કોર્ન મસાલા ઢોસા – અમેરિકન મકાઈની ભેળ અને વડા તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ઢોસા પણ..
આજે હું તમને ઢોસામાં નાખવાના સોડાના પરફેક્ટ માપ સાથે જણાવીશ કે ઘરે જ પરફેક્ટ ઢોસા કેવીરીતે બનાવી શકીએ.
થોડા દિવસ પહેલા મેં ઘરે જ પરફેક્ટ ખીરું બનાવવા માટેની રેસિપી જણાવી હતી તેની પણ લિંક તમને અહીંયા આપું છું. ખીરું બનાવવા માટેની રેસિપી જાણવા અહીંયા ક્લિક કરો.
તો હવે ચાલો તમને જણાવી દઉં ઢોસા બનાવવાની પરફેક્ટ રેસિપી. ઢોસા બનાવવા માટે આપણે પહેલા સામગ્રી જોઈ લઈએ.
સામગ્રી
- અમેરિકન મકાઈના દાણા – એક કપ (કાચા જ દાણા રાખવાના છે.)
- ડુંગળી – એક મીડીયમ સાઈઝ
- લીલા મરચા – બે થી ત્રણ નંગ
- આદુ – એક નાનો ટુકડો
- જીરું – અડધાની અડધી ચમચી
- હિંગ – એક ચપટી
- હળદર – અડધાની અડધી ચમચી
- મરચું – અડધી ચમચી (વધારે તીખું કરવું હોય તો વધારે મરચું ઉમેરજો)
- ગરમ મસાલો – અડધી ચમચી
- મીઠું – જરૂર મુજબ
- તેલ વઘાર કરવા અને ઢોસા બનાવવા માટે
ઢોસા બનાવવા માટેની સરળ રેસિપી
1. સૌથી પહેલા મીક્ષરના એક નાના કપમાં આદુ, લીલા મરચા અને ડુંગળી લઈને ક્રશ કરી લઈશું. આ વસ્તુઓને પણ જીણું ક્રશ કરવાનું છે એકદમ એકરસ થઇ જાય એટલું ક્રશ કરતા નહિ.
2. હવે ડુંગળી, માર્ચ અને આદુનું મિક્ષર કપમાંથી કાઢીને મકાઈને ક્રશ કરી લઈશું, મકાઈને એકદમ ક્રશ નથી કરવાની થોડી અધકચરી રાખવાની છે.
3. હવે એક પેનમાં વઘાર કરવા માટેનું તેલ ગરમ કરવા મૂકવું.
4. હવે આ તેલમાં જીરું ઉમેરો અને જીરું તતડે એટલે તેમાં ડુંગળી, મરચાં અને આદુને ક્રશ કરીને રાખ્યા હતા એ મિક્સ કરો.
5. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. બરાબર ચઢાવવા માટે પેનમાં બધું બરાબર ફેલાવી લો.
6. હવે આપણે આમાં મસાલો કરીશું તેમાં હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. બધું બરોબર મિક્સ કરી લો.
7. હવે આ મિશ્રણમાં ક્રશ કરેલ અમેરિકન મકાઈ ઉમેરીશું.
8. બધું બરોબર મિક્સ કરી લો,
9. હવે આમાં આપણે અમેરિકન મકાઈ કાચી એટલે તેને બરાબર ચઢવા દેવી પડશે, તેના માટે હવે કઢાઈમાં મિશ્રણને ફેલાવી લો એટલે ગેસ ચાલુ હશે જેનાથી મકાઈ બરોબર ચઢી જશે. બહુ કાચી લાગે તો થોડીવાર ઢાંકણું પણ બંધ કરી શકો.
10. હવે તમે જોશો કે એમાંથી તેલ છૂટવા લાગ્યું હશે એટલે સમજો કે આ શાક હવે ઢોસામાં ભરવા માટે રેડી છે.
11. હવે વારો આવે છે ઢોસા ઉતારવાનો તો સૌથી પહેલા ઢોસાના ખીરુંમાં મીઠું અને સોડા ઉમેરો. એક કિલોની આસપાસ ખીરું હોય ત્યારે તેમાં આ ફોટોમાં બતાવ્યા પ્રમાણેનો સોડા ઉમેરો. જો તમારી પાસે માપની ચમચી નથી તો ઘરમાં વપરાતી નોર્મલ ચમચીનું માપ લેવું. ખીરુંમાં અડધાની અડધી ચમચી સોડા લેવો. ઘણા મિત્રો ઢોસાના ખીરુંમાં સોડા નથી ઉમેરતા હોતા પણ હું ઉમેરું છું જેનાથી મારા ઢોસા ક્રિસ્પી બને છે.
12. હવે ખીરુંમાં મીઠું અને સોડા ઉમેરો પછી સોડા પર થોડું પાણી ઉમેરો અને પછી ચમચાની મદદથી ખીરુંને બરાબર હલાવી લો. પ્રયત્ન કરો કે ખીરું એક જ દિશામાં હલાવીને ફીણી શકો જેનાથી ખીરુંમાં નાના બબલ્સ થશે અને તમારું ખીરું ઢોસા બનાવવા માટે પરફેક્ટ તૈયાર છે.
13. હવે એક નોનસ્ટિક પેનને ગેસ પર મુકો અને તેના એક કે બે ચમચી પાણી લો.
14. હવે એક કપડાંથી બધું પાણી બરોબર આખી લોઢીમાં ફેરવી લો જેનાથી લોઢી બરાબર ક્લીઅર થઇ જશે અને ઢોસા બનાવવા માટે રેડી થઇ જાય. નોનસ્ટિક લોઢી પર આ પાણી ઉમેરીને લૂછવાની પ્રોસેસ એક એક ઢોસા ઉતરે એટલે તરત કરવાની રહેશે આમ કરવાથી લોઢી ઠંડી પણ પડી જશે અને જયારે તમે બીજા ઢોસા બનાવવા માટે ખીરું લોઢી પર પાથરસો તો ઢોસો સરળ રીતે પથરાશે.
15. હવે તૈયાર થયેલ ખીરુંમાંથી એક કે બે ચમચા ખીરું લોઢી પર લો.
16. હવે એ ખીરુંને લોઢી પર બરોબર ફેલાવી લો. પ્રયત્ન કરો કે ગોળ થાય પણ જો નકશા પણ થશે તોય ખાનારા તો ખાવાના જ છે બસ ફક્ત તેને સ્ટેટ્સ પર નહિ મૂકી શકો.
17. હવે પથરાયેલ ઢોસાની ફરતે તેલ ઉમેરો આમ તો આ ઢોસાને પલટાવીને ચઢવા દેવાની જરૂરત નથી પણ તેમ છતાં તમારાથી ઢોસો વધુ જાડો પથરાઈ ગયો છે તો પલટાવીને પણ ચઢાવી શકો.
18. હવે આ બનેલ ઢોસાની વચ્ચે મકાઈનો બનાવેલ મસાલો પાથરો. જો વચ્ચે વચ્ચ પાથરશો તો ઢોસાને બંને તરફથી વાળીને બનશે અને જો એક બાજુ સાઈડમાં મસાલો પાથરશો તો અડધો વાળી લેવાથી પણ ઢોસો સરસ બનશે તમને જે યોગ્ય લાગે તે કરી શકો છો.
19. હવે આ ઢોસો ખાવા માટે તૈયાર છે તો આની સાથે સંભાર અને કોપરાની ચટણી મળે એટલે મોજ પડી જાય.
તો તમને મારી આ ઢોસાની રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા આની સાથે શરૂઆતમાં આપેલ ખીરુંની રેસિપી જોવાનું ભૂલતા નહિ. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.
રસોઈની રાણી : પદમા ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "કોર્ન મસાલા ઢોસા – અમેરિકન મકાઈની ભેળ અને વડા તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ઢોસા પણ.."
ટિપ્પણી પોસ્ટ કરો