અહીં વધતા કેસની સાથે શું આવશે ફરીથી સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ, જાણો શું વિચારી રહી છે આ 2 રાજ્યોની સરકાર
બીજી લહેરના પ્રકોપ બાદ દેશના તમામ રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી ગઈ છે. પરંતુ હજુ પણ કેરળ અને મહારાષ્ટ્રમાં રોજ હજારોની સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. હાલ કેરળમાં સ્થિતિ ઘણી ગંભીર છે. સમગ્ર દેશમાં નોંધાતા કુલ કેસમાંથી સૌથી વધુ કેસ કેરળમાંથી નોંધાય છે. માત્ર કેરળ રાજ્યમાંથી દરરોજ 30 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્ય સરકારે સંક્રમણને નિયંત્રિત કરવા માટે ઘણા પ્રતિબંધો લાગુ કર્યા પરંતુ તે પણ અપૂરતા સાબિત થઈ રહ્યા. તેમ છતાં મુખ્યમંત્રી પિનારાયી વિજયને સંક્રમણના વધતા જોખમ વચ્ચે કેરળમાં સંપૂર્ણ લોકડાઉનની શક્યતાને નકારી દીધી છે.

મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર સીએમ વિજયન કેરળમાં લોકડાઉન લાદવાની તરફેણમાં નથી. કારણ કે તેનાથી મોટું સંકટ આવી શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી પિનારાયી વિજયને સંપૂર્ણ લોકડાઉનની વાતને નકારી કાઢતા કહ્યું કે તેનાથી રાજ્યની અર્થવ્યવસ્થા અને લોકોની આજીવિકા પર મોટું સંકટ ઊભું થશે.

જો કે આ વાત સાથે સરકારે નિયમોનું પાલન કરવામાં કડકાઈ રાખવામાં આવશે તેમ જણાવ્યું છે. સરકાર હાલ લોકડાઉનની સંભાવનાને નકારી રહી છે, પરંતુ કોરોના નિયમોનો કડક રીતે અમલ થાય તે જોઈ રહી છે. તાજેતરમાં જ સરકારે એક આદેશ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોન્ટાઈનમાં રહેતા લોકો જો નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, કેરળ મહામારી અધિનિયમ અને અન્ય સંબંધિત કાનૂની જોગવાઈઓ હેઠળ નિયમોની અવગણના કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે કેરળમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. રાજ્યમાં દરરોજ 30 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જે આખા દેશના દૈનિક કેસો કરતાં પણ વધારે છે. રાજ્યમાં 24 કલાકમાં 29 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 131 લોકોના મોત થયા છે.

કેરળ સિવાય મહારાષ્ટ્ર પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અહીં પણ સરકારે રાજ્યમાં લોકડાઉનની શક્યતાને નકારી દીધી છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ શુક્રવારે કહ્યું કે આગામી દિવસોમાં પણ રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવશે નહીં. તેમણે કહ્યું હતું કે, “નજીકના ભવિષ્યમાં ફરીથી લોકડાઉન લાદવાની કોઈ શક્યતા નથી. લોકોને અપીલ છે કે તેઓ ગણેશ ઉત્સવની ઉજવણી કરતી વખતે ભીડથી બચે. ઉજવણી સાદગીથી કરવી હોવી જોઈએ. સરકાર વિવિધ માર્ગદર્શિકા જાહેર કરી રહી છે અને તેનું દરેક સમયે પાલન થવું જોઈએ”.
0 Response to "અહીં વધતા કેસની સાથે શું આવશે ફરીથી સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ, જાણો શું વિચારી રહી છે આ 2 રાજ્યોની સરકાર"
ટિપ્પણી પોસ્ટ કરો