જાણો કોણ છે શ્રીનિવાસ રામાનુજન, જેની યાદમાં મનાવાય છે નેશનલ મેથેમેટિકલ ડે…
ભારત અને ભારતવાસીઓ માટે 22 ડિસેમ્બરનો દિવસ ગૌરવશાળી છે. આ દિવસે દેશમાં નેશનલ મેથેમેટિક્સ ડે એટલે કે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ શ્રીનિવાસ રામાનુજનના જીવન સાથે જોડાયેલી થોડી જાણવા જેવી અને રોચક વિગતો.

1887 માં આ દિવસે જ ભારતના નામી ગણિતજ્ઞ શ્રીનિવાસ અયંગર રામાનુજનનો જન્મ થયો હતો. ભારત સરકારે તેના જીવનની ઉપલબ્ધીઓના સન્માન માટે 22 ડિસેમ્બરે તેમની જયંતિના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ જાહેર કર્યો હતો. તેની જાહેરાત તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે 26 ફેબ્રુઆરી 2012 ના મદ્રાસ વિશ્વવિદ્યાલયમાં શ્રીનિવાસ રામાનુજનના જન્મની 125 મી જન્મજયંતિના ઉદ્ઘાટન સમારોહમાં કરી હતી. ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887 ના રોજ કોયતમ્બુરના ઇરોડ ગામે એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. રામાનુજનના પિતાનું નામ શ્રીનિવાસ અયંગર હતું.

રામાનુજનને આધુનિક કાળના દેશ-દુનિયાના શ્રેષ્ઠ ગણિતજ્ઞ પૈકી એક ગણવામાં આવે છે. તેણે પોતાના જીવનકાળમાં ગણિતના વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રમાં વિસ્તૃત યોગદાન આપ્યું હતું. કહેવાય છે કે તેને બાળપણથી જ ગણિત વિષય પ્રત્યે લગાવ હતો. તેઓનો મોટાભાગનો સમય ગણિત ભણવા અને તેનો અભ્યાસ કરવામાં વીતતો જેના કારણે તેને અન્ય વિષયમાં ઓછા માર્ક આવતા.

માત્ર 12 વર્ષની ઉંમરમાં રામાનુજને ત્રિકોણમિતિમાં પારંગતતા મેળવી લીધી હતી અને પોતે જ કોઈ મદદ લીધા વિના પ્રમેય એટલે કે થ્યોરમ્સને પણ વિકસિત કર્યા હતા. રામાનુજનની પ્રારંભિક શિક્ષા કુંભકોણમની પ્રાથમિક શાળામાં થઇ હતી. 1898 માં તેઓએ ટાઉન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. અહીં જ તેમને ગણિત વિષયનું એક પુસ્તક વાંચવા મળ્યું. આ પુસ્તકથી તેઓ એટલા પ્રભાવિત થયા કૈં ગણિત તેમનો પસંદગીનો વિષય બની ગયો. તેઓએ મદ્રાસ યુનિવર્સીટીમાં પણ અભ્યાસ કર્યો. 1911 માં ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટીના જર્નલમાં તેનું 17 પાનાનું એક પેપર રજુ થયું હતું જે બરનુંલી નંબરો પર આધારિત હતું.
બાદમાં 1912 માં ઘરની આર્થિક સંકળામણને પુરી કરવા માટે તેઓ મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં કલાર્ક તરીકે જોડાયા. જયારે તેના ગણિત કૌશલ્યથી એક અંગ્રેજ પ્રભાવિત થયા અને રામાનુજનને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સીટીના પ્રોફેસર જીએચ હાર્ડી પાસે ગણિત શીખવા માટે મોકલ્યા. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતના અમુક મહિના પહેલા રામાનુજનને ટ્રિનિટી કોલેજમાં પ્રવેશ મળી ગયો હતો. હાર્ડીએ રામાનુજનને પહેલા મદ્રાસ યુનિવર્સીટીમાંથી અને બાદમાં કેમ્બ્રિજ યુનિવર્સીટીમાંથી સ્કોલરશીપ મેળવવામાં મદદ કરી હતી.
1916 માં તેઓએ ગણિતમાં બીએસસીની ડિગ્રી મેળવી. 1917 માં તેમને લંડન મેથેમેટિકલ સોસાયટી માટે પસંદ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ વિશ્વ વિખ્યાત બની ગયા. રામાનુજને કોઈ મદદ વિના હજારો રિઝલ્ટ, ઇક્કેશનના સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણા મૌલિક હતા જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થિટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થિટા ફંક્શન વગેરે. તેઓએ ડાઇવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hypergeometric series અને જેટા ફંન્કશનના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. 1729 નંબર હાર્ડી – રામાનુજન નંબરના રૂપે પણ પ્રચલિત છે.

1918 માં રામાનુજનને એલિપ્ટિક ફંક્શન્સ અને સંખ્યાઓના સિદ્ધાંત પર પોતાની શોધ માટે રોયલ સોસાયટીના ફેલો પસંદ કરવામાં આવ્યા. રોયલ સોસાયટીના આખા ઇતિહાસમાં રામાનુજન જેટલી ઓછી ઉંમરમાં કોઈ સભ્ય હજુ સુધી નથી નોંધાયા. આ વર્ષે ઓક્ટોબરમાં તેઓ ટ્રિનિટી કોલેજના ફેલો બનનાર પ્રથમ ભારતીય બન્યા હતા. ત્યારબાદ રામાનુજન 1919 માં ભારત પરત ફર્યા. 32 વર્ષની ઉંમરે 26 એપ્રિલ 1920 માં તેઓએ કુંભકોણમમાં અંતિમ શ્વાસ લીધા. શ્રીનિવાસ રામાનુજનની જીવનની આત્મકથા ” ધ મેનુ હુ ન્યુ ઇન્ફિનિટી ” 1991 માં પ્રકાશિત થઇ હતી. 2015 માં તેના પર આધારિત ફિલ્મ The Man Who Knew Infinity રિલીઝ થઇ હતી. રામાનુજનના બનાવેલા એવા અનેક થ્યોરમ્સ છે જે આજના સમયમાં પણ કોયડા સમાન છે.
0 Response to "જાણો કોણ છે શ્રીનિવાસ રામાનુજન, જેની યાદમાં મનાવાય છે નેશનલ મેથેમેટિકલ ડે…"
ટિપ્પણી પોસ્ટ કરો