ફરાળી આલુ પુરી – ઉપવાસ કરો કે ના કરો પણ એકવાર આ વાનગી બનાવીને જરૂર ખાજો…
ફરાળી આલુ પુરી :
વ્રતના ઉપવાસ કરવામાં ફરાળ માટે રોટલી, પરોઠા કે પુરીઓ બનાવવા માટે માર્કેટમાં રેડી મેઇડ ફરાળી લોટ મળતો હોય છે. તેમાં તેને અનુરુપ મસાલાઓ ઉમેરીને ટેસ્ટી બનાવવામાં આવતા હોય છે. હાલ ઢોસા, ઉત્તપમ, હાંડવો, પિઝા, ઢોકળા જેવી અનેક ફરાળી વાનગીઓ રેસ્ટોરંટમાં મળતી થઇ ગઇ છે. ફરાળની પ્યોરિટિ માટે ગૃહિણીઓ ઘરે પણ આ બધાજ પ્રકારની વાનગીઓ બનાવતા હોય છે. સાથે તેની ચટણીઓ તો ખરી જ…
આજે હું અહીં નાના મોટા બધાને માફક આવે તેવી ફરાળી આલુ પુરીની રેસિપિ આપી રહી છું. જે બધાને ચોક્કસથી ફરાળ કરવામાં ભાવશે. મેં અહિં ફરાળી આલુ પુરી રાજગરાનો લોટ અને તપકીરના લોટના કોમ્બિનેશનથી બનાવી છે.
ફરાળી આલુ પુરી બનાવવા માટેની સામગ્રી :
- 1 ½ કપ રાજગરાનો લોટ
- 3 ટેબલ સ્પુન તપકીર કે આરાલોટ
- 1 મોટું બટેટુ – 150 ગ્રામ
- 1 ટી સ્પુન લીલુ મરચું બારીક સમારેલું
- 2 ટેબલ સ્પુન શેકેલા શિંગદાણા ના ફોતરા કાઢીને અધકચરો કરેલો પાવડર
- ½ ટી સ્પુન મરી પાવડર
- ½ ટી સ્પુન આખુ જીરું
- 1 ટી સ્પુન સુગર પાવડર
- સ્વાદ મુજબ મીઠું
- 3-4 ટેબલ સ્પુન અટામણ માટે તપકીર કે આરાલોટ કે રાજગરાનો લોટ
- ઓઇલ ડીપ ફ્રાય કરવા માટે
ફરાળી આલુ પુરી બનાવવા માટેની રીત :
સૌ પ્રથમ બટેટાને બાફવા માટે પ્રેશર કૂકરમાં થોડું પાણી મૂકી, તેમાં રિંગ મૂકો.
તેના પર હોલવાળી પ્લેટ મૂકી, તેમાં બટેટુ મૂકો. જેથી બટેટામાં પાણી વધારે ચડીના જાય.
3 વ્હિસલ કરી બટેટું બાફી લ્યો.
હવે એક મિક્ષિંગ બાઉલમાં બાફેલું બટેટુ મૂકી મેશરથી એક્દમ મેશ કરી લ્યો.
હવે તેમાં 1 ½ કપ રાજગરાનો લોટ અને 3 ટેબલ સ્પુન તપકીર કે આરાલોટ ઉમેરો.
હવે તેમાં ½ ટી સ્પુન મરી પાવડર, ½ ટી સ્પુન આખુ જીરુ, 1 ટેબલ સ્પુન કોથમરી અને 2 ટેબલ સ્પુન શેકેલા શિંગદાણાના ફોતરા કાઢીને અધકચરો કરેલો પાવડર ઉમેરો.
સાથે તેમાં 1 ટી સ્પુનસુગર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરી લ્યો.
ત્યારબાદ તેમાં પાણી ઉમેર્યા વગર જ બધું મિક્ષ કરી,એકદમ મસળીને ટાઇટ કણેક બનાવી લ્યો.
તેના પર જરા ઓઇલ લગાવીને માત્ર 10 જ મિનિટ તેને ઢાંકીને રેસ્ટ આપો.
રેસ્ટ આપવાનો વધારે ટાઇમ થશે તો કણેક ઢીલી થઇ જશે અને પુરી સરસ ક્રંચી નહી થાય.
10 મિનિટ પછી તેમાંથી તમારી મનપસંદ સાઇઝના લુવા બનાવો.
લુવા સાથે ત્રણમાંથી કોઇ પણ એક ફરાળી લોટનું અટામણ લઇ થોડી જાડી પુરી વણી લ્યો.
એ પ્રમાણે કણેક માંથી બધા લુવા બનાવી તેની પુરી બનાવી લ્યો.
ડીપ ફ્રાય કરવા માટે લોયામાં ગરમ ઓઇલ મૂકી પુરી ફ્રાય થાય તેવું ગરમ કરો.
ત્યારબાદ મિડિયમ ફ્લૈમ પર પુરી ડીપ ફ્રાય કરી લ્યો.
પુરી બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પલ્ટાવીને ડીપ ફ્રાય કરો. પ્લેટમાં ટ્રાંસફર કરો.
ફરાલી આલુ પુરી હવે વ્રતના ઉપવાસમાં ફરાળ કરવા માટે તૈયાર છે.
હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. સાથે સૂકીભાજી, લીલી ચટણી, કેરીનો રસ કે ફરાળી મસાલા કર્ડ સાથે સર્વ કરો.
નાના – મોટા બધાને આ ફારાળ ખૂબજ ભાવશે.
રસોઈની રાણી : શોભના વણપરિયા
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "ફરાળી આલુ પુરી – ઉપવાસ કરો કે ના કરો પણ એકવાર આ વાનગી બનાવીને જરૂર ખાજો…"
ટિપ્પણી પોસ્ટ કરો