પુત્રનું અકાળે અવસાન થઈ જતા, વિધવા પુત્રવધુના સસરાએ પોતાની દીકરી માનીને કરાવ્યા બીજા લગ્ન
સામાન્ય રીતે આપણને એવું સાંભળવા મળે છે કે પછી વાંચવા મળી જાય છે કે, સાસરીમાં વહુને દહેજ લાવવા માટે હેરાન કરવામાં આવે છે એટલું જ નહી, કેટલાક સાસરીવાળા એવા પણ હોય છે જેઓ દહેજની લાલચમાં પોતાના ઘરની પુત્રવધુને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપી રહ્યા હોય છે. જેના લીધે ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે જેઓ સાસરી પક્ષના સભ્યોના આવા ત્રાસના કારણે આત્મહત્યા કરી લેતી હોય છે કે પછી તેમને મારી નાખવામાં આવે છે. જયારે આજના આધુનિક સમયમાં કેટલાક એવા પરિવાર પણ છે જેઓ પોતાના ઘરની પુત્રવધુને વહુ નહી પણ દીકરી માને છે અને એવી જ રીતે વ્યવહાર પણ કરતા હોય છે.
વર્ષ ૨૦૧૯માં મધ્ય પ્રદેશ રાજ્યના ઈન્દોર શહેરમાં આવો જ એક બનાવ બન્યો હતો. સસરાએ પોતાના દીકરાના અવસાન થઈ ગયા બાદ પોતાની પુત્રવધુના બીજા લગ્ન કરાવી દીધા હતા. પોતાની પુત્રવધુને દીકરી માનીને તેનું કન્યાદાન પણ કર્યું હતું. ઈન્દોર શહેરમાં રહેતા રાઠોડ સમાજના બાબુલાલ રાઠોડના દીકરાનું ૩૮ વર્ષની ઉમરે મૃત્યુ થઈ ગયું હતું. પોતાના દીકરાનું આમ અકાળે મૃત્યુ થઈ ગયા બાદ સસરાએ પુત્રવધુના બીજા લગ્ન કરાવી દીધા હતા.
બાબુલાલ રાઠોડએ સમાજની ચિંતા કર્યા વિના પોતાના પરિવારની સાથે પુત્રવધુના બીજા લગ્ન કરાવવા વિષે વાત કરી હતી. જો કે, પરિવારના સભ્યો બાબુલાલ રાઠોડની આ વાતથી ખુશ હતા. પરિવાર આ વાતથી ખુશ હોવાના કારણે પુત્રવધુ માયા માટે યોગ્ય વરની શોધ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. બાબુલાલ રાઠોડએ ઈન્દોરના ખરગોન જીલ્લામાં રહેતા દિલીપની સાથે પોતાની દીકરી સમાન પુત્રવધુ માયાના લગ્ન મંદિરમાં કરાવી દીધા હતા. માયાને તેના પ્રથમ પતિથી એક દીકરો અને એક દીકરી છે. માયાના બંને સંતાનો પોતાની માતાના બીજા લગ્નમાં સામેલ થયા હતા.
બાબુલાલ રાઠોડનો દીકરો ડીસેમ્બર, ૨૦૧૩માં ગંભીર બીમારીના કારણે અવસાન થઈ ગયું હતું. માયાના સાસરીમાં સાસુ શાંતિબાઈ રાઠોડ, સસરા બાબુલાલ રાઠોડ, માયાની ૭ વર્ષની દીકરી અને ૫ વર્ષનો દીકરો છે. માયાના પતિના મૃત્યુ થઈ ગયા પછીથી બાબુલાલ રાઠોડ અનાજ દળવાની ઘંટીમાં નોકરી કરવા લાગ્યા હતા.
માયાના લગ્નમાં જીલ્લા પંચાયતના સભ્યો, ભાજપ પક્ષના મંત્રી સહિત રાઠોડ સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી. માયા અને દિલીપના લગ્નમાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓએ માયાને સુખી લગ્નજીવનના આશિર્વાદ આપ્યા હતા. આમ આજના સમયમાં એવા પણ પરિવારો છે જેઓ પોતાના ઘરની પુત્રવધુને વહુ સમજવાને બદલે દીકરી સમજે છે.
0 Response to "પુત્રનું અકાળે અવસાન થઈ જતા, વિધવા પુત્રવધુના સસરાએ પોતાની દીકરી માનીને કરાવ્યા બીજા લગ્ન"
ટિપ્પણી પોસ્ટ કરો