ચીન હવે આ ખાસ મિશન પર કરી રહ્યું છે કામ, અઠવાડિયે કરી રહ્યું છે 2 કરોડ ગુડ મચ્છરનું ઉત્પાદન, જાણો સમગ્ર ઘટના
વરસાદની મોસમમાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. આપણા ઘર કે આસપાસની જગ્યાએ જ્યારે મચ્છર વધવા લાગે છે તો આપણે મચ્છર થી બચવાના ઉપાયો કરીએ છીએ. જેથી મચ્છર આપણા અને આપણા પરિવારથી દૂર રહે. મચ્છર કોઈને પોતાની આસપાસ ફરકે તે પણ ન ગમે. તેવામાં તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં મચ્છર નું ઉત્પાદન કરવામાં આવે છે. જી હા આ વાતમાં બે વસ્તુ નોંધવા લાયક છે. પહેલી કે મચ્છરનું કોઈ વસ્તુ હોય તેની જેમ ઉત્પાદન કરવામાં આવે છે. અને બીજી કે જે મચ્છરને લોકો દૂર ભગાડવા અને મારવા ઈચ્છે છે તેને ચીન બનાવી રહ્યું છે.

ચીનના દક્ષિણ વિસ્તાર માં એક ફેક્ટરી છે જે મચ્છર બનાવે છે. આ ફેકટરીમાં દર અઠવાડિયે 2 કરોડ મચ્છરનું ઉત્પાદન થાય છે. આ મચ્છર વોલ્બચિયા બેક્ટેરિયાથી સંક્રમિત હોય છે. આ પ્રકારના મચ્છરનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ચીનની સુન યેત સેત યુનિવર્સિટી અને મિશિગન યુનિવર્સિટી દ્વારા એક રિસર્ચ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે આ બેક્ટેરિયાથી સંક્રમિત મચ્છર તૈયાર કરવામાં આવે તો આ મચ્છર બીમારી ફેલાવતી માદા મચ્છરોને બાંજ બનાવી દે છે. જેથી વધારે પ્રમાણમાં બીમારી ફેલાવતા મચ્છરો જન્મ લેતા જ બંધ થઈ જાય.

આ રિસર્ચના આધારે જ ચીનમાં મચ્છરનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોસેસમાં સૌથી પહેલા મચ્છરોને ફેક્ટરીમાં બ્રીડ કરવામાં આવે છે. ત્યાર પછી જંગલ અને જ્યાં વધુ પ્રમાણમાં મચ્છર હોય તે જગ્યાએ આ મચ્છર ને છોડી દેવામાં આવે છે. ફેકટરીમાં તૈયાર થયેલા મચ્છર અન્ય માદા મચ્છરની પ્રજનન ક્ષમતાને ખતમ કરી દે છે. જેના કારણે ધીરે ધીરે તે વિસ્તારમાં મચ્છર જ ખતમ થવા લાગે છે અને આ રીતે મચ્છરજન્ય રોગ પણ ઘટવા લાગે છે.

મચ્છર નું ઉત્પાદન કરતી ચીનની આ ફેક્ટરી આ કામ કરતી દુનિયાની સૌથી મોટી ફેક્ટરી છે. આ ફેક્ટરી 1300 વર્ગ મીટરમાં ફેલાયેલી છે અને તેમાં ચાર મોટા વર્કશોપ છે. દરેક વર્કશોપમાં દર અઠવાડિયે 50 લાખ મચ્છર નું ઉત્પાદન થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીન આ કામ આજકાલથી નથી કરતું પરંતુ વર્ષ 2015થી આ કામ ચાલી રહ્યું છે.
પહેલા આ મચ્છરો ગુઆંગજોઉં માટે તૈયાર થતા હતા કારણ કે અહીં દર વર્ષે ડેન્ગ્યુ ફેલાતો હતો. જ્યારે હવે અહીં મચ્છરોને કંટ્રોલમાં કરી લેવાયા છે અને બીમારી પણ નિયંત્રણમાં આવી ચૂકી છે. હવે અહીં મચ્છરને બનાવીને ચીન બીજા વિસ્તારોમાં મોકલે છે.

ફેક્ટરીમાં બનેલા આ મચ્છર સામાન્ય કરતા વધારે અવાજ કરે છે પરંતુ તે નિયત સમયમાં જ મરી પણ જાય છે. એટલે કે તેનાથી બિમારી ફેલાવાની કોઈ જોખમ નથી. અન્ય એક વાત એ પણ છે કે ફેક્ટરીમાં જે મચ્છરનું ઉત્પાદન થાય છે તે તમામ નર હોય છે.
0 Response to "ચીન હવે આ ખાસ મિશન પર કરી રહ્યું છે કામ, અઠવાડિયે કરી રહ્યું છે 2 કરોડ ગુડ મચ્છરનું ઉત્પાદન, જાણો સમગ્ર ઘટના"
ટિપ્પણી પોસ્ટ કરો