કચ્છનું નલિયા 8.8 ડીગ્રી તાપમાન સાથે સૌથી ઠુંડુ, રાજ્યના કેટલાક શહેરોમાં હજુ પણ થઈ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ
ગત સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. જે સમયે સામાન્ય રીતે લોકો ઠંડીમાં ઠુઠવાતા હોય છે તે સમયે અચાનક વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને લોકોએ ગરમીનો અનુભવ પણ કર્યો. પરંતુ હવે ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહયો છે. પરંતુ અમદાવાદ સહિતના કેટલાક શહેરોમાં હજુ પણ રાત્રે અને વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે.
તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં કડકડતી ટાઢનો અનુભવ થશે. વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે કચ્છમાં કોલ્ડ વેવ સર્જાશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. કચ્છના નલિયામાં તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું અને આ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. નલિયા સિવાય કચ્છના ભુજમાં 14 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
જો કે નલિયા સિવાય કચ્છના મોટાભાગના શહેરોમાં ઠંડીની અસર જોવા મળી ન હતી. કંડલામાં ગુરુવારે લઘુતમ તાપમાન ગઈકાલે 10.8 ડિગ્રી હતું. જ્યારે શુક્રવારનું લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું હતું. અહીં ભુજમાં પણ શુક્રવારે 14.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
કચ્છ સિવાય જો સૌરાષ્ટ્રના શહેરોની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, દ્વારકામાં ગુરુવારની સરખામણીએ શુક્રવારે લઘુતમ તાપમાન એકાદ ડિગ્રી વધ્યું હતું. રાજકોટમાં શુક્રવારે લઘુતમ તાપમાન 16.3 ડિગ્રી રહ્યું હતું. જ્યારે અમરેલીમાં શુક્રવારે 17.4 ડિગ્રી અને દ્વારકામાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં ગુરુવારે લઘુતમ તાપમાન 17.8 ડીગ્રી નોંધાયું હતું. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો અહીં પણ ઠંડીમાં ધીમો વધારો જોવા મળે છે. અહીં મોડાસા સહિતના શહેરોમાં તાપમાનનો પારો ચાલુ સપ્તાહે 5 ડીગ્રીથી વધુ ઘટ્યો છે. કેટલાક શહેરોમાં તાપમાન 15 ડીગ્રીથી નીચે નોંધાયું હતું ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરમાં ગરમીનો પારો 28.8 થી 30 ડીગ્રી વચ્ચે નોંધાયો હતો. જો કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ તો હવે 2 દિવસ અહીં લઘુતમ તાપમાનમાં 3 ડીગ્રી સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા છે.
રાજ્યમાં ડિસેમ્બર માસના 10 દિવસો પસાર થઈ ગયા હોવા છતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો નથી. પરંતુ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં રાજ્યમાં કોલ્ડવેવ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં લઘુતમ તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો થશે. એટલે કે હવે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર વધશે.
0 Response to "કચ્છનું નલિયા 8.8 ડીગ્રી તાપમાન સાથે સૌથી ઠુંડુ, રાજ્યના કેટલાક શહેરોમાં હજુ પણ થઈ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ"
ટિપ્પણી પોસ્ટ કરો