ગુજરાતમાં કોવિડ-19ને લઈ થયું મોટું રિસર્ચઃ ગુજરાતીઓની સુધરી જશે દિવાળી, જાણો નવા કેસને લઈને શું આવ્યા રાહતના સમાચાર
વિશ્વમાં હાલમાં ઠેર ઠેર કોરોનાને લઈ બબાલ મચી ગઈ છે અને દરેક લોકો હવે આ મહામારીથી ત્રાસી ગયા છે. ત્યારે હવે ગુજરાત માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સહિત વિશ્વભરમાં અત્યારે સૌના મોઢે એક જ સવાલ છે કે આ કોરોના જશે ક્યારે. આ સૌથી જટિલ પ્રશ્નનો જવાબ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ ઉપ-કુલપતિ ડૉ. હરીશ પાઢે આપ્યો છે. એપિડેમિઓલોજી(રોગશાસ્ત્ર) અને સ્ટેટિસ્ટિક્સ(આંકડાશાસ્ત્ર)ની અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરી ડૉ. પાઢે કરેલા રિસર્ચ મુજબ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનો પ્રભાવ ઘટવા માંડશે અને ક્રિસમસ સુધીમાં તો નવા કેસની સંખ્યા નગણ્ય થઈ જશે.
ડૉ. પાઢ તથા તેમનાં સહયોગી ડૉ. શ્વેતા એ. પટેલે 01 જૂનથી 03 ઓક્ટોબર સુધીના કોરોના મહામારીના ડેટાના આધારે ચલિત 7-દિવસની સરેરાશના આધારે વિશ્લેષણ કરીને આ તારણ પર પહોંચ્યાં છે. ડૉ. પાઢે DivyaBhaskar સાથેની વિસ્તારપૂર્વકની વાતચીતમાં આ તારણોની વિગતોને સમજાવી હતી. કોરોના મહામારીને કારણે છેલ્લા આઠ મહિનાથી આખા વિશ્વની સિકલ બદલાઈ ચૂકી છે અને મૃત્યુઆંક 10 લાખને પાર કરી ચૂક્યો છે. ભારતની વાત કરીએ તો દેશમાં 1 લાખથી વધુનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને ગુજરાતમાં 3500નાં મોત થયાં છે.
કોરોના મહામારીના સરકારી ડેટાના આધારે ચાર્ટ બનાવીને ડૉ. પાઢ તથા ડૉ. શ્વેતાનાં વિશ્લેષણમાં જણાવાયું છે કે 03 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 1.45 લાખે પહોંચી છે જે આંક 15 નવેમ્બરે 1.75 લાખની પિક પર પહોંચશે અને ત્યાંથી ઘટવા માંડશે. યોગાનુયોગે 15 નવેમ્બરે વિક્રમ સંવત મુજબ બેસતું વર્ષ છે. આમ, દિવાળી પછીથી કોરોનાના કેસ ગુજરાતમાં ઘટવા લાગશે એવું આ વિશ્લેષણ મુજબ કહી શકાય. અહીં પ્રસ્તુત કરેલો ચાર્ટ દર્શાવે છે કે ગુજરાતમાં જે પેટર્નથી કેસની સંખ્યા વધી છે એમાં 60 દિવસના અંતરે અપર સાઈડ કર્વ જોવા મળે છે. ગુલાબી લાઈનો વડે ગુજરાતમાં જે ગતિ અને દિવસોમાં ગુજરાતમાં કોરોના કેસ વધ્યા એ દર્શાવાયું છે.
ત્યારે આ ગતિ મુજબ જોઈએ તો ગુજરાતમાં 22 ઓક્ટોબરની આસપાસના દિવસોમાં કોરોના કેસનો આંક 1.60 લાખને પાર કરી જશે, જે સંખ્યાને વાદળી ટપકાંવાળી રેખા દ્વારા દર્શાવાયું છે. આ ગતિ મુજબ 15 નવેમ્બરથી ગુજરાતમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને ક્રિસમસ સુધીમાં તો નવા કેસનો આંક અસામાન્ય રીતે તળિયે પહોંચી જશે અને શૂન્ય પણ થઈ શકે.
ગત 4 મહિનાના વાસ્તવિક ડેટાના આધારે આ વૈજ્ઞાનિક ઢબે કરાયેલું આકલન છે. અહીં ચાર્ટમાં R2 મૂલ્ય 0.999 દર્શાવાયું છે જે ખૂબ સારું અને વાસ્તવિકતા એટલે કે 1.0ની ખૂબ નજીક કહેવાય, એમ ડૉ. પાઢે DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું. બીજો ચાર્ટ અલગ અભિગમ સાથે તૈયાર કરાયો છે, જેમાં મૃત્યુદરને ધ્યાને લેવાયો છે. આ સમીકરણ નોબલ પારિતોષિક વિજેતા અને સ્પેન તથા ઈટાલીમાં મૃત્યુદર અંગેનું સચોટ આકલન કરનારા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડૉ. માઈકલ લેવિટ્ટના સિદ્ધાંતના આધારે તૈયાર કરાયું છે. લેવિટ્ટ્સ ઈક્વેશન તરીકે જાણીતા આ સમીકરણનો આધાર આજના/ગઈકાલ સુધીના મૃત્યુદર આધારિત છે.
આ મુજબ જો આજે કોઈ નવું મૃત્યુ નથી થતું તો ગુણોત્તર 1 રહે છે, જે આપણું લક્ષ્ય છે. આ સમીકરણ મુજબ ગણતરી કરતાં માલૂમ પડે છે કે ગુજરાત માટે આ 1નો જાદુઈ અંક નવેમ્બરના પ્રથમ સપ્તાહની શરૂઆતથી પ્રાપ્ત થવા લાગશે અને દિવાળી પછીના દિવસોથી કોવિડ-19ને કારણે ગુજરાતમાં નવા મૃત્યુ નગણ્ય રહેશે. આ ચાર્ટમાં લાલ ટપકાંવાળી સીધી રેખા મૃત્યુની અપેક્ષિત સપાટી અને વાદળી વાંકી-ચૂકી રેખા વાસ્તવિક મૃત્યુદર દર્શાવે છે. વાદળી રેખાનો આંક ઘટતો-ઘટતો નીચે આવીને લાલ ટપકાંવાળી રેખાને મળશે ત્યારે કોવિડનો મૃત્યુઆંક શૂન્ય થઈ જશે. આ ચાર્ટમાં R2 મૂલ્ય 0.867 દર્શાવાયું છે, જે સારું કહી શકાય.
ડૉ. પાઢે સારા સમાચાર આપતાં કહ્યું હતું કે ઉમેર્યું હતું કે એકંદરે જોઈએ તો આગામી દોઢ મહિનો ગુજરાત માટે કોરોના સંબંધે મહત્ત્વપૂર્ણ છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન કોઈ નવો સંક્રમણ વિસ્ફોટ ન થાય તો દિવાળી પછીનું નૂતન વર્ષ ગુજરાતીઓ માટે ખૂબ સારા સમાચાર લઈને આવનારું રહેશે. કોરોના મહામારી સાવ ગાયબ તો નહીં થાય, પરંતુ કોવિડ-19નો પ્રકોપ એટલો તો મંદ થઈ જશે કે આપણે અર્થતંત્રને બેઠું કરવાની દિશામાં નોંધપાત્ર પગલાં ભરી શકીશું. જો કે આ બધાનો આધાર ગુજરાતના લોકો કોરોના સંક્રમણને નિવારવા બાબતે કેટલી વધુ જાગૃતિ દર્શાવે છે અને માસ ગેધરિંગ એટલે કે એક સ્થળે વિશાળ સંખ્યામાં એકત્ર થવાનું ટાળે છે એની પર રહેલો છે.
ત્યારે આજે જ સરકારે તહેવારોને લઈને પણ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય.લ તેમજ પ્રસાદ વિતરણ નહીં કરી શકાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતમાં કોવિડ-19ને લઈ થયું મોટું રિસર્ચઃ ગુજરાતીઓની સુધરી જશે દિવાળી, જાણો નવા કેસને લઈને શું આવ્યા રાહતના સમાચાર"
ટિપ્પણી પોસ્ટ કરો