દિવાળીની મીઠાઈ ખરીદતાં પહેલાં આ રીતે ચોક્કસથી કરી લેજો એક્સ્પાયરી ડેટ, નહિં તો પડી જશો બીમાર
દિવાળી આવી ગઈ છે. જો તમે હજુ સુધી ઘરે મીઠાઈઓ લાવ્યા નથી અને બહારથી જ લાવવાનું મન બનાવી લીધું છે તો તમે જાણી લો કઈ મીઠાઈની કેટલા સમયની એક્સપાયરી ડેટ હોય છે. હલવાઈઓની દુકાનો માવા, પનીર, ડ્રાયફ્રૂટ્સ અને મેંદાની મીઠાઈઓથી મઘમઘી ઊઠી છે. સુંદર, રંગબેરંગી અને આકર્ષક ડેકોરેશનવાળી સ્વીટ્સ જોતાં જ મોંમાં પાણી આવી જાય છે અને ખરીદી લેવાનું મન થાય છે. જોકે આ દિવાળીએ તમે બહારથી મીઠાઈ લાવવાનું વિચારતા હો તો પહેલાં જાણી લેવું જરૂરી છે કે કેવી મીઠાઈઓ ક્યાં સુધી ટકે છે. આ મીઠાઈઓ ક્યારે બની છે એ જાણ્યા પછી જ એની ખરીદી કરવી જોઈએ અને એની એક્સ્પાયરી ડેટ પહેલાં વાપરી નાખવી જોઈએ.
તમને થશે કે બીજા પૅક્ડ-ફૂડમાં તો એક્સ્પાયરી ડેટ લખેલી હોય છે, પણ મીઠાઈઓની એક્સ્પાયરી ડેટ વળી કેવી રીતે નક્કી કરવી? ચાલો, આ કન્ફ્યુઝન દૂર કરવા માટે વિવિધ ચીજોથી બનેલી મીઠાઈઓ કેટલો સમય સારી રીતે ટકે છે એ જાણીએ.
ડ્રાયફ્રૂટ્સ મીઠાઈઓ : ૮-૧૦ દિવસ

એકલાં ડ્રાયફ્રૂટ્સની મીઠાઈઓ ખૂબ એક્સ્પેન્સિવ હોય છે. કાજુકતરી, બદામ-કતરી, અંજીર-કતરીમાં જો અન્ય કોઈ જ ચીજની ભેળસેળ ન હોય તો એને આઠથી દસ દિવસ રાખી શકાય.
પનીરની બંગાળી મીઠાઈઓ : ૭૨ કલાક

સંદેશ, રસગુલ્લા, રસમલાઈ જેવી પનીરની બનેલી જાતજાતની બંગાળી મીઠાઈઓ ૨૪ કલાકમાં ખાઈ લેવી જોઈએ. જો મીઠાઈઓ પાકી સાકરની ચાસણીમાં પ્રિઝર્વેટિવ્સ સાથે સાચવવામાં આવી હોય અને એને ફ્રિજમાં ઠંડા વાતાવરણમાં રાખવામાં આવી હોય તો વધુમાં વધુ ૭૦થી ૭૨ કલાક સુધી એટલે કે વધુમાં વધુ ત્રણ દિવસ ચાલે. દિવાળીના સમયમાં એવું તો શક્ય બનવાનું છે જ નહીં.
ડ્રાયફ્રૂટ્સ અને માવાની મીઠાઈઓ : ૪-૫ દિવસ

મોટા ભાગની સૂકા મેવાની મીઠાઈઓ પણ આજકાલ એકલા સૂકા મેવાની નથી બનતી. એમાં માવો કે મેંદો વપરાય જ છે. કેટલીક વાર માવાના બહારના આવરણની અંદર ડ્રાયફ્રૂટ્સ હોય છે તો ક્યારેક ડ્રાયફ્રૂટ્સના બહારના આવરણની વચ્ચે માવો હોય છે. બેમાંથી જે કોઈ પણ હોય, માવાને કારણે આ મીઠાઈઓનું આયુષ્ય પણ ઘટી જાય છે. એને ફ્રિજમાં રાખીને સાચવો તો પણ એ ચારથી પાંચ દિવસ સુધી જ ફ્રેશ રહે છે. એ પછી માવાવાળો ભાગ બગડવાની શરૂઆત થઈ જાય છે.
માવાની બળી ગયેલી મીઠાઈઓ : ૧૨-૧૫ દિવસ

બ્રાઉન પેંડા, બ્રાઉન બરફી, માવા કેક જેવી મીઠાઈઓમાં જે માવો વપરાયો હોય છે એ બળી ગયેલો હોય છે. બળી ગયેલા માવાને કારણે આ મીઠાઈઓની આવરદા વધી જાય છે. આવી સ્વીટ્સ પંદરેક દિવસ આરામથી ટકે છે. અલબત્ત, એને ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે તો જ.
દૂધ-માવાની મીઠાઈઓ : ૪-૫ દિવસ

માવાની બરફી કે માવાની મીઠાઈઓમાં જો ખરેખર દૂધમાંથી બનેલા માવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ મીઠાઈઓ ઠંડા ટેમ્પરેચરે પણ વધુમાં વધુ ચારથી પાંચ દિવસ ટકે છે. આજકાલ કઈ દુકાનનો માવો ખરેખર દૂધનો અને પ્યૉર હશે એ કહેવું મુશ્કેલ છે. છતાં જો તમે જાણીતા અને ક્વૉલિટી માટે જાગ્રત હોય એવા મીઠાઈવાળાને ત્યાંથી માવાની મીઠાઈ ખરીદો તો માવો શેકીને પાકી ગયો હોવાથી એ ચાર-પાંચ દિવસ સારી રહી શકે છે.
લોટની મીઠાઈઓ : ૨૫-૩૦ દિવસ

મોહનથાળ, મગજ, ઘૂઘરા, ગળ્યાં સક્કરપારા જેવી ઘરમાં બનતી લોટની વાનગીઓ બનાવવામાં જો યોગ્ય કાળજી રખાઈ હોય તો એ લાંબી ટકી શકે છે. ઓછા ઘીમાં લોટ-માવાને બરાબર શેકવામાં આવ્યો હોય અને પાકી દોઢતારી ચાસણી બનાવવામાં આવી હોય તો આ વાનગીઓ એક મહિના સુધી બગડતી નથી.
કૅરૅમલાઇઝ્ડ ડ્રાયફ્રૂટ સ્વીટ્સ : એક મહિનો

શુગરની ચાસણી કે બળેલી શુગરમાં કૅરૅમલાઇઝ્ડ કરેલી ચિક્કી જેવી કડક સ્વીટ્સ લાંબો સમય ટકે છે. સાકર નૅચરલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. અલબત્ત, આ પ્રક્રિયામાં વપરાતી ખાંડ રિફાઇન્ડ હોવાથી એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ એટલી જ હોય છે. જોકે જ્યારે માત્ર એક્સ્પાયરી ડેટની જ વાત કરતા હોઈએ તો આવી સ્વીટ્સ સૌથી લાંબો સમય એટલે કે આશરે એક મહિના જેટલી સારી રહી શકે છે. આ સ્વીટ્સને ફ્રિજની બહાર રાખો તો પણ એ સારી રહે છે.
બહારની મીઠાઈ ન ખાવામાં જ સાર

તમે ખરીદેલી મીઠાઈ ઘરે લાવ્યા પછી કેટલો સમય ટકશે એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે, કેમ કે એ ક્યારે બનાવવામાં આવી છે એની ખબર નથી પડતી. અત્યારથી જ કંદોઈઓના તાવડા ચડી ગયા છે અને ઢગલાબંધ મીઠાઈઓ બનાવવામાં તેઓ વ્યસ્ત થઈ ગયા છે. તમે જ્યારે અગિયારસ-બારસે મીઠાઈની ખરીદી કરવા જશો ત્યારે ઑલરેડી આ મીઠાઈઓ જૂની થઈ ગઈ હશે. દિવાળીમાં સ્વાસ્થ્ય બગાડવું ન હોય તો બહારની મીઠાઈઓ ન ખરીદવામાં જ સાર છે. ઘરે જાતે ચોખ્ખા ઘી, માવા, લોટમાંથી બનાવેલી સ્વીટ્સ ભલે માર્કેટ જેટલી આકર્ષક ન લાગે પણ સ્વાસ્થ્ય માટે એ જ હિતકર રહેશે.’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "દિવાળીની મીઠાઈ ખરીદતાં પહેલાં આ રીતે ચોક્કસથી કરી લેજો એક્સ્પાયરી ડેટ, નહિં તો પડી જશો બીમાર"
ટિપ્પણી પોસ્ટ કરો