ગુજરાત પર મ્યુકરનું તોળાતું સંકટ, પહેલાં વર્ષે 10 ઓપરેશન થતાં, હવે એક જ દિવસમાં 20થી 25 થાય, જાણો ભયંકર વિગત
ગુજરાતમાં એક રોગ હજુ ગયો નથી ત્યાં તો બીજો રોગ આવીને ઉભો રહ્યો છે. જો કે હવે તો આ રોગની સારવાર કરવામાં પણ તંત્ર એકદમ સજાગ થઈ ગયું છે. ત્યારે ડોક્ટરોએ એક તારણ કાઢ્યું છે અને જે કેસ સામે આવી રહ્યાં છે એમાં પણ જોવા મળી રહ્યું છે કે કોરોનાથી સાજા થયેલા પરંતુ મોટે ભાગે ડાયાબિટીસની બીમારીથી પીડાતાં દર્દીઓ મ્યૂકરમાઈકોસીસની બીમારીમાં સપડાઈ રહ્યા છે, અમદાવાદની સિવિલમાં એક જ દિવસમાં આવા 75 દર્દીઓની સંખ્યા વધી છે, ગઈ કાલ સુધી 221 દર્દી દાખલ હતા અને શુક્રવારે સાંજ સુધીમાં કુલ દાખલ દર્દીઓની સંખ્યા 296 થઈ ગઈ હોવાથી હાહાકાર મચી ગયો છે.

હાલમાં તંત્રએ પોતાની કામગીરીના ભાગરૂપે બે દિવસમાં નવા ચાર વોર્ડ ખોલવા પડ્યા છે, આ સાથે જ સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે કુલ 6 વોર્ડમાં આ દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે., કોરોના નહોતો ત્યારે સિવિલમાં મ્યૂકરના માંડ 10 ઓપરેશન થતાં હતા, પરંતુ અત્યારે સ્થિતિ એટલી હદે ભયંકર થઈ છે કે, રોજના 20થી 25 ઓપરેશન કરવામાં આવી રહ્યા છે અને એ પણ ખાલી અમદાવાદ સિવિલમાં. એક આંડકો એવું પણ કહે છે કે શુક્રવાર સાંજ સુધીમાં 23 ઓપરેશન કરવામાં આવ્યા હતા છે. આ રોગ સામે લડવું અઘરું છે, કારણ કે મ્યૂકર માઈકોસિસના રોગની દવા અને ઈન્જેક્શન બજારમાં ક્યાંય ઉપલબ્ધ નથી, જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સ્થિતિ કફોડી બની છે, આ કારણસર જ દર્દીઓ સિવિલમાં દાખલ થઈ રહ્યા છે.
હાલમાં સિવિલની હાલત પણ એવી છે કે ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે, જોકે સિવિલ સત્તાવાળા આ વાત જાહેરમાં સ્વીકારવા તૈયાર નથી. એક જ દિવસમાં સિવિલમાં ઈએનટીની 80 જેટલા દર્દી ઓપીડીમાં નોંધાયા છે. સિવિલના ઈએનટી વિભાગમાં મ્યૂકર માટે પાંચ ઓપરેશન થિયેટર 24 કલાક કાર્યરત છે. એક એવું પણ તારણ સામે આવ્યું છે કે મ્યુકરમાઈકોસિસનું પ્રમાણ હવે 30 થી 45 વર્ષની વયના યુવાનોમાં ઝડપથી વધી રહ્યો છે. દર્દીઓની સંખ્યા એક અંદાજ મુજબ 250 ઉપરાંત છે. એ જ રીતે અલગ અલગ જિલ્લામાં કેસો સામે આવી રહ્યાં છે અને ખતરો વધી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મ્યુકરમાઇકોસિસ એવી વ્યક્તિને અસર કરે છે જ્યારે તેની પ્રતિરક્ષક શક્તિ દબાયેલી હોય છે અથવા ઓછી હોય છે. જેમકે જ્યારે દર્દીના શ્વેતકણ ઓછા હોય છે, એચઆઈવી, કેન્સર અથવા ઇમ્યુનોસપ્રેસન સ્ટીરોઇડ્સની દવા પર હોય છે.
કોવિડ-૧૯ના એડવાન્સ્ડ સ્ટેજવાળા દર્દીઓને સામાન્ય રીતે સ્ટીરોઇડ્સ સારવાર તરીકે આપવામાં આવે છે, જે ડાયાબિટીસના દર્દીમાં બ્લડ સુગર વધારવા માટે પણ જવાબદાર હોઈ શકે છે અને અનિયંત્રિત ડાયાબિટીસવાળા દર્દીઓમાં મ્યુકર ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.
0 Response to "ગુજરાત પર મ્યુકરનું તોળાતું સંકટ, પહેલાં વર્ષે 10 ઓપરેશન થતાં, હવે એક જ દિવસમાં 20થી 25 થાય, જાણો ભયંકર વિગત"
ટિપ્પણી પોસ્ટ કરો