ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે આ મંદિર, તમે પણ કરો ઘરે બેઠા દર્શન
ભારતમાં અઢળક મંદિરો આવેલા છે. આપણે ત્યાં એવું એક પણ ગામ કે શહેર હશે નહીં જ્યાં કોઈ મંદિર ન બનેલું હોય. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં મંદિર હોય જ છે. સનાતન ધર્મમાં દેવી-દેવતાઓ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળનું વિશેષ મહત્વ હોય છે.
આપણે ત્યાં આમ તો દરેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે, જેમાં સૌથી વધુ શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, ગણેશજી, બ્રહ્મા અને દેવીઓના મંદિર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક જગ્યા એવી પણ છે જ્યાં મૃત્યુના દેવતા યમનું મંદિર બનેલું છે ? આ સ્થાન અન્ય કોઈ નહીં પરંતુ શ્રીકૃષ્ણની નગરી મથુરા છે.
મથુરામાં એક એવું મંદિર છે જ્યાં યમરાજ તેમની બહેન યમુના સાથે બિરાજે છે. આ મંદિર ભાઈ-બહેનના પ્રેમને દર્શાવે છે. આ મંદિર મથુરાના પ્રખ્યા વિશ્રામ ઘાટ ખાતે બનેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ભાઈ-બહેનની એટલે કે યમુનાજી અને યમરાજની પૂજા થાય છે.
મંદિર સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. આ કથા અનુસાર ભગવાન સૂર્યની પત્ની સંજ્ઞાને એક પુત્ર યમરાજ અને પુત્રી યમુના હતી. પરંતુ સૂર્યના તાપને સહન ન કરી શકવાના કારણે સંજ્ઞાએ પોતાની જગ્યાએ છાયાને સૂર્ય ભગવાનની સેવામાં રાખી. છાયાથી સૂર્યના સંતાન શનિ અને તાપ્તી જન્મ્યા. કથા અનુસાર છાયાનું વર્તન યમ અને યમુના સાથે સારું ન હતું. આ વાતના કારણે યમએ એક નગરીનું નિર્માણ કર્યું. જે શ્રીકૃષ્ણના અવતાર સમયે ગો લોકમાં આવી.
ભાઈ સાથે સ્નેહના કારણે યમુનાએ યમરાજને અનેકવાર ત્યાં બોલાવ્યા. એકવાર યમ યમુનાને મળવા અહીં આવ્યા. અહીં યમરાજ આવ્યા અને બહેનના ઘરે ભોજન કર્યું. ભોજન કર્યા બાદ યમરાજે યમુનાને વરદાન માંગવા કહ્યુ. ત્યારે યમુનાએ માંગ્યું કે જે તેના જળમાં સ્નાન કરે તે ભલે સ્ત્રી હોય કે પુરુષ તે યમલોક ન જાય. આ વરદાન આપવું યમ માટે મુશ્કેલ હતું. આ વાત જાણી યમુનાએ યમરાજની ચિંતા હળવી કરી અને કહ્યું કે જે વ્યક્તિ આજના દિવસે બહેનના ઘરે ભોજ કરી અને મથુરા નગરના વિશ્રામ ઘાટ પર સ્નાન કરશે તે યમલોકમાં નહીં જાય. આ વાતનો સ્વીકાર યમરાજે કર્યો.
ત્યારથી મથુરાના આ મંદિરને ખાસ માનવામાં આવે છે. જો કે આ એકમાત્ર મંદિર છે જ્યા ભાઈ-બહેનની જોડીની પૂજા થાય છે. માન્યતા છે કે જે ભાઈ-બહેન અહીં સાથે દર્શન કરે છે અને યમુના સ્નાન કરે છે જેને મોક્ષી પ્રાપ્તિ થાય છે. અહીં ભાઈબીજના દિવસે ભારે ભીડ જોવા મળે છે.
0 Response to "ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે આ મંદિર, તમે પણ કરો ઘરે બેઠા દર્શન"
ટિપ્પણી પોસ્ટ કરો