ગુજરાત સરકારે લગ્નપ્રસંગ અંગે કરી મોટી જાહેરાત, 400 લોકોની આપી મંજૂરી
ગુજરાતના નવા બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠક મળી હતી જેમાં આવનાર નવરાત્રી પર્વને ધ્યાનમાં લઈને શેરી ગરબાને છૂટછાટ આપવામાં આવી છે. આ બેઠકમાં લગ્ન પ્રસંગ, હોટલ અને બાગ બગીચાના સમયને લઈને પણ રાજ્ય સરકારે મહત્વની જાહેરાતો કરી છે.

થોડા દિવસોમાં જ નવરાત્રી આવશે જેની ઉજવણી સમગ્ર રાજ્યમાં થાય છે તે અંગે મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો યોજવાની છૂટ આપી છે એ સાથે જ આ આયોજનોમાં ૪૦૦ વ્યક્તિઓની મર્યાદાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જો કે રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નથી

કોરોનાકાળના 2 વર્ષના લાંબાગાળા બાદ ગુજરાતમાં આગામી નવરાત્રી દરમિયાન શેરી ગરબાના આયોજનની ભૂપેન્દ્ર પટેલ સરકારે મંજૂરી આપી છે. આ સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે.
રાજ્યમાં પહેલા 60%ની ક્ષમતા સાથે રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે નક્કી કરવામાં આવી છે.
રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.

લગ્ન પ્રસંગોમાં આ પહેલા ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં હવે વધારો કરીને ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આ ઉપરાંત આવા આયોજનોમાં લાઉડ સ્પીકર અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.
આ ઉપરાંત અંતિમક્રિયા કે દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે
તમને જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂનો સમયગાળો રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. રાજ્ય સરકારના નિર્ણયને પગલે ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

હાલના સમય પ્રમાણે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા જણાઈ રહી છે ત્યારે આ ત્રીજી લહેરના આગમન પૂર્વે સરકાર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતા નથી.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરવા માટે છૂટ આપવામાં આવી હતી અને 20થી વધુ લોકોને ભેગા ન થવાનો આદેશ હતો ત્યારે હવે આ વખતે પણ આ પ્રમાણે જ આયોજન કરવામાં આવી શકે છે.
0 Response to "ગુજરાત સરકારે લગ્નપ્રસંગ અંગે કરી મોટી જાહેરાત, 400 લોકોની આપી મંજૂરી"
ટિપ્પણી પોસ્ટ કરો