તસવીરોમાં જુઓ નવું કેવડિયા, PM મોદીએ 17 પ્રોજેક્ટનું લોકાપર્ણ કર્યું અને બદલી ગયો નજારો
હવે કેવડિયા પહેલાં જેવું નથી રહ્યું. પહેલાં તો ગુજરાતીઓ પણ આ ગામનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે. જ્યારે હવે તો આખા વિશ્વને કેવડિયા સામે જોવું પડી રહ્યું છે. એમાં પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 2 દિવસના પ્રવાસ દરમિયાન કેવડિયામાં 17 જેટલા પ્રોજેક્ટને ખુલ્લા મુકવાના છે. જેમાં પહેલા દિવસે એકતા મોલ, આરોગ્ય વન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને જંગલ સફારી સહિતના પ્રોજેક્ટને ખુલ્લા મૂક્યા છે. તેથી આ તમામ પ્રોજેક્ટે નર્મદા ડેમથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીના પ્રવાસન સ્થળ કેવડિયાનો નજારો બદલી નાખ્યો છે.

હવે નવું કેવડિયા અબજ લાઇટોથી ઝળહળી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આસપાસના લગભગ 25 ચો.કિ.મી. વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલા ડેકોરેટિવ લાઈટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને 35 હજાર ચોરસ ફુટમાં પથરાયેલા વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
એકતા મોલ

એકતા મોલમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. વિગતે વાત કરીએ તો એકતા મોલમાં દેશના જુદા-જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે.
વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક

અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35 હજાર ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર, ભૂલ-ભુલૈયાં પણ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.
યુનિટી ગ્લો ગાર્ડન
આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન અહીં આકર્ષણનું કેન્દ્ર બને તેવો છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારના ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ અવિસ્મરણીય અનુભવ કરાવશે. 3.61 એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

કેકટ્સ ગાર્ડન
આ ગાર્ડનમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા-જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં 838 ચો.મી.નો અષ્ટકોણીય ડોમ આવેલું છે, જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છેસરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે 25 એકરમાં આ ગાર્ડન પથરાયેલો છે. અહીં પ્રવાસીઓને જુદી-જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે.

ખલવાણી ઈકો-ટુરિઝમ
આ સ્થળે 100 જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે. જેમાં ટ્રી હાઉસ, ટેન્ટ વગેરેનો સમાવેશ છે. અહીં કાફેટેરીયામાં સેલ્ફ-હેલ્પ ગૃપ દ્વારા મહિલાઓને રોજગારી મળે છે અને આદિવાસી સ્થાનિક વિસ્તારના વ્યંજનનો સ્વાદ મળે છે. ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે જેમાં 82 એકર વિસ્તારમાં 1.3 લાખ વૃક્ષોની હરિયાળી છે. પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું આ એક ઉત્તમ સ્થળ છે. એડવેન્ચર ટુરિઝમ માટે આદર્શ સ્થળ છે જેમાં ગુજરાતનું એકમાત્ર રિવર રાફ્ટીંગ ઉપલબ્ધ છે. 4.5 કિ.મી. લંબાઈ અને 9 રેપીડ ધરાવતું આ રીવર રાફટીંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે.
એકતા નર્સરી

એકતા નર્સરી એકતા હેન્ડીકાફ્ર્ટ પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે, જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ છે. આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. ઉચ્ચ કક્ષાની ટેક્નોલોજીથી સજ્જ આ નર્સરીની 10 લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે. જુદા-જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર ૧૦ એકરમાં પથરાયેલું આ એકતા નર્સરી પ્રવાસીઓને અદ્વિતિય અનુભવ કરાવે છે. સોવીનીયર શોપમાં પ્રવાસીઓને સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદી પણ કરી શકે છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ થકી મહિલાઓના સેલ્ફ-હેલ્પ ગૃપ થકી ૩૧૧ કુટુંબોને આર્થિક લાભ મળે છે.
એકતા ક્રૂઝ

પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ-એકતા ક્રૂઝ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી. સુધી અને 40 મિનિટ બોટિંગનો આહલાદક આનંદ મેળવી શકે છે. એકતા ક્રૂઝની લંબાઈ 26 મીટર અને પહોળાઈ 9 મીટર છે અને 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવી છે.
આરોગ્ય વન

માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા-જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 380 પ્રજાતિના જુદા-જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "તસવીરોમાં જુઓ નવું કેવડિયા, PM મોદીએ 17 પ્રોજેક્ટનું લોકાપર્ણ કર્યું અને બદલી ગયો નજારો"
ટિપ્પણી પોસ્ટ કરો