આ સિવિલ એન્જિનિયરે નોકરી છોડી શરૂ કરી સફરજન, હળદર અને લસણની ખેતી, આજે કમાય છે લાખો રૂપિયા
વર્તમાન સમયમાં પરંપરગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ લોકો વળી રહ્યા છે. નવી ટેકનોલોજીની મદદથી લોકો ખેતી કરી રહ્યા છે. મોટી મોટી કંપનીમાં લાખોનો પગાર છોડી યુવાનો ખેતી કરી રહ્યા છે. આવી એક કહાની છે. ગોપાલ દત્તની કે જેમણે એન્જિંરિંગનો અભ્યાસ કર્યો હોવા છતા આજે ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે. ઉત્તરાખંડના રાનીખેત બ્લોકમાં રહેતા ગોપાલ દત્ત ઉપ્રેતીએ અભ્યાસ દિલ્હીથી કર્યો છે. સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી લીધા બાદ તેઓ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનું કામ કરવા લાગ્યા. સારી એવી કમાણી પણ થતી હતી. લગભગ 14-15 વર્ષ તેમણે આ કામ કર્યું, બાળકો-પરિવાર બધાં જ દિલ્હીમાં સાથે રહેતાં હતાં, પરંતુ એ બાદ લાઈફમાં કંઈક એવું થયું કે દિલ્હીની હાઈફાઈ લાઈફસ્ટાઈલને છોડીને ગામડે પરત ફર્યા.
ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

ગમડે આવ્યા બાદ તેમણે ખેતી શરૂ કરી. તેઓ 8 એકર જમીન પર ફળ અને મસાલાની ખેતી કરી રહ્યા છે. વર્ષે 12 લાખ રૂપિયાનું ટર્નઓવર છે. તેઓ દેશના પહેલા એવા ખેડૂત છે જેમણે ઓર્ગેનિક ફાર્મિગ માટે ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 47 વર્ષના ગોપાલ જણાવે છે કે ‘વર્ષ 2012માં કેટલાક મિત્રોની સાથે હું યુરોપ ગયો હતો. આ દરમિયાન ત્યાં સફરજનના બગીચાઓમાં જવાનું થયું. ત્યાંનું હવામાન, બરફવર્ષા, જમીન ઘણા અંશે મને રાનીખેત જેવી લાગી. મેં વિચાર્યું કે જ્યારે અહીં સફરજન ઉગાડી શકાય છે તો ઉત્તરાખંડમાં પણ કેમ ન ઉગાડી શકાય. મારા માટે આ ટર્નિગ પોઈન્ટ હતો.
પત્નીએ કહ્યું, જામેલું કામ છોડીને રિસ્ક લેવું યોગ્ય નથી

તેમણે આગળ કહ્યું કે, ત્યાંથી પરત ભારત આવ્યા બાદ કેટલાક દિવસો સુધી મારા મનમાં અસમંજસની સ્થિતિ બનેલી હતી કે શું કરું, કઈ રીતે કરું. પછી મેં એ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો કે આ ખેતી માટે ટ્રેનિંગ ક્યાંથી લેવી, શું પ્રોસેસ હોય છે. જે બાદ હું નેધરલેન્ડ ગયો. ત્યાં અનેક એક્સપર્ટને મળ્યો અને સફરજનની ખેતીની સમગ્ર પ્રોસેસને સમજ્યો. આ દરમિયાન કેટલાક દિવસો માટે ફ્રાંસ પણ જવાનું થયું હતું. ત્યાં પણ સફરજનની ખેતી કઈ રીતે થાય છે એ જોઈ અને કાયદેસર રીતે ત્યાં પણ ટ્રેનિંગ લીધી. બાદમાં મેં નક્કી કરી લીધું કે હવે સફરજનની ખેતી કરવી છે. પરિવારને જણાવ્યું તો બધાંએ વિરોધ કર્યો. પત્નીએ કહ્યું, જામેલું કામ છોડીને રિસ્ક લેવું યોગ્ય નથી. મેં તેને સમજાવી અને ખેતીના ફાયદા અંગે જાણ કરી.
મોટો સવાલ હતો કે હવે આ ફળોને ક્યાં

જે બાદ હું 2014-15માં દિલ્હીથી રાનીખેત શિફ્ટ થઈ ગયો. પરિવાર અને બાળકો દિલ્હીમાં જ રહી ગયાં. અહીં આવ્યા બાદ ભાડાપટ્ટે જમીન લીધી અને ખેતીનું કામ શરૂ કર્યું. મેં વિદેશોમાંથી પ્લાન્ટ મગાવવાને બદલે હિમાચલ પ્રદેશમાંથી જ છોડ મગાવ્યા. ત્રણ એકર જમીન પર લગભગ 1000 છોડ વાવ્યા. એક વર્ષ બાદ એ પ્લાન્ટ્સમાં ફ્રૂટ્સ તૈયાર થઈ ગયાં. ફ્રૂટ્સ તૈયાર થયા બાદ અમારી સામે મોટો સવાલ હતો કે હવે આ ફળોને ક્યાં વેચવા. જોકે લોકલ માર્કેટમાં અમારા સફરજનની કિંમત યોગ્ય ન હતી. એ બાદ મેં ગૂગલની મદદથી એવાં સ્ટોર અને કંપનીઓ અંગે જાણકારી મેળવી, જેઓ ઓર્ગેનિક સફરજનની ડિમાન્ડ રાખે છે. તેમને ફોન કરીને મારી પ્રોડક્ટ અંગે માહિતી આપી.
7 ફૂટની કોથમીર ઉગાડીને ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

મોટા ભાગના લોકોએ વિશ્વાસ ન કર્યો, પરંતુ જે લોકોએ શરૂઆતના સમયમાં અમારી પાસેથી સફરજન લીધા તેમનો રિસ્પોન્સ ઘણો જ સારો રહ્યો. બીજી વખતથી કસ્ટમર અને ડિમાન્ડ બંનેમાં વધારો થઈ ગયો. અનેક લોકો તો એડવાન્સ બુકિંગ કરવા લાગ્યા. ગોપાલ સફરજનની સાથે સાથે હળદર, લસણ, કોથમીર સહિતના અનેક મસાલાઓની પણ ખેતી કરે છે. તેઓ કહે છે, એક ઈંચ જેટલી જમીન પણ ખાલી ન રહેવી જોઈએ. આ વર્ષે જ તેમણે 7 ફૂટની કોથમીર ઉગાડીને ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ કોથમીરની વિશેષતા એ છે કે તેમાં પ્રોડક્શન નોર્મલ કોથમીરથી લગભગ 10 ગણી વધુ થાય છે અને ક્વોલિટી પણ સારી હોય છે. હવે તેઓ એની પેટન્ટ પણ કરાવવાના છે.
એક ટનથી વધુ સફરજન ખરાબ થઈ ગયા

ગોપાલની સાથે હાલ 5 લોકો કામ કરી રહ્યા છે. ફળ અને મસાલાની ખેતીની સાથે તેઓ પ્રોસેસિંગ પર પણ કામ કરી રહ્યાં છે. ગત વર્ષે એક ટનથી વધુ સફરજન ખરાબ થઈ ગયા તો તેમણે એમાંથી જામ બનાવીને માર્કેટમાં સપ્લાઈ કર્યું. એમાંથી પણ સારીએવી કમાણી થઈ. હવે તેઓ હળદર અને બીજા મસાલાઓનું પણ પ્રોસેસિંગ યુનિટ તૈયાર કરવાના છે.
તેઓ આગળ કહે છે, હવે અમારી ખેતીનો વ્યાપ વધી ગયો છે. અમે લોકો વધુ જમીન ભાડે લઈને ખેતી કરવાના છીએ. પ્રોડક્શન વધશે તો એને ખપાવવા માટે માર્કેટ પણ સેટ હોવું જોઈએ, તેથી આગામી વર્ષથી અમે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ આવવા માગીએ છીએ.
સફરજનની ખેતી માટે ઠંડા ક્ષેત્રવાળી જગ્યા હોવી જરૂરી

સફરજનની ખેતી અંગે વાત કરતા ગોપાલ કહ્યું કે સફરજનની ખેતી માટે સૌથી જરૂરી વસ્તુ છે એ ટ્રેનિંગ. કોઈ એક્સપર્ટ ખેડૂત પાસેથી સફરજનની ખેતીને સમજવી જરૂરી છે. જરૂર પડે તો થોડા દિવસ ખેડૂત સાથે રહીને દરેક નાની-મોટી માહિતી મેળવવી જોઈએ. બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે સફરજનની ખેતી માટે ઠંડા ક્ષેત્રવાળી જગ્યા હોવી જરૂરી છે. પહાડી બર્ફીલા વિસ્તારમાં સફરજનની સારી ખેતી થાય છે. આ સાથે જ ધૈર્ય અને ડેડિકેશનની પણ ખાસ જરૂર હોય છે. પ્લાન્ટ્સની સારી માવજત રાખવી પણ એટલી જ જરૂરી બાબત છે. જો યોગ્ય માવજત અને યોગ્ય પદ્ધતિ પ્રમાણે ખેતી કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આ સિવિલ એન્જિનિયરે નોકરી છોડી શરૂ કરી સફરજન, હળદર અને લસણની ખેતી, આજે કમાય છે લાખો રૂપિયા"
ટિપ્પણી પોસ્ટ કરો