મ્યુકરમાઈકોસિસને લઇને રિસર્ચમાં થયો મોટો ખુલાસો, આ વસ્તુનું સેવન કરનારા લોકો વધારે બન્યા આ રોગોનો ભોગ
કોરોનાની બીજી લહેર તો શાંત થવા લાગી છે પરંતુ તેની સાથે બ્લેક ફંગસના કેસમાં જોરદાર ઉછાળો ગુજરાતમાં નોંધાઈ રહ્યો છે. બ્લેક ફંગસના કેસ દિવસ ન વધે એટલા રાત્રે વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાની જેમ બ્લેક ફંગસ માટેના અલગ વોર્ડ શરુ કરવા પડ્યા છે અને હોસ્પિટલોમાં ઓપરેશન થિયેટર સતત ધમધમી રહ્યા છે. કારણ કે બ્લેક ફંગસને વધતી રોકવા માટે તેનું તુરંત ઓપરેશન કરવું જરૂરી હોય છે.

તેવામાં મ્યૂકરમાઈકોસિસને લઈને વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં બ્લેક ફંગસના કેસ સતત વધી રહ્યા છે તેવામાં વડોદરાના ઈન્ફેકશન સ્પેશિયાલિસ્ટ ડો હિતેનએ અત્યાર સુધીના બ્લેક ફંગસના દર્દીઓ પર રિસર્ચ કરી હતી. આ રિસર્ચમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે.

ડો હિતેન અને તેમની ટીમે બ્લેક ફંગસના 100 દર્દી પર રિસર્ચ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે 100માંથી 72 દર્દી એવા હતા કે જેમને ધૂમ્રપાનનું વ્યસન હતું જ્યારે 36 દર્દી એવા હતા જેમને તમાકુની આદત હતી. આ રિસર્ચ પરથી એવું પણ સામે આવ્યું છે કે ડાયાબિટીસ હોય અને કોરોના થયા બાદ જ બ્લેક ફંગસ થાય તેવું નથી. કોવિડના હળવા લક્ષણો ધરાવતા લોકો પણ બ્લેક ફંગસનો શિકાર થઈ શકે છે.

આ રિસર્ચમાં જે 100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી 25 ટકા દર્દી વડોદરાના અને 75 ટકા દર્દી બહારગામના હતા. આ કુલ દર્દીઓમાંથી 36 ટકા દર્દીને ડાયાબિટીસ હતું અને તેમની ઉંમર 40થી 50 વર્ષની હતી. આ સિવાય 36 ટકા દર્દી એવા હતા જેમને ડાયાબિટીસ ન હતું પરંતુ હાર્ટ સંબંધિત બીમારી હતી. જ્યારે 99 ટકા દર્દી એવા હતા જેમને સ્ટીરોઈડ આપવામાં આવ્યા હતા. આ રીસર્ચમાં સામે આવ્યું છે કે મ્યૂકર થવાનું મુખ્ય કારણ કોવિડની સારવારમાં સ્ટીરોઈડનો ઉપયોગ છે.
આ રોગમાં સૌથી સામાન્ય લક્ષણ છે નાક અને ગાલ પર સોજો આવવો. અહીંના દર્દીના સીટી સ્કેન કરવામાં આવતા ગાલની અંદર સાયનસમાં ઈન્ફેકશન જોવા મળ્યું હતું. દર્દીની બાયોપ્સી કરતા 6 ટકા દર્દીઓને વાઈટ અને યેલો ફંગસ મિક્સમાં જોવા મળી જ્યારે 94 ટકા દર્દીને બ્લેક ફંગસ હતી.

આ સમસ્યાની સારવારમાં 300 રૂપિયામાં મળતું લાયોફિલાઈઝ એન્ફોટેરસીન ઈન્જેકશન કારગર નિવડે છે. જ્યારે ગંભીર લક્ષણ હોય તો મોંઘું ઈન્જેકશન લાયપોસોમલ આપવું પડે છે. આ ઈન્જેકશનના વિકલ્પ તરીકે પોસાટોનાઝોલ ટેબ્લેટ પણ આપી શકાય છે.
0 Response to "મ્યુકરમાઈકોસિસને લઇને રિસર્ચમાં થયો મોટો ખુલાસો, આ વસ્તુનું સેવન કરનારા લોકો વધારે બન્યા આ રોગોનો ભોગ"
ટિપ્પણી પોસ્ટ કરો