મેથી પુરી – નાના મોટા દરેકને પસંદ આવે એવી મેથી પુરી બનાવવાની સરળ અને વિગતવાર રેસિપી…
મેથી પુરી :
અનેક આરોગ્યવર્ધક ગુણોથી ભરપૂર એવી મીથીની ભાજીને આહારમાં અનેક રીતે લઇ શકાય છે. તેમાંથી જુદી જુદી અનેક ફરસાણની વાનગીઓ બને છે. બધાને માટે હોટ ફેવરીટ એવા મેથીના ભજીયા કે ગોટા, પુડલા, મુઠીયા ઢોક્ળા કે ચણા-ચોખાના લોટના ઢોકળા, શાકમાં ઉમેરવા માટેની ઢોકળી, થેપલા, પરોઠા, બાજરીના રોટલા …આ બધામાં મેથીની ભાજી ઉમેરીને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવવામાં આવે છે. શાક તરીકે લઇ શકાય તેવી મેથીના પાનમાંથી ભાજી બનાવવામાં આવે છે. તેમજ અનેક શાક બનાવવામાં તેના કોમ્બિનેશન માટે પણ ઉમેરવામાં આવતી હોય છે. પંજાબી શાકોમાં ભાજી(કસૂરી મેથી)નો ખાસ ઉપયોગ થતો હોય છે.
મેથીની ભાજી ફ્રેશ તેમજ સુકવણી કરીને પણ વપરાશમાં લેવાતી હોય છે.
આજે હું અહીં ફ્રેશ મેથીના પાનનો ઉપયોગ કરીને મેથી પુરી બનાવવાની રેસિપિ આપી રહી છું. મેથીપુરી નાસ્તામાં સ્નેક તરીકે લઇ શકાય છે, ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બને છે.
તો જરુરથી મારી આ રેસિપિ ફોલો કરીને મેથી પુરી બનાવજો.
મેથી પુરી બનાવવા માટેની સામાગ્રી :
- 1 કપ મેથીના પાન
- 2 કપ ઘઉંનો જીણો લોટ – રોટલી માટેનો લોટ
- ¾ કપ ચણા જીણો લોટ
- 1 ½ ટેબલ સ્પુન ઓઇલ – મોણ માટે
- ½ ટી સ્પુન ઓઇલ કણેક પર લગાવવા માટે
- ¼ ટી સ્પુન હળદર પાવડર
- 1 ટી સ્પુન લાલ મરચું પાવડર
- 1 ટી સ્પુન ધાણાજીરુ પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- પિંચ હિંગ
- 1 ટી સ્પુન અજમા
- ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ
મેથી પુરી બનાવવાની રીત:
સૌ પ્રથમ મેથીના પાન 2-3 વાર પાણીથી ધોઇને નિતારી લેવા. ત્યારબાદ એકદમ બારીક સમારી લ્યો.
હવે મિક્ષિંગ બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ અને ¾ કપ બેસન ચાળી લ્યો.
હવે તેમાં 1 કપ ધોઇને નિતારેલી, બારીક સમારેલી મેથી ઉમેરી મિક્ષ કરી લ્યો.
ત્યારબાદ તેમાં 1 ½ ટેબલ સ્પુન ઓઇલ, ¼ ટી સ્પુન હળદર પાવડર, 1 ટી સ્પુન લાલ મરચું પાવડર, 1 ટી સ્પુન ધાણાજીરુ પાવડર, સ્વાદ મુજબ મીઠું, પિંચ હિંગ અને 1 ટી સ્પુન અજમા ઉમેરીને મિક્ષ કરી લ્યો.
ત્યારબાદ તેમાંથોડું થોડું પાણી ઉમેરીને પુરી વણી શકાય તેવો- ભાખરીની કણેકથી થોડો ઢીલો અને રોટલી કરતા થોડો ટાઇટ લોટ બાંધો. સરસથી મસળી લ્યો. ઉપર થોડું ઓઇલ લગાવી 10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.
10 -15 મિનિટ પછી ફરી મસળીને કણેકમાંથી પૂરી બનાવવા માટે નાના લુવા બનાવી લ્યો.
જરુર પડે તો વણવા માટે સૂકો લોટ લ્યો. થોડી થીક પુરી બનાવી લ્યો. પુરી થોડી થીક બનાવવાથી પુરી ફુલશે.
હવે ફ્રાય પેનમાં પુરી ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો. બરાબર ગરમ થઇ જાય એટલે મિડિયમ ફ્લૈમ રાખી પુરી પર ગોલ્ડન બ્રાઉન સ્પોટ થાય ત્યાં સુધી બન્ને બાજુ ફેરવીને ડીપ ફ્રાય કરી લ્યો.
આ પ્રમાણે બધી પુરીઓ ડીપ ફ્રાય કરી તેલ નિતારતા જઇ એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.
હવે ગરમા ગરમ પુરી સર્વ કરવા માટે તૈયાર છે.
ચા, અથાણું કે કરી સાથે ગરમા ગરમ મેથી પુરી ઓ સર્વ કરો. બધાને મેથી પુરીનો ટેસ્ટ ખૂબજ પસંદ પડશે. તો ચોક્કસથી સવારના નાસ્તા માટે કે ટિફિન બોક્ષ માટે જરુરથી બનાવજો.
રસોઈની રાણી : શોભના વણપરિયા
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "મેથી પુરી – નાના મોટા દરેકને પસંદ આવે એવી મેથી પુરી બનાવવાની સરળ અને વિગતવાર રેસિપી…"
ટિપ્પણી પોસ્ટ કરો