સલામ છે આ માણસને, કોરોનામાં લોકોની મદદ કરવા વેચી નાખી 22 લાખની SUV કાર, 4000થી વધુ લોકોને પૂરા પાડ્યા ઓક્સીજન
હાલ આખો દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. દરરોજ અસંખ્ય લોકો પોતાની નજર સામે જ વ્હાલા સ્વજનોને મોતને ભેટતા જોઈ રહ્યા છે. કોઈને યોગ્ય સમયે ઈલાજ નથી મળી રહ્યો તો કોઈને માટે ઓક્સીજનની અછત મોતનું કારણ બની રહી છે. એક બાજુ દેશમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે અને મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે અને બીજી બાજુ ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. ત્યારે મુંબઈના મલાડ ખાતે રહેતા એક યુવાને ખરા સમયે લોકોની સેવા માટેનું બીડું ઝડપ્યું છે.

મુંબઈના રહેવાસી એવા આ યુવકનું નામ શાહનવાઝ શેખ છે અને તે હાલ મોતના દરવાજે પહોંચી ગયેલા દર્દીઓને પાછા જીવન તરફ ખેંચી લાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યો છે અને ચારે બાજુ તેના આ કાર્યની પ્રશંસા થઈ રહી છે. અસલમાં શાહનવાઝ શેખ કોરોનાના દર્દીઓના ફોન કરવા પર તેમને ઓક્સિજન પૂરો પાડવાનું કામ કરી રહ્યો છે. લોકોની મદદ કરવા માટે તત્પર શાહનવાઝની ટીમે આ માટે એક કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે જેથી કોરોનાના દર્દીઓને ઓક્સીજન મળી રહે અને તેને જ્યાં ત્યાં ધક્કા ન ખાવા પડે. શાહનવાઝના આ કાર્યને કારણે હવે તેને લોકો ઓક્સિજન મેન પણ કહેવા લાગ્યા છે.
દર્દીઓની સેવા માટે 22 લાખ રૂપિયાની SUV વેંચી નાખી

શાહનવાઝે જણાવ્યું હતું કે તેણે દર્દીઓની સેવા કરવા માટે થોડા દિવસ પહેલા જ તેની 22 લાખ રૂપિયાની SUV કાર વેંચી દીધી હતી. તેની ફોર્ડ એંડેવર વેંચીને જે પૈસા મળ્યા હતા તે પૈસાથી શાહનવાઝે જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે 160 ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા હતા. શાહનવાઝે જણાવ્યું કે ગયા વર્ષે લોકોની મદદ કરવા માટે તેની પાસે પૈસા પુરા થઈ ગયા હતા ત્યારબાદ તેણે પોતાની SUV કાર વેંચી નાખવાનો નિર્ણય કર્યો.

જ્યારે શાહનવાઝને એમ પૂછવામાં આવ્યું કે લોકોને મદદ કરવાની પ્રેરણા તેને ક્યાંથી મળી ? તો તેણે જણાવ્યું કે ગયા વર્ષે તેના એક મિત્રની પત્નીએ ઓક્સિજનના અભાવે ઓટો રીક્ષામાં જ દમ તોડી દીધો હતો. ત્યારબાદ તેણે નિર્ણય કર્યો કે તે જરૂરિયાત ધરાવતા દર્દીઓની સેવા કરશે અને મુંબઇમાં દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરશે.
અત્યાર સુધીમાં 4000 થી વધુ લોકોને કરી શક્યા છે મદદ

ઓક્સિજન મેન તરીકે જાણીતા થયેલ.શાહનવાઝ શેખએ જણાવ્યું હતું કે દર્દીઓ સુધી મદદ પહોંચાડવા માટે તેમના તરફથી એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. શાહનવાઝએ જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પરિસ્થિતિ ઘણી ગંભીર છે. જાન્યુઆરીમાં માસિક 50 જેટલા કોલ આવતા હતા જ્યારે હાલ રોજના 500 થી 600 કોલ આવે છે. પરિસ્થિતિ એવી છે કે હવે તેઓ માંડ 10 થી 20 ટકા લોકોની જ સેવા કરી શકે છે.

શાહનવાઝે જણાવ્યું કે તેની પાસે હાલ 200 ઓક્સિજન સિલિન્ડર છે જે પૈકી 40 સિલિન્ડર ભાડા પર લીધેલા છે. તેઓએ જણાવ્યું કે ફોન કરીને જે લોકો અહીં આવીને સિલિન્ડર લેવા માટે સક્ષમ નથી તેઓના ઘરે જઈને સિલિન્ડર આપવામાં આવે છે. શાહનવાઝે જણાવ્યું કે તેણે ગયા વર્ષથી આ વર્ષ સુધીમાં લગભગ 4000 જેટલા દર્દીઓની સેવા કરી છે.
0 Response to "સલામ છે આ માણસને, કોરોનામાં લોકોની મદદ કરવા વેચી નાખી 22 લાખની SUV કાર, 4000થી વધુ લોકોને પૂરા પાડ્યા ઓક્સીજન"
ટિપ્પણી પોસ્ટ કરો