આવો છે ગરવા ગિરનારનો ઇતિહાસ, જોઇ લો તસવીરોમાં 150 વર્ષ પહેલા કેવું લાગતું હતુ અંબાજી મંદિર

ગત શનિવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એશિયાના સૌથી મોટા ટેમ્પલ રોપવેનું ઇ-લોકાર્પણ કરવામા આવ્યું છે. અને ભક્તો તેમજ પ્રવાસીઓમાં આ વાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જો કે રોપવેની ટીકીટને લઈને કેટલાક લોકોમાં નારાજગી પણ જોવામાં આવી હતી. ગીરનાર ટેમ્પલ રોપવે જમીનથી 3300 ફૂટની ઉંચાઈ પર આવેલા અંબાજી માતાજીના મંદીર સુધી યાત્રાળુઓને લઈ જશે. હવે જ્યારે આ સુદંર ઘટના ઘટી છે ત્યારે અમે તમારી માટે ગિરનારના ઇતિહાસની કેટલીક વાતો લઈને આવ્યા છીએ. જે જાણીને તમેને ખૂબજ રોમાંચ થશે.

image source

ગિરનારની ટોચ પર આવેલા અંબાજી માતાજીના મંદિરની વાત કરીએ તો તે મંદિરને સોલંકી રાજાના જૈન મુખ્યમંત્રી વાસ્તુપાલ દ્વરા 13મી સદીમાં બંધાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે યાત્રાળુઓને ગિરનાર પર્વત ચડતાં 4-5 કલાકનો સમય લાગતો હોય છે. પણ હવે જ્યારે રોપવે બનાવી દેવામાં આવ્યો છે ત્યારે માત્ર 8 જ મિનિટની અંદર યાત્રાળુ ગિરનારના શિખર પર પહોંચી શકશે.

તાજેતરમાં જ અંબાજી મંદિરની દોઢસો વર્ષ જૂની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે. તે જોઈને તમને ખ્યાલ આવી જશે કે તે વખતના મંદીરમાં અને હાલના મંદીરમાં કેટલો તફાવત છે.

સૌરાષ્ટ્રનો ઇતિહાસ મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપત અને ગુપ્ત વંશથી ભરેલો છે

image source

તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રનો ઇતિહાસ વિવિધ શાસકોથી ભરેલો છે. મૌર્ય વંશ, ગુપ્ત વંશ, ક્ષત્રપ અને ગ્રીક વંશનો સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે. ચંદ્રગુપ્ત મોર્યએ મગધના નંદવંશનો નાશ કરીને ગણરાજ્યોને ખતમ કરીને સમગ્ર ભારત પર એક ચક્રી શાસન મેળવ્યું હતું. ઇ.સ.પૂર્વે 322 બાદ ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્ર જીત્યું હતું. તેમણે સૌરાષ્ટ્ર જીત્યા બાદ સૌરાષ્ટ્રના પાટનગર એવા જુનાગઢમાં પુષ્યગુપ્ત નામનો પોતાનો સુબો નીમ્યો હતો. આ પુષ્પગુપ્તે અહીંની સુવર્ણસિકતા નદી પર સુદર્શન નામે સરોવર બનાવડાવ્યુ હતું. અને આ સરોવરનો ઉપયોગ સમ્રાટ અશોકના સુસાચ્ય નામના સુબાએ નહેરો ખોદીને સિંચાઈ કરવા માટે કર્યો હતો.

એક સમયે અતિવૃષ્ટિના કારણે સુદર્શન સરોવર ટુટી ગયું હતું. ત્યારે સ્કંદગુપ્તના પર્ણદત્ત નામના સૂબાએ તેનું સમારકામ કરાવીને ફરી બનાવ્યું હતું. તમે આજે પણ ગિરનારના ઉપરકોટ તેમજ ગિરનાર પર્વત પર મૌર્ય વંશના રાજાઓ દ્વારા કોતરવામા આવેલા શિલા લેખો જોઈ શકો છો અને તેના કારણે ગિરનાર જગપ્રસિદ્ધ છે.

image source

મૌર્યકાળમાં ગિરનારને ગિરનાર તરીકે નહોતો ઓળખવામા આવતો હતો પણ તેને ઉજ્જયંત, રૈવતક, તેમજ રૈવત તરીકે ઓળખવામાં આવતો હતો, તો વળી જુનાગઢ શહેરનું નામ પણ ગિરિનગર તેમજ જીર્ણદુર્ગ હતું.

ઘણા લોકો ગિરનારના દર્શને આવતા હોય છે પણ આટલી બધી સીડીઓ નહીં ચડી શકવાના કારણે કેટલાક લોકો તો ગિરનારની તળેટીથી જ પાછા ફરી જાય છે તો વળી કેટલાક લોકો માત્ર અંબાજી મંદિરવાળી ટૂંક સુધી જ ચડતા હોય છે. ગિરનારની તળેટીને ભવનાથની તળેટી તરીકે પણ ઓળખવામા આવે છે.

image source

જેમ જેમ તમે ગિરનાર પર્વત ચડવા લાગો તેમ રસ્તામાં પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી ભરથરીની ગુફા વિગેરે સ્થળો આવે છે. તમે જ્યારે ભરથરની ગુફા પાસે પહોંચો ત્યારે સમજવુ કે તમે અરધો ગિરનાર ચડી ગયા છો અહીં માળી પરબની એક જગ્યા પણ આવે છે. આ જગ્યા પર 13મી સદીમાં એક કુંડ બનાવવામાં આવ્યો હતો.

જૈનોના દેરાસરો બાદ હિન્દુ મંદિરો આવે છે

માળી પરબની જગ્યા પાસે ખાંગો પાણો આવેલો છે. અહીંથી તમે ઉપરકોટ ટૂંક થઈને નેમીનાથજીના દેરાસર આગળ પહોંચો છો. આ દેરાસરો બાદ હિન્દુ મંદીરો આવવા લાગે છે. પ્રથમ ભીમકુંડ આવે છે ત્યાર બાદ અંબાજી મંદિર જતાં એક રસ્તો સાતપુડાની ગુફાઓ તરફ જાય છે. ત્યાર બાદ જટાશંકરી નામની ધર્મશાળા આવે છે અને ત્યાર બાદ ચોખ્ખા પાણીનો એક કુંડ આવે છે અને ત્યાર બાદ આવે છે ગૌમુખી ગંગા. તેનાથી થોડે દૂર આગળ વધો એટલે પથ્થરચટ્ટી નામની જગ્યા આવે છે જે રામાનુજ સંપ્રદાયની છે. આ જગ્યાની સામે ભૈરવજપનો પથ્થર પણ આવેલો છે. આ પથ્થર બાબતે એવી માહિતી છે કે 1824માં ગિરનારમાં એક યોગી સેવાદાસજી આવીને વસ્યા હતા તેમની આ જગ્યા છે. અહીંથી નીચેની તરફ ઉતરતા શેષાવન, ભરતવન અને હનુમાન ધારાની જગ્યાઓ આવે છે. પહેલાના સમયમા લોકો ગિરનાર અહીંથી ચડતા હતા.

ભીમકુંડથી અંબાજી મંદિર તરફ જવાનો રસ્તો છે. આજુ બાજુના મંદીરોમાં દર્શન કરીને ફરી શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર તરફ જવા આ રસ્તો પકડે છે. અંબાજી માતાનું મંદિર પશ્ચિમમુખિ છે, અને તેની બાંધણી ગુર્જર ઢબની છે. અહીં ભગવાન શિવજી ભવનાથ સ્વરૂપે અને પાર્વતી માતા અંબાભવાનીના સ્વરૂપે બિરાજમાન છે તેવું શ્રદ્ધાળુઓનું માનવું છે.

ગિરનારની ગિરિમાળાના પાંચ ટૂંકો પર આવેલા છે 866 મંદિરો

image source

ગિરનાર એક પર્વત નહીં પણ એક નાનકડી ગિરિમાળા છે. પાંચ પર્વતોનો સમુહ બનીને ગિરનારની ગિરિમાળા બને છે. જુનાગઢ શહેરથી તે માત્ર પાચં કિલોમીટર દૂર જ આવેલો છે. આ પર્વત પર સિદ્ધ ચોરાસીના બેસણા આવેલા છે. પાંચ શિખરોમાં ગોરખ શિખર 3600 ફૂટની ઉંચાઈ પર, અંબાજી શિખર 3300 ફૂટની ઉંચાઈ પર, ગૌમુખી શિખર 3120 ફૂટની ઉંચાઈ પર, જૈન મંદિરનુ શિખર 3300 ફૂટની ઉંચાઈ પર અને માળી પરબનું શિખર 1800 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. ગિરનાર ગુજરાતમાં આવેલો સૌથી ઉંચો પર્વત છે. ગિરનાર પર્વત પર કુલ મળીને 866 જેટલા મંદિરો આવેલા છે. આ પાંચે પથ્થરોને પગથિયાઓથી જોડવામાં આવ્યા છે જેથી કરીને શ્રદ્ધાળુઓ સરળતાથી બધા જ પર્વતો પર આવેલા તીર્થધામોની મુલાકાત લઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "આવો છે ગરવા ગિરનારનો ઇતિહાસ, જોઇ લો તસવીરોમાં 150 વર્ષ પહેલા કેવું લાગતું હતુ અંબાજી મંદિર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel