Scam 1992માં હર્ષદ મહેતાનો રોલ કરનાર એક્ટર પ્રતીક ગાંધી આટલી વખત તો રિજેક્ટ થયો, જાણો સંઘર્ષ કહાની
ઘણા લોકોની રિલ લાઈફ અને રિયલ લાઈફમાં ઘણો જ ફરક હોય છે. જ્યારે ઘણા એક્ટરની આ બન્ને લાઈફ સરખી હોય છે. ત્યારે અહીં વાત કરવી છે અભિનેતા પ્રતિક ગાંધીની. Scam 1992માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવીને જોરદાર વાહવાહી મેળવનારા ગુજ્જુ બોય પ્રતીક ગાંધીને પોતાની કરિયરની શરુઆતના દિવસોમાં જોરદાર સંઘર્ષ કરવો પડ્યો હતો. એક ન્યૂઝ પેપરની ખાસ વાતચીતમાં પ્રતીકે જણાવ્યું હતું કે મુંબઈમાં આવ્યો ત્યારે પહેલા-પહેલા તો કેટલાય લોકોએ રિજેક્ટ કર્યો હતો અને તેની સામેના પડકારો ઓછા નહોતા.

પરંતુ પ્રતીકે પણ નક્કી કર્યું હતું કે ગમે તે થાય પરંતુ તે એક્ટિંગ નહીં છોડે અને બધાને જીવીને અને કરીને બતાવશે. ઉલ્લેખની છે કે પ્રતીક મૂળ સુરતનો છે. પોતાની કરિયરમાં આગળ વધવાના સપના સાથે તે એન્જિનિયરિંગની ડિગ્રી અને થિયેટરના થોડા-ઘણા અનુભવ સાથે મુંબઈ આવ્યો હતો. શરુઆતના દિવસોને યાદ કરતા તે જણાવે છે કે તેના જેવા લાખો લોકો મુંબઈમાં અભિનેતા બનવા આવે છે. તે રોજ લોકોને મળતો. તેનો પહેલો પ્રેમ થિયેટર હતો. જેને પણ તે મળતો તેને કહેતો કે, ‘સર કંઈ પણ હોય તો જણાવજો. મેં અહીં થિયેટર કરેલું છે.’
પરંતુ આ રીતે બધે જ ધક્કા ખાધા પછી પછી પ્રતીકને સમજાઈ ગયું કે તેના જેવા તો કેટલાય લોકો તેમને રોજેરોજ મળતા હશે, તો પછી કોઈ મારામાં રસ કેમ બતાવે? જેથી તેણે પોતાને કોઈ કામ કેમ આપે તે અંગેના વધુ કારણો શોધવા અને સામેવાળા વ્યક્તિને જણાવવા પર મહેનત કરી. અનેક લોકોને રોજેરોજ મળતા પ્રતીકની મુલાકાત આખરે એક દિવસ ગુજરાતી થિયેટરમાં ઘણું કામ કરી ચૂકેલા મનોજ શાહ સાથે થઈ. ત્યારથી જ તેને સંઘર્ષની વચ્ચે એક આશાનું કિરણ દેખાયું.

પછી ધીરે ધીરે મનોજ શાહ સાથે તે થિયેટરમાં ઘણું એક્સપિરિમેન્ટલ કામ કરવા લાગ્યો. તેમાં કામ અને ઓડિયન્સ તો ઓછા મળતા, પરંતુ કામ કર્યાનો સંતોષ 110 ટકા મળતો. શરુઆતના દિવસોમાં મુંબઈમાં ટકી રહેવા માટે પ્રતીકની એન્જિનિયરિંગની ડિગ્રીએ પણ તેની ખૂબ મદદ કરી. તેણે 15 વર્ષ સુધી કોર્પોરેટ્સમાં કામ કર્યું, અને તેની સાથે થિયેટર અને ફિલ્મો કરવાનું પણ ચાલુ રાખ્યું. આખરે 2016માં તે પોતાની નોકરીને કાયમ માટે અલવિદા કહી ફુલ ટાઈમ એક્ટર બની ગયો. પછી વાત કરતાં પ્રતીકે મુંબઈમાં કેવા-કેવા પડકારોનો સામનો કર્યો એના વિશે પણ વાત કરી હતી.

પ્રતીકે જણાવ્યું હતું કે મુંબઈમાં ઘર ખરીદી તે પોતાના પરિવારને અહીં બોલાવવા માગતો હતો. તે અને તેનો ભાઈ બંને કામ માટે સંઘર્ષ કરતા હતા. ઘણીવાર તો તેમને દર મહિને ઘર પણ બદલવું પડતું. 2008માં લગ્ન થયા, અને સ્થિતિ વધુ સંઘર્ષભરી બની. આખરે 10-12 વર્ષ સુધી દિવસ-રાત એક કર્યા બાદ પ્રતીકનું મુંબઈમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું થયું. પ્રતીક જણાવે છે કે ફુલ ટાઈમ નોકરી સાથે નાટકો કરવા જરાય સરળ નહોતા. કારણ કે, નોકરીના સ્થળે તો તમે બહાર શું કરો છો, અને તેના માટે કેટલો સંઘર્ષ કરો છો તેની કોઈનેય નથી પડી હોતી.
પરંતુ પ્રતીક કહે છે કે બંને છેડા ભેગા કરવા માટે તેને 200 ટકા એનર્જી રાખીને નાટક અને જોબને પોતાનું 100 ટકા આપવું પડતું. નાટક માટેના રિહર્સલ માટે તે સવારે 5.30 વાગ્યે પહોંચી જતો, અને બે કલાક રિહર્સલ કરી જોબ પર જવા માટે દોઢ કલાક ટ્રાવેલ કરતો. પોતાના અભિનય પ્રત્યેના ઝનૂનને પૂરું કરવા તેણે ફેમિલી ટાઈમનો પણ ભોગ આપ્યો છે.

પ્રતીક કહે છે કે સંઘર્ષના સમયમાં દરેક ઘડીએ પોતાના પરિવારે હંમેશા સાથ આપ્યો છે તેવું ખાસ જણાવતા પ્રતીકે કહ્યું હતું કે, તેના બદલ તે પોતાના પરિવારજનોનો હંમેશા આભારી રહેશે. પિતાની કહેલી એક વાતનો ખાસ ઉલ્લેખ કરતા પ્રતીકે કહ્યું હતું કે, તેઓ હંમેશા કહેતા કે , ‘પૈસો કામમાં આવશે, થોડું રિસ્ક વધારે લેવું પડશે.. નાનું ઘર હશે, નાની કાર હશે, પરંતુ તેનાથી તું તારી જિંદગી મજાથી જીવી શકીશ. પ્રતીકે કહ્યું હતું કે તે પહેલીવાર ઓડિશન આપવા ગયો, ત્યારે તેને એમ જ લાગ્યું હતું કે તે ખોટી જગ્યા પર આવી ગયો છે. મોટાભાગના લોકો 6 ફુટની હાઈટ, મસલ્સ અને ફેર સ્કીન ધરાવતા હતા. પોતાના વિશે મોટી-મોટી વાતો કરતા હતા અને તેમણે ક્યાં-ક્યાં લીડ રોલ કર્યા છે તે જણાવતા હતા.
પ્રતીકે વાત કરી કે, બીજા લોકો એટલા અનુભવી અને કોન્ફિડન્ટ હતા કે તેમને જોઈ પ્રતીકને લાગ્યું હતું કે તેનું આ ફીલ્ડમાં કામ નહીં. પરંતુ પછી તેને સમજાયું કે કેટલાક લોકો તેને બધી જગ્યાએ જોવા મળતા, તેઓ એક જ પ્રકારની વાતો કરતા. ઉલ્લેખનીય છે કે, શરુઆતના સમયમાં ઢગલાબંધ ઓડિશન અને એટલા જ રિજેક્શનનો પણ પ્રતીકને સામનો કરવો પડ્યો હતો. ઘણીવાર તો પ્રતીક કોઈ મૂવી જોવા જતો ત્યારે તેને જોતા જ તેના મોઢામાંથી નીકળી જતું કે, અરે.. આ ફિલ્મ માટે તો મેં ઓડિશન આપ્યું હતું.
પ્રતીકની લવ સ્ટોરી પણ એટલી જ સરસ છે. તેણે ભામિની સાથેની પોતાની લવસ્ટોરી અંગે વાત કરતા પ્રતીકે કહ્યું હતું કે 2006માં તે પૃથ્વી થિયેટરમાં પર્ફોમ કરી રહ્યો હતો ત્યારે તેણે પહેલીવાર ભામિનીને જોઈ હતી. પ્રતીકને સ્ટેજના સેન્ટરમાં એક્રોબેટિક્સ કરવા કહેવાયું હતું અને ત્યારે બીજી લાઈનમાં ભામિની ઉભી હતી, તેને જોતા જ પ્રતીકે તેની સાથે ઓળખાણ કરવાનું નક્કી કર્યું હતું. બંનેનો એક કોમન ફ્રેન્ડ હતો, અને તેના થકી જ પ્રતીકે ભામિનીનો અપ્રોચ કર્યો હતો. પ્રતીક જણાવે છે કે, ભામિની સાથે કૉફી ડેટ પર જતા જ તેને અઢી વર્ષ લાગી ગયા હતા. અઢી વર્ષ બાદ જ્યારે તેઓ પહેલીવાર સાથે કૉફી પીવા ગયા ત્યારે બંનેને અહેસાસ થયો હતો કે તેમને કોફી પસંદ નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રતીકે પોતાની કરિયરમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેવામાં તે આ ફિલ્ડમાં આવવા ઈચ્છતા લોકોને પણ કંઈક ખાસ સંદેશ આપવા માગે છે. પ્રતીકનું કહેવું છે કે જો તમે એક્ટિંગ કરવા માગતા હો, તો તેને જ વગી રહો અને તેમાં સતત સુધારો લાવો, અને તેના માટે થિયેટર સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. થિયેટર ગ્રુપ્સમાં જોડાવો, અને સારા માણસ બનવાની સાથે એક્ટિંગને પણ સારી બનાવો. કારણકે, આખરે તો આપણે માનવીય લાગણી જ તો વેચવાની છે.
અભિનય પ્રત્યે નાનપણથી જ લગાવ રાખનારા પ્રતીકે કહ્યું હતું કે તે સ્કૂલમાં હતો ત્યારથી જ નાટકોમાં ભાગ લેતો હતો. જ્યારે પણ તે સ્ટેજ પર આવતો ત્યારે તેને એવી લાગણી આવતી કે તે સ્ટેજ માટે જ સર્જાયો છે. તેનું તો ત્યાં સુધી કહેવું છે કે તે સ્ટેજ પર જ મોટો થયો છે અને શબ્દો તેમજ ભાષા સાથે રમવું તેને ખૂબ જ પસંદ છે. પ્રતીકે અનેક ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેના વિશે પ્રતીકે કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મોની કેટલીક મર્યાદા છે, જ્યારે બોલીવુડ તેનાથી ઘણું મોટું છે અને તેનું ઓડિયન્સ પણ ખૂબ વિસ્તૃત છે.
પ્રતીક કહે છે કે, પડકારોથી ક્યારેય ડરવું ના જોઈએ. કરિયર હોય કે અંગત જીવન, તેમાં જે પણ પડકાર આવ્યા તેની સામે તે ક્યારેય ડગમગ્યો નથી. પડકારોને કઈ રીતે પહોંચવું તેનો જવાબ આપતા પ્રતીક જણાવે છે કે દુનિયામાં જે કંઈ છે તેને સ્વીકારી લો, અને તેનાથી જ તમને લડવાની તાકાત મળશે. તેનું એમ પણ માનવું છે કે આપણે લાઈફમાં જે પણ કરીએ છીએ તે તેના પ્રત્યેના પ્રેમ કે પછી ડરને કારણે કરતા હોઈએ છીએ. જો ડરથી જ કંઈક કરતા રહેશો તો એક દિવસ ડિપ્રેશનમાં સરી પડશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "Scam 1992માં હર્ષદ મહેતાનો રોલ કરનાર એક્ટર પ્રતીક ગાંધી આટલી વખત તો રિજેક્ટ થયો, જાણો સંઘર્ષ કહાની"
ટિપ્પણી પોસ્ટ કરો