રાજકોટ, જૂનાગઢ, જામનગર જિલ્લામાં વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનકઃ મુખ્યમંત્રીએ આ જગ્યાની લીધી મુલાકાત
ગુજરાતમાં રવિવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. તેવામાં ભારતીય હવામાન વિભાગે સોમવારે માહિતી આપી છે કે રાજ્યમાં આગામી 3-4 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. રાહત કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગે સોમવારે આગાહી કરી હતી કે આગામી 3-4 દિવસમાં કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 15 સપ્ટેમ્બરે ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. આઈએમડી અનુસાર આગામી 5 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે આગામી બે દિવસમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક જિલ્લાની પરિસ્થિતિ બગડી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપ્યા બાદ એનડીઆરએફની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે જેમાં બે ટીમો જામનગર અને રાજકોટમાં છે અને 5 ટીમો ભટિંડાથી ગુજરાત પહોંચી રહી છે. રાહતકાર્ય માટે કોસ્ટગાર્ડની 5 ટીમો જામનગર મોકલવામાં આવી છે.

ગુજરાતમાં રાજકોટ અને જામનગરમાં નદીઓ તોફાની બની હતી અને નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ભરાવાની સમસ્યાનો લોકોને સામનો કરવો પડ્યો હતો. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર જામનગર અને રાજકોટમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પુરમાંથી બહાર કાઢવા માટે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.

રાજકોટના લોધિકા તાલુકામાં ભારે વરસાદ થયો હતો સાથે જૂનાગઢના વિસાવદર તાલુકામાં આભ ફાટ્યું હતું અને જામનગરના કાલાવડમાં પણ સાંબેલાધાર વરસાદ થયો હતો જેના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયા હતા. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 180 મિમી અને રાજકોટના લોધિકામાં 136 મિમી નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી 200થી વધુ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
0 Response to "રાજકોટ, જૂનાગઢ, જામનગર જિલ્લામાં વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનકઃ મુખ્યમંત્રીએ આ જગ્યાની લીધી મુલાકાત"
ટિપ્પણી પોસ્ટ કરો