ગુજરાત સહિત દેશભરમાં ધમધોકાર વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી મોટી આગાહી
જન્માષ્ટમીના પર્વ પર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. જો કે હવે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે કે ચાલુ માસ એટલે કે સપ્ટેમ્બરમાં પણ રાજ્ય અને દેશમાં મેઘરાજા જોરદાર રીતે વરસી પડવાના છે.

રાજ્યમાં મેઘમહેર લાંબા સમય બાદ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે સપ્ટેમ્બર માસના આગામી એટલે કે મધ્ય સપ્તાહમાં દેશમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુજય મહાપાત્રે વરસાદ અંગે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદ ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના છે.

મહત્વનું છે કે આ વર્ષે સપ્ટેમ્બર માસ આવી ગયો હોવા છતાં પણ દર વર્ષની સરખામણીએ દેશમાં વરસાદની 9 ટકા ઘટ છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર સપ્ટેમ્બરમાં વરસાદ થશે તો આ ઘટ દૂર થઈ શકે છે.
આગાહી અનુસાર આગામી સપ્તાહમાં દેશમાં ઉત્તર, પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે આ પહેલા હવામાન વિભાગે ઓગસ્ટ મહિનામાં 94 થી 106 ટકા વરસાદ થવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું જે ખોટું સાબિત થયું છે ત્યારે હવે આ આગાહી કેટલી સાચી પડે છે તે જોવાનું રહ્યું.

હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદ પડશે. જે સામાન્ય થી વધારે રહેવાનું અનુમાન છે. જો કે, હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં માત્ર 24 ટકા ઓછો વરસાદ થયો છે. તેવામાં હવે જો સપ્ટેમ્બર માસમાં પણ સારો વરસાદ નહીં થાય ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખેડૂતોને નુક્સાન વેઠવાનો વારો આવી શકે છે.

એક વેધર રિપોર્ટ અનુસાર આગામી સપ્તાહમાં અને ચાલુ માસ દરમિયાન ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક સહિત દિલ્લી અને ઉત્તરાખંડના ઘણા ભાગમાં વરસાદ પડી શકે છે.
0 Response to "ગુજરાત સહિત દેશભરમાં ધમધોકાર વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી મોટી આગાહી"
ટિપ્પણી પોસ્ટ કરો