કાખમાં છોકરું ને ગામમાં ગોતવું’ જેવી ઘટના, મોંઘી ડુંગળીનો ઈલાજ ગુજરાતમાં જ છે, કિલોએ થશે 45 રૂપિયાનો ફાયદો
હાલની પરિસ્થિતિની વાત કરીએ તો દેશના ઘણા શહેરોમાં ડુંગળીની કિંમતો 100 રૂપિયા પ્રતિ કિલોની પાર પહોંચી ગઈ છે. વધતી કિંમતોને કાબુ કરવા માટે ડુંગળીની સ્ટોક લિમિટ પણ નક્કી કરવામાં આવી છે. છેલ્લા પંદરેક દિવસથી ડુંગળીના વધતા ભાવ વધી જતા ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. પરંતુ હવે આ બધાની વચ્ચે એક જોરદાર વાત સામે આવી છે કે ભાવને કાબુમાં કરવા અને વધતા ભાવ સામે શું કરવું તેનો જવાબ ઘરઆંગણે જ ઉપલબ્ધ છે.
ડિહાઈડ્રેટેડ ડુંગળી તમને માત્ર રૂ. 16-17ના ભાવે પડે
આવી સ્થિતિમાં વધતા ભાવ બાબતે ડુંગળીના ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, ડુંગળીના વધતા ભાવને કાબુ કરવામાં ડિહાઇડ્રેટેડ ઓનિયન એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. બજારમાં હાલ તાજી ડુંગળી રૂ. 75થી 80 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. બીજી તરફ ડિહાઇડ્રેટેડ ઓનિયનનો ભાવ કિલો દીઠ રૂ. 100-120 છે. જોકે એક કિલો ડિહાઇડ્રેટેડ ઓનિયનએ 6 કિલો તાજી ડુંગળી બરાબર હોય છે એ હિસાબે ડિહાઈડ્રેટેડ ડુંગળી તમને માત્ર રૂ. 16-17ના ભાવે પડે છે. એટલે કે, તાજી ડુંગળીની તુલનામાં ડિહાઇડ્રેટેડ ઓનિયનના વપરાશથી રૂ. 40-45નો ફાયદો થાય છે. ઓલ ઇન્ડિયા વેજીટેબલ ડિહાઇડ્રેટેડ મેન્યુફેક્ચર્સ ડેવલપમેન્ટ એસોસિએશનના પ્રમુખ મનોજ રામે જણાવે છે કે, બજારમાં તાજી ડુંગળીના જે ભાવ અત્યારે ચાલી રહ્યા છે તેની સામે ડિહાઇડ્રેટેડ ઓનિયન વપરાશના સમયે 6 ગણી સસ્તી પડે છે.
તાજી ડુંગળીની અંદર 90% ભાગ પાણી હોય
આગળ વાત કરી કે બને છે એવું કે સામાન્ય રીતે લોકોને આ અંગે ઓછી જાણ હોવાથી તેઓ મોંઘા ભાવની ડુંગળી ખરીદીને ખાય છે. બીજી તરફ આ જ ડિહાઇડ્રેશન થયેલી ડુંગળીને યુરોપ, ઓસ્ટ્રેલિયા,રશિયા, નેધરલેંડ સહિત દુનિયાભરના લોકો ખરીદી રહ્યા છે. જો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડિહાઇડ્રેટેડ ઓનિયનનો વપરાશ વધે તો આવનાર સમયમાં તાજી ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખી શકાય એમ છે. તેનાથી ખેડૂતોને પણ ફાયદો થશે અને લોકોને પણ સસ્તા ભાવે ડુંગળી મળી રહેશે. ગુણોની વાત કરીએ તો તાજી ડુંગળીની અંદર 90% ભાગ પાણી હોય છે. આ પાણીને પ્રોસેસ કરીને સુકવી દેવામાં આવે છે અને પાછળ જે પાન વધે છે તેમાંથી ફ્લેક્સ, પાવડર, સ્લાઈસ વગેરે બનાવવામાં આવે છે.
એક કિલો ડિહાઇડ્રેટેડ ઓનિયન બનાવવા માટે 7-8 કિલો ડુંગળીની જરૂર
આ અંગે વાત કરતાં મહુવા સ્થિત મહારાજા ડિહાઇડ્રેશન પ્રાઈવેટ લીમીટેડના મેનેજીંગ ડિરેક્ટર વિઠ્ઠલ કોરડિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એક કિલો ડિહાઇડ્રેટેડ ઓનિયન બનાવવા માટે 7-8 કિલો ડુંગળીની જરૂર પડે છે. ડિહાઇડ્રેશન કરેલી ડુંગળીને બે વર્ષ સુધી સાચવીને રાખી શકાય છે. ઓનિયન ફ્લેક્સને વાપરતા પહેલા તેને 10 મિનીટ સુધી પાણીમાં રાખવાથી ફરી તે તાજી ડુંગળીના સ્વરૂપમાં પરિવર્તિત થાય છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ડુંગળીનું ડિહાઇડ્રેશન કરતા અંદાજે 150 જેટલા યુનિટ્સ આવેલા છે. જેમાથી 135 એકમો માત્ર ગુજરાતમાં જ સક્રિય છે.
125 ડિહાઇડ્રેટેડ ઓનિયન ઉત્પાદકો માત્ર ભાવનગરના મહુવામાં
દેશમાં મહારાષ્ટ્રના નાસિક બાદ મહુવા ડુંગળીની આવકનું સૌથી મોટું કેન્દ્ર છે. એમાં પણ જો ઉંડાણપુર્વક માહિતી જાણીએ તો ગુજરાતમાં પણ સૌથી વધુ 125 ડિહાઇડ્રેટેડ ઓનિયન ઉત્પાદકો માત્ર ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા છે. ગુજરાત દર વર્ષે 70,000 ટન ડિહાઇડ્રેટેડ ઓનિયનનું ઉત્પાદન કરે છે અને તેમાંથી 55,000 ટનની નિકાસ કરવામાં આવે છે.
સરકારે પણ કરી જહેમત
દેશના ઘણા શહેરોમાં ડુંગળીની કિંમતો 100 રૂપિયા પ્રતિ કિલોની પાર પહોંચી ગઈ છે. વધતી કિંમતોને કાબુ કરવા માટે ડુંગળીની સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે. સ્ટોક લિમિચથી વધુ ડુંગળી રાખવા પર દોષિતોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. નેફેડે અત્યાર સુધી 42 હજાર ટન ડુંગળી વેચી છે. જ્યારે કે, નેફેડની પાસે 20 થી 25 હજાર ટનનો સ્ટોક બચ્યો છે. નેફેડે આ વર્ષે 98 હજાર ટનનો સ્ટોક બનાવ્યો હતો. એમએમટીસી કાલે ડુંગળીની આયાત માટે ટેન્ડર જાહેર કરશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "કાખમાં છોકરું ને ગામમાં ગોતવું’ જેવી ઘટના, મોંઘી ડુંગળીનો ઈલાજ ગુજરાતમાં જ છે, કિલોએ થશે 45 રૂપિયાનો ફાયદો"
ટિપ્પણી પોસ્ટ કરો