સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવ્યા: તહેવારો સમયે ભારતના આ 5 રાજ્યોમાં કોરોના વાયરસનો સૌથી વધુ ખતરો
દશેરાની ઉજવણી સાથે જ દેશભરમાં દિવાળીના તહેવારની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. તેવામાં સરકારની ચિંતા વધી છે. સરકાર અને તંત્રને ચિંતા છે કે તહેવારો અને શિયાળાની શરુઆત કોરોનાના કેસને બેકાબૂ બનાવી શકે છે. ભારતના ઘણા રાજ્યોમાં હવે ધીરે ધીરે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી રહી છે. પરંતુ તહેવારોના સમયમાં કોરોનાના કેસ ફરીથી વધવાની ચિંતા વધી છે.
ભારતના દરેક રાજ્યોમાં તહેવારની સિઝનના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધવાનું જોખમ વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે તેમની પ્રેસ બ્રીફિંગમાં પણ કહ્યું હતું કે કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં તહેવારોને કારણે કોરોનાના કેસોમાં વધારો થવા લાગ્યો છે. જો કે રાહતની વાત છે કે છેલ્લા પાંચ અઠવાડિયામાં કોરોનાથી થતા મૃત્યુના દરમાં ઘટાડો થયો છે.
આ અંગે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 5 રાજ્યો જેમાં કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીનો સમાવેશ થાય છે ત્યાંથી 49.4 ટકા કોરોનાના કેસ નોંધાયા હતા. તહેવારોની મોસમ પણ કેસ વધવાનું એક મોટું કારણ હોઈ શકે છે. આરોગ્ય સચિવે કહ્યું હતું કે આ ખૂબ જ ચિંતાજનક વાત છે. આ અંગે તેમણે આ પાંચ રાજ્યોની સરકારો સાથે વાતચીત પણ કરી છે.
છેલ્લા 24 કલાકમાં 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાથી 58 ટકા મૃત્યુનાં કેસ જોવા મળ્યાં હતા. જેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. જો કે, છેલ્લા પાંચ અઠવાડિયાથી ભારતમાં મૃત્યુનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. જણાવી દઈએ કે ભારતમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
ભારતમાં કોરોના ધીમો પડ્યો હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે ત્યારે વિદેશોમાં ફરીથી કોરોનાએ માથુ ઉચક્યું છે. યુરોપના દેશોમાં છેલ્લા કેટલાક સમયથી ઓછા થયેલા કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. આ અંગે માહિતી આપતા નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે જણાવ્યું હતું કે યુરોપના ઘણા દેશોમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે યુરોપિયન દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રથમ લહેર કરતાં પણ વિનાશકારી લાગી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવ્યા: તહેવારો સમયે ભારતના આ 5 રાજ્યોમાં કોરોના વાયરસનો સૌથી વધુ ખતરો"
ટિપ્પણી પોસ્ટ કરો