હવે RCBના કેપ્ટન તરીકે મેદાન પર ઉતરતા કોહલી પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ લીધેલા નિર્ણયને લઈને મોટો ખુલાસો થયો છે. તાજેતરમાં જ વિરાટ કોહલીએ ભારતના ટી 20 ફોર્મેટ માટે કપ્તાની છોડવાની જાહેરાત કરી હતી. હવે આ અંગે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને વનડે તેમજ ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનું સૂચન કર્યું હતું.

રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને વનડે અને ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડીને બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ ચાલુ રાખવા માટે કહ્યું હતું. કોચ દ્વારા કોહલીને પ્રોત્સાહિત કરવા માટે આ સૂચન આપવામાં આવ્યું હતું જેથી તે વિશ્વના ટોચના બેટ્સમેન રહે.
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કોહલીની કેપ્ટનશિપ છોડવા વિશેની વાત ભારતની ઓસ્ટ્રેલિયામાં સીરીઝ જીત્યા પછીથી શરૂ થઈ હતી. હવે જો બધું યોજના અનુસાર ન ચાલ્યું તો વિરાટ કોહલીને 2023 પહેલા કોઈપણ સમયે વનડે કેપ્ટનશીપ છોડવી પડી શકે છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શાસ્ત્રીએ લગભગ છ મહિના પહેલા કોહલી સાથે વાત કરી હતી, પરંતુ કોહલીએ શાસ્ત્રીની વાત તે સમયે ધ્યાને લીધી ન હતી. તે હજુ પણ વનડેમાં ભારતનું નેતૃત્વ કરવા માટે ઉત્સુક છે અને તેથી જ તેણે ટી 20 માં જ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે.

કોહલીએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે આ આઈપીએલ 2021 સીઝન બાદ આરસીબીની કેપ્ટનશીપમાંથી રાજીનામું આપશે. કોહલીના આ નિર્ણય બાદ તેની ભારે ટીકા પણ થઈ હતી અને કેટલાક દિગ્ગજોએ તેમના નિર્ણય લેવાના સમય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક દિગ્ગજોએ કહ્યું કે આ રીતે ટૂર્નામેન્ટમાં કોહલીની કેપ્ટનશીપ છોડવાની જાહેરાતની આરસીબી ટીમના પ્રદર્શન પર અસર પડશે. આ વાત સાચી પણ સાબિત થઈ રહી છે.

આ તમામ ચર્ચાઓ વચ્ચે એક પૂર્વ ભારતીય ક્રિકેટરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે એવું લાગે છે કે કોહલીને RCBની કેપ્ટનશીપમાંથી અધવચ્ચે જ પડતો મુકવામાં આવી શકે છે.

જણાવી દઈએ કે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક એવા વિરાટ કોહલીએ એક અઠવાડિયાની અંદર બે ટીમોની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. ગયા અઠવાડિયે વિરાટે જાહેરાત કરી હતી કે તે ટી 20 વર્લ્ડ કપ 2021 પછી ભારતીય ટી 20 ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપશે અને 19 સપ્ટેમ્બર તેણે જાહેરાત કરી હતી કે તે આઈપીએલ પછી RCB ની કેપ્ટનશીપ છોડી દેશે.
0 Response to "હવે RCBના કેપ્ટન તરીકે મેદાન પર ઉતરતા કોહલી પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ"
ટિપ્પણી પોસ્ટ કરો