બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે આ ફૂડ થીમ વાળી રાખડીઓ, જાણો શું છે આ વખતે ખાસ
રાજકોટના રાખડી બનાવતા કારીગરોએ પોતાની આગવી કળાથી ફૂડની થીમ પર અવનવી સ્ટાઈલની રાખડીઓ તૈયાર કરી છે. આ ફૂડ થીમમાં પીઝા, બર્ગર, ઢોસા, પાણીપુરી, દાબેલી તેમજ મિક્સ મિઠાઈ સહિતની ફૂડ થીમ સામેલ છે. ઈમિટેશન બજારના આ કારીગરો દ્વારા અવનવા ફૂડ થીમના આકારો પર બનાવવામાં આવેલી રાખડીઓ દરેકને ગમી છે, જેમાં ખાસ કરીને બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જો કે કોરોના સંક્રમણને લઈને આ વર્ષે મોટાભાગના વેપારીઓ ઓનલાઈન પણ વેચાણ કરી રહ્યા છે.
મહામારીના કારણે ઈમીટેશન વ્યાપાર ઠપ્પ

હાલમાં જ્યારે પવિત્ર શ્રાવણ માસ શરુ થયો છે ત્યારે અનેક તહેવારોની મોસમ પણ શરુ થવા જઈ રહી છે, એવા સમયે હવે ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક સમો રક્ષાબંધનનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. આવા સમયે રાજકોટમાં કોરોના મહામારીના કારણે ઈમીટેશન વ્યાપાર ઠપ્પ થઇ ગયો છે. પરિણામે વેપારીઓ અને કારીગરો પોતાના ગુજરાનને ચાલવા માટે થઈને રક્ષા બંધનના તહેવારને ધ્યાનમાં લઇ અવનવી રાખડીઓ બનાવી રહ્યા છે. જો કે આ વર્ષે રક્ષા બંધનને લઈને રાજકોટમાં સાવ નવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વેપારીઓ દ્વારા પીઝા, બર્ગર, ઢોસા, મિક્સ મિઠાઈ જેવી ફૂડ થીમ પર રાખડી બનાવવામાં આવી છે. આ રાખડીઓ હાલ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.
બાળકોની પ્રિય ફૂડ થીમ આધારિત રાખડીઓ બનાવાઈ

રાજકોટમાં આ વર્ષે કોરોનાને લઈને વેપારીઓ દ્વારા નવો કીમીઓ અપનાવાયો છે. વેપારીઓ દ્વારા આ વર્ષે બનાવવામાં આવેલ ફૂડ થીમની રાખડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ આ રાખડીના વેચાણમાં પ્રથમ છે. ઈમિટેશન બજાર માટે જાણીતા રાજકોટના વેપારીઓએ આ વખતે ગ્રાહકોને આકર્ષવા માટે ફૂડની થીમ પર રાખડીઓ બનાવી છે. આ ફૂડની થીમમાં પીઝા, બર્ગર , ઢોસા, પાણીપુરી, મિક્સ મીઠાઈ, ઘૂઘરા, સેન્ડવીસ અને મેગી જેવી ડીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇમિટેશન માર્કેટમાં વર્તમાન સમયે મંદીનો માહોલ છે. ત્યારે કારીગરો દ્વારા પોતાની આગવી કળાથી બાળકોની પ્રિય ફૂડ થીમ પર રાખડી તૈયાર કરી છે.
ઓનલાઈન માધ્યમ દ્વારા રાખડીઓનું વેચાણ

કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને મોટાભાગના વેપારી હાલમાં માત્ર ઓનલાઈન માધ્યમો દ્વારા જ રાખડીઓનું વેચાણ કરી રહ્યા છે અને એમના જણાવ્યા પ્રમાણે આ વર્ષે રાખડીના આ પ્રકારે વેચાણને લોકો આવકારી પણ રહ્યા છે. રાજકોટનું ઈમિટેશન માર્કેટ ઝવેરાત સાથે રાખડી બનાવવામાં પણ દેશભરમાં જાણીતું છે. સામાન્ય સિઝનમાં રાખડી માટેના ઓર્ડર માર્ચ મહિનાથી જ મળવાના શરુ થઇ જતા હોય છે, પણ આ વર્ષે કોરોના મહામારીને લઈને એના બુકિંગ મેં મહિનામાં મળ્યા છે. જે સામાન્ય કરતા બે મહિના મોડા છે.
આ વર્ષે રાખડીના ઓર્ડરમાં પણ ઘટાડો થયો છે

રાખડીના વેપારી ચતુરભાઈ રામાણીના જણાવ્યા પ્રમાણે રાજકોટનાં રાખડી બજારમાં અન્ય રાજ્યોના વેપારીઓનો હોલસેલ વેપાર પણ ગત વર્ષે અંદાજીત ૪૫ લાખ જેટલા રૂપિયાનો હતો. જો કે હોલસેલ વેપારીઓ દર વર્ષે દસ રૂપિયાથી લઈને ૫૦ રૂપિયા સુધીની રાખડીઓની ડીમાંડ કરતા હોય છે. જો કે આ વર્ષે એમણે પણ માત્ર ૧ રૂપિયાથી ૧૦ રૂપિયા સુધીની રાખડી માટે જ ઓર્ડર આપ્યો છે. આ ઉપરાંત આ વર્ષે સામાન્ય વર્ષોની તુલનામાં માત્ર ૩૦ ટકા જેટલા જ ઓર્ડર મળ્યા છે.
ઓર્ડરમાં ઘટાડાથી અનેક લોકોની રોજી રોટી પર અસર

આ અંગે જણાવતા વેપારી મુકેશભાઈ ડોબરિયા કહે છે કે રાજકોટમાં તૈયાર થતી રાખડીઓની માંગ છેક દિલ્લી, મુંબઈ અને પંજાબ તેમજ રાજસ્થાન અને યુપી સુધી હોય છે, રાજકોટમાં લગભગ ૩૦૦ જેટલા વેપારીઓ આ સીઝન દરમિયાન રાખડીઓ બનાવે છે અને આ સીઝન દરમિયાન દસ હાજર જેટલી યુવતીને રોજગારી પણ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાના કારણે રાખડીઓના ઓર્ડરમાં ઘટાડો આવવાથી અનેક લોકોની રોજી રોટી પર અસર પડી રહી છે. આ ઉપરાંત રાજકોટ ઈમિટેશન માર્કેટને જો GIDC ફાળવવામાં આવે તો પણ ઘણો લાભ થઇ શકે એવું વેપારીઓ કહી રહ્યા છે. જો કે રુદ્રાક્ષ, ચંદનની રાખડીઓ તેમજ સામાન્ય રાખડીઓ એવરગ્રીન રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે આ ફૂડ થીમ વાળી રાખડીઓ, જાણો શું છે આ વખતે ખાસ"
ટિપ્પણી પોસ્ટ કરો