહ માર્ગી રહેશે અને તેમના પર ચંદ્રની દ્રષ્ટિ પડે છે. જેને કારણે ગજકેસરી યોગ બને છે. ચંદ્ર ધનનો કારક ગ્રહ છે. આ યોગ દરેક પ્રકારે મંગળકારી ગણાય છે. 677 વર્ષ પહેલાં 5 નવેમ્બર 1344ના રોજ ગુરુ-શનિની યુતિ મકર રાશિમાં હતી અને ગુરુ પુષ્ય યોગ બન્યો હતો.
પુષ્ય નક્ષત્રના દિવસે દાન, પુણ્ય પણ ચોક્કસ કરો
પુષ્ય નક્ષત્રના દિવસે દાન-પુણ્ય પણ કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલુ ઘાસ અને ગાયોની સંભાળ માટે ધનનું દાન કરો. આ દિવસે કોઈ મંદિરમાં પૂજા-સામગ્રી ભેટમાં આપો. મહાદેવજીને બેસનના લાડુનો ભોગ ધરાવો. શિવલિંગ પર ચણાની દાળ અને પીળા ફૂલ ચઢાવો.
ગુરુપુષ્ય નક્ષત્રમાં ખરીદી, રોકાણ ફળદાયી બને છે
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, દિવાળી પહેલાં કારતક મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતાં પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુ ખરીદવી બહુ શુભ ગણાય છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ દેવ છે. શનિવારે અથવા શનિના નક્ષત્રમાં જે પણ કાર્ય કરો તે લાંબા સમય સુધી ચાલે છે. આ યોગમાં કરેલું રોકાણ પણ લાંબા સમય સુધી લાભ આપી શકે છે. તેથી આ દિવસોમાં તમારી રાશિ મુજબ રોકાણ કરો, તમને ખુબ જ ફાયદો થશે.
મેષ:
આ રાશિનો સ્વામી મંગળ છે. મંગળ પૃથ્વીનો પુત્ર છે. જમીન, મકાન, ખેતી તેમજ તેને સંલગ્ન વસ્તુઓ ખરીદવી અથવા તેમાં રોકાણ કરવું શુભ છે.
વૃષભ:
વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકોને અનાજ, કપડા, ચાંદી, સૌંદર્ય સામગ્રી, ઓટોપાર્ટ્સ, ઓટો એસેસરીઝમાં રોકાણ કે ખરીદીથી લાભ થશે.
મિથુન:
મિથુન રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના લોકો માટે સોનામાં રોકાણ લાભદાયી છે. આ ઉપરાંત કાગળ, લાકડું, પિત્તળ, ઘઉં, કઠોળ, કપડા, સ્ટીલ, તેલ, સિમેન્ટ, ખનીજ ખરીદવું કે તેમાં રોકાણ લાભદાયી બની શકે છે.
કર્ક
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશિના લોકોએ ચાંદી, ચોખા, ખાંડ, કપડાનું ઉત્પાદન કરતી કંપનીના શેર, પ્લાસ્ટિક, અનાજ, લાકડું, કેબલ, ખાદ્ય સામગ્રી, આધુનિક ઉપકરણ, રમકડાં ખરીદવા જોઈએ, આ સિવાય ફાઈનાન્સ કંપનીમાં રોકાણ લાભદાયી બને છે.
સિંહ:
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના લોકોએ સોનું, ઘઉં, કપડા, દવાઓ, રત્નો, સૌંદર્ય સામગ્રી જેવી ખરીદી કરવી જોઈએ. તેમજ જમીન-મિલકતમાં રોકાણ કરવું જોઈએ.
કન્યા:
કન્યા રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના લોકો માટે કોચિંગ સેન્ટર, સોનું, દવાઓ, કેમિકલ, ખાતર, ચામડાની વસ્તુઓ, ખેતીના ઉપકરણોમાં રોકાણ ફળદાયી બની શકે છે.
તુલા:
આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિવાળા લોકોએ લોખંડ, સિમેન્ટ, સ્ટીલ, દવાઓ, કેમિકલ, કાપડ, કોલસો, રત્નો, પ્લાસ્ટિક, કમ્પ્યૂટર, ટીવી જેવી વસ્તુઓ ખરીદવી જોઈએ અથવા તેમાં રોકાણ કરવું જોઈએ.
વૃશ્ચિક:
આ રાશિનો સ્વામી મંગળ છે. મેષ રાશિની જેમ જ આ રાશિવાળાને પણ જમીન, મકાન, દુકાન, ખેતી, સિમેન્ટ, રત્નો, ખનીજ અને મેડિકલ ઉત્પાદનોમાં રોકાણ કે ખરીદીથી લાભ મળી શકે છે.
ધન:
આ રાશિનો સ્વામી ગુરુ છે. આ રાશિના લોકોએ સોનું, અનાજ, જ્વેલરી, કપાસ, ચાંદી, ચોખામાં રોકાણ કરવું જોઈએ કે તેની ખરીદી કરવી જોઈએ.
મકર:
આ રાશિનો સ્વામી શનિ છે. આ રાશિના લોકોએ લોખંડ, સ્ટીલ, કેબલ, તેલ, ઈલેક્ટ્રોનિક્સ, વાહનમાં રોકાણ કરવું જોઈએ કે તેની ખરીદી કરવી જોઈએ.
કુંભ:
આ રાશિનો સ્વામી શનિ છે. આ રાશિના લોકોએ પોલાદ, કેબલ, ઓઈલ, તમામ પ્રકારની ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવું જોઈએ.
મીન:
આ રાશિનો સ્વામી ગુરુ છે. આ રાશિના લોકો માટે દાગીના, રત્ન, સોનું, અનાજ, કપાસ, ચાંદી, સૌંદર્ય સામગ્રીમાં મૂડીરોકાણ લાભદાયી બની શકે છે.
0 Response to "કાલે ગુરુપુષ્ય નક્ષત્ર છે, આ દિવસમાં રાશિ મુજબ આ રીતે ખરીદી કરો"
ટિપ્પણી પોસ્ટ કરો