નવરાત્રિમાં માતાની આરાધના માટે ગુજરાતના આ મંદિરો રહેશે ખુલ્લા, જાણો કયા મંદિર રહેશે બંધ
રાજ્યમાં કોરોનાના સંક્રમણને પગલે રાજ્ય સરકારે નવરાત્રિની ગરબા યોજવા સહિતની ઉજવણી પર રોક લગાવી છે. રાજ્યમાં રોજ 1000થી વધુ નવા કેસ આવી રહ્યા છે ત્યારે રાજ્યના મોટા મંદિરને કેટલીક જગ્યાએ બંધ કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પાવાગઢના પ્રસિધ્ધ મહાકાળી માતા મંદિર અને કચ્છના માતાના મઢ સ્થિત આશાપુરા માતા મંદિર મંદિરને 12 દિવસથી લઈને 19 દિવસ જેટલા સમયગાળા માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ મંદિરોમાં લોકોની ભીડ અને કોરોના સંકટને ધ્યાનમાં રાખીને બંધ કરાયા છે. જો કે, અંબાજીના અંબા માતા મંદિર, બહુચરાજી શંખલપુરનું બહુચર માતા મંદિર, કાલાવડનું ખોડલધામ, ભાવનગરના રાજપરાનું ખોડીયાર મંદિર સહિતના મંદિરો નવરાત્રિ દરમિયાન ખુલ્લા રહેશે અને ભક્તો અહીં નિયમોના પાલન સાથે દર્શનનો લાભ લઈ શકશે.
પાવાગઢમાં મહાકાળી માતાનું મંદિર 17 દિવસ માટે બંધ રહેશે
કોરોનાને રોકવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રશાસને 17 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8થી 10 લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધારે હોવાથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનું ટૂંક સમયમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવશે. જો કે નવરાત્રિમાં લાખોની સંખ્યા ભક્તો માતાના દર્શને આવતા હોવાથી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા માચી અને પાવાગઢ તળેટીમાં મહાકાળી માતાના લાઇવ દર્શન માટે LCD સ્ક્રીન મૂકવામાં આવશે અને ત્યાં ભીડ થાય તો પોલીસ પ્રશાસન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવી રાખવા તૈયાર છે.
કચ્છમાં માતાના મઢને 12 દિવસ માટે બંધ કરાયું
આજથી કચ્છના દેશદેવી ગણાતા માતા આશાપુરાના માતાના મઢ સ્થિત મંદિર 12 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. 13 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અહીં દર વર્ષે નવરાત્રિમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે, ત્યારે કોરોના સંક્રમણના પગલે આ વર્ષે મા આશાપુરા માતાજીના સ્થાનક એવા માતાના મઢ ખાતેના મંદિરને ઈતિહાસમાં પહેલી વખત દર્શનાર્થીઓ માટે આજે મંગળવારે વહેલી સવારથી મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને માટે ઓનલાઈન દર્શનની www. matanamadh.org અને યુટ્યુબ matanamadh ચેનલ પર વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી મંદિરમાં દર્શનનો લાભ લઈ શકશે
અંબાજી મંદિરમાં નવરાત્રિ દરમિયાન દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજ્ય સરકારની સૂચના મુજબ કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને અંબાજી મંદિરમાં નવરાત્રિ દરમિયાન ગરબાનુ આયોજન કરવામા આવ્યું નથી, પરંતુ, નવરાત્રિ દરમિયાન મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સમયે કોરોનાના નિયમો અને દર્શનના ખાસ સમયનું પાલન કરવું ફરજિયાત રહેશે. નવરાત્રિ દરમિયાન 17 ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે 8થી 11:30, બપોરે 12:30થી 4:15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે અને દરેક યાત્રાળુઓએ ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝ અને સ્ક્રિનિંગ થયા પછી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુના સિનિયર સિટીઝનને દર્શનની પરવાનગી ન આપવાની ટ્રસ્ટે અપીલ કરી છે.
બેચરાજી અને શંખલપુર સ્થિત મંદિરોએ નવરાત્રિમાં બહુચર માતાના દર્શન કરી શકાશે
મહેસાણા જિલ્લાના ઊંઝા, બહુચરાજી સ્થિત મંદિરો પણ ખુલ્લા રહેશે.રાજ્યમાં કોરોના સંક્રમણ ફેલાવવાના ડરને પગલે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લા સ્થિત ઊંઝાના ઊમિયા માતા મંદિર અને શંખલપુર તથા બહુચરાજી સ્થિત બહુચર માતા મંદિરને નવરાત્રિના પર્વ પર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે. જો કે અહીં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સેનિટાઈઝિંગ, માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. તેમજ સોશિયલ ડિસન્ટન્સ સાથે દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરી શકશે. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન થતાં હોમહવન પણ રાબેતા મુજબ યોજાશે.
નવરાત્રિમાં ચોટીલા મંદિરે ચામુંડા માતાના દર્શન કરી શકાશે
ચોટીલા ચામુંડા માતા મંદિર ટ્રસ્ટ તરફથી મળતી માહિતિ અનુસાર હાલ માતાજીનું મંદિર દર્શન માટે ખુલ્લું છે. નવરાત્રિ દરમિયાન મંદિર ચાલુ રાખવા કે બંધ રાખવા બાબતે સરકાર તરફથી જે પણ આદેશ આવશે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. બાકી અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશનના નિયમોનું પાલન કરીને માતાજીના દર્શન ચાલુ છે. નવરાત્રિ દરમિયાન પણ સરકાર તરફથી કોઈ આદેશ નહીં આવે તો રાબેતા મુજબ દર્શન ચાલુ રહેશે.
કાગવડ સ્થિત મંદિર નવરાત્રિમાં ભક્તો દર્શન કરી શકશે
ખોડલધામ મંદિર નવરાત્રિમાં ખુલ્લું રહેશે. લેઉવા પટેલ સમાજના એકતા પ્રતિક સમું કાગવડ સ્થિત ખોડલધામ મંદિર નવરાત્રિમાં ખુલ્લું રાખવામાં આવશે. નવરાત્રિમાં ભાવિકો ખોડિયાર માતાજીના દર્શન કરી શકશે. મંદિર દ્વારા કોરોના મહામારી ચાલી રહી હોય સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિકોને મંદિર અંદર પ્રવેશ આપવામાં આવશે. તેમજ ફરજિયાત માસ્ક પહેરનાર ભાવિકને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય સેનિટાઈઝની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
દર વર્ષે રાજપરા ખોડીયાર માતા મંદિરે ભક્તોની ભીડ ઉમટે છે
ભાવનગર નજીક આવેલા પ્રસિધ્ધ રાજપરા ખોડીયાર માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રિના દિવસો દરમિયાન માતાજીના દર્શન પુજા અર્ચના અને આરાઘના માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હોય છે. આ વર્ષે નવરાત્રિ દરમિયાન સવારના 5 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી માત્ર દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. તમામ દર્શાનાર્થીઓને સેનિટાઈઝિંગ કરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો માતાજીના દર્શન કરી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગોંડલનું ભુવનેશ્વરી માતા મંદિર નવરાત્રિમાં ખુલ્લું રહેશે
ગોંડલના ભુવનેશ્વરી મંદિરમાં કોરોનાની મહામારીના કારણે આચાર્ય ઘનશ્યામજી મહારાજ તેમજ ડોક્ટર રવિદર્શનજી દ્વારા નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન તેમજ પ્રાચીન ગરબી સહિતના ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. માત્ર મંદિર પરિવાર અને આચાર્યજીના પરિવાર દ્વારા જ તમામ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે. તેમજ નવરાત્રિ દરમિયાન દેશ-વિદેશમાં વસતા તમામ ભક્તજનોને સોશિયલ મીડિયાના માધ્યમથી આરતીના દર્શન કરાવવામાં આવશે.
0 Response to "નવરાત્રિમાં માતાની આરાધના માટે ગુજરાતના આ મંદિરો રહેશે ખુલ્લા, જાણો કયા મંદિર રહેશે બંધ"
ટિપ્પણી પોસ્ટ કરો