વાયબ્રંટ સમિટ 2022 માટે તડામાર તૈયારીઓ શરુ, ગાંધીનગર-અમદાવાદમાં 6 હોટેલમાં બુક કરાવાયા 400 રૂમ, રૂમનું ભાડું લાખોમાં
રાજયમાં યોજાનાર વાયબ્રંટ સમિટ 2022 માટે સરકાર તડામાર તૈયારીઓ શરુ કરી ચુકી છે. જાણવા મળતી માહિતી અનુસાર આ સમિટ શરુ થયા પહેલા તેની તૈયારીઓમાં જ પૈસા પાણીની જેમ વપરાઈ રહ્યા છે. જી હાં જે પ્રકારની તૈયારીઓ ગાંધીનગર અને અમદાવાદમાં અત્યારે થઈ રહી છે તેના વિશે જાણીને તમે પણ આ વાત જ કહેશો.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વાયબ્રંટ સમિટ 2022નું આયોજન થનાર છે જેમાં દેશમાંથી તેમજ વિદેશથી મહેમાનો ગાંધીનગર આવશે. આ તમામ મહેમાનોની રોકાવા અને તેમના આવવા જવા માટે વાહનની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. જાણવા મળ્યા અનુસાર વિદેશી મહેમાનોના રોકાણ માટે અને તેમને આરામદાયક અનુભવ થાય તે માટે અમદાવાદ અને ગાંધીનગરની ખ્યાતનામ હોટેલમાં રૂમ બુક કરાવાયા છે અને મોંઘીદાટ લક્ઝુરીયસ ગાડીઓ ભાડે કરવામાં આવી છે.
આ અંગે સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્ય સરકારે વાયબ્રંટ સમિટ 2022ના મહેમાનો માટે ગાંધીનગરની ધ લીલા સહિતની અન્ય 3 અને અમદાવાદ શહેરની ત્રણ એમ કુલ 6 હોટલમાં 400 રૂમનું બુકીંગ કર્યું છે. આ 400 રૂમ એવા છે જેમાં રોકાણ માટે લાખોનું ભાડું ચુકવવાનું હોય છે. એટલે કે મહેમાનો માટે સરકારે પ્રીમિયમ રુમ બુક કર્યા છે. આ ઉપરાંત સરકારે 50 ટકા રકમ એડવાન્સ પેટે ચુકવી છે.
કયા કયા રુમ બુક થયા છે તેના વિશે સામે આવ્યું છે કે મહેમાનો માટે અલગ અલગ કેટેગરીના રુમ બુક થયા છે. જેમાં 10 હજારથી લઈ દોઢ લાખના ભાડું હોય તેવા રુમ છે. આ 6 હોટેલ અંગે મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા ગાંધીનગરની લીલા હોટલ, અમદાવાદની હયાત અને હયાત રિજન્સી સહિતની 6 હોટલમાં કુલ 400 રૂમ બુક કરવામાં આવ્યા છે.
આ વાત તો થઈ મહેમાનોના રહેવાની. પરંતુ તેમને આવવા જવામાં કોઈ અગવડતા ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાયબ્રંટ સમિટ 2022માં આવનાર ઉદ્યોગપતિઓને હરવા ફરવા માટે ઈનોવા સહિતની કેટલીક લક્ઝુરીયસ કાર બુક કરી છે. આ કારમાં મહેમાનોને વાયબ્રંટ સમિટ સુધી લાવવામાં અને લઈ જવામાં આવશે. વાયબ્રંટ સમિટ 2022 માટે વિવિધ કમિટિની રચના કરવામાં આવી છે જેમને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે.
જો કે હોટેલના ભાડાની જે વાત સામે આવી છે તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તમામ મહેમાનો સરકારી કાર્યક્રમ માટે આવી રહ્યા હોવાથી હોટલોમાં રુમના ભાડા પણ ઘટાડી દેવામાં આવ્યા છે. એટલે કે જે પ્રીમિયમ સ્વીટનું ભાડુ દોઢ લાખ છે તેના સરકારે 25 હજાર જ ચુકવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે આગામી 10થી 13 જાન્યુઆરી સુધી વાયબ્રંટ સમિટ 2022 યોજવાની છે. આ સમિટના ઉદઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ ઉપરાંત દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને મલ્ટીનેશનલ કંપનીના માલિકો સહિત 400 અગ્રણીઓ સમિટમાં ભાગ લેવાના છે.
0 Response to "વાયબ્રંટ સમિટ 2022 માટે તડામાર તૈયારીઓ શરુ, ગાંધીનગર-અમદાવાદમાં 6 હોટેલમાં બુક કરાવાયા 400 રૂમ, રૂમનું ભાડું લાખોમાં"
ટિપ્પણી પોસ્ટ કરો