પુત્રીએ 100 નંબર પર કહ્યું ‘મમ્મી આપઘાત કરશે, બચાવો’, અને 6 મિનિટમાં પોલીસે પહોંચીને બચાવી લીધો મહિલાનો જીવ
સમાજમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. પારિવારિક ઝઘડા, આર્થિક સંકડામણ, પ્રેમમાં નિષ્ફળતા અને કોઈ ગંભીર બિમારીના કારણે મોટા ભાગે લોકો આત્મહત્યા કરવા પ્રેરાય છે. જો કે આ માર્ગ આખરી હોતો નથી. કોઈ પણ સમસ્યા હોય તો તેનું સમાધાન હોય જ છે. આજે અમે તમને જે વાત કરવા જઈ રહ્યા છીએ તેમા એક પુત્રીની સતર્કતા તેની માતાનો જીવ બચાવી લીધો.

આ ઘટના છે સુરતના અઠવા લાઈન વિસ્તારની કે જ્યાં શુક્રવારે રાત્રે 8.05 વાગ્યે 18 વર્ષની એક કિશોરીએ પોલીસ કન્ટ્રોલ રૂમનો 100 નંબર ડાયલ કરીને ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું કે, મારી મમ્મીએ રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો છે, તે સ્યુસાઈડ કરી લેશે, એટલે પ્લીઝ તેને બચાવી લો. કન્ટ્રોલ રૂમના એએસઆઇ પરેશ પુરાણીએ સ્થિતિની ગંભીરતા પારખીને તાત્કાલિક સ્લીપ બનાવી અઠવાલાઇન્સ પોલીસની પીસીઆરવાનને જાણ કરી હતી. જેમ કોઈ ફિલ્મમાં જોવા મળે તેમ પોલીસે ઓપરેશનની કરી શરૂઆત.
માત્ર 6 મિનિટમાં કોન્સ્ટેબલ મહિલાના ઘરે પહોંચ્યા

100 નંબરમાંથી મેસેજ આવ્યા બાદ હવે વારો હતો અઠવા લાઈન પોલીસનો કે જ્યાં પીસીઆર વાનના પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધનસિંહને જેવો મેસેજ મળ્યો એ સાથે જ તેઓ તુરંત વાનને પ્રાઇવેટ ડ્રાઇવર આનંદની સાથે અપાયેલા સરનામે ધસી ગયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે પુત્રીએ ફરિયાદ કરી એની માત્ર 6 મિનિટમાં જ એટલે કે બરાબર રાત્રે 8.11 વાગ્યે કોન્સ્ટેબલ દિલીપસિંહ મહિલાના ઘરે પહોંચ્યા. મહિલાએ દરવાજો અંદરથી બંધ કરીને પુરાઈ ગઈ હતી. જો કે રૂમની બારી ખુલ્લી હતી. એક તરફ પોલીસ દરવાજો ખોલવા વારંવાર વિનંતી કરતી હતી. તો બીજી તરફ મહિલાએ ડેટોલ પી લીધું હતું અને બેડની ઉપર ટેબલ મૂકીને દુપટ્ટા વડે ફાંસો ખાવાની તૈયારી કરી રહી હતી.
પોલીસ કોન્સ્ટેબલે લાતો મારીને દરવાજો તોડી નાખ્યો
સ્થિતિ એટલી ગંભીર હતી કે પોલીસ પાસે વધુ વિચારવાનો સમય નહતો. વધુ સમય જાય તો ગમે ત્યારે મહિલાનો જીવ જઈ શકે તેમ હતો. આથી દરવાજો તોડ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. પોલીસ કોન્સ્ટેબલે ધડાધડ લાતો મારીને દરવાજો તોડી નાખ્યો અને અંદર ધસી ફાંસીએ લટકવા જતી મહિલાના પગ પકડી લીધા અને તુરંત તેમને નીચે ઉતારી અને તેમના ગળામાંથી ફાંસી કાઢી નાખ્યો. મહિલાએ ડેટોલ પીધું હોવાથી તત્કાળ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. લોકો પોલીસની આ કામગીરીની પ્રશંશા કરી રહ્યા છે. જો પોલીસ આટલી ઝડપીએક્શનમાં ન આવી હોત તો કદાચ આજે તે મહિલાનો જીવ બચી શક્યો ન હોત.
જો એક મીનિટ મોડુ થયું હોત તો…

તો બીજી તરફ લોકો પોલીસની સાથે સાથે મહિલાની 18 વર્ષીય પુત્રીના પણ વખાણ કરી રહ્યા છે જો આ પુત્રી હિંમ્મત અને સતર્કતા દાખવીને પોલીસે ફોન ન કર્યો હોત તો આજે પરિણામ કઈક બીજી આવ્યું હોત. આવેશમાં આવી ગયેલી માતા ખોટું પગલું ભરી લેશે એનો ખ્યાલ આવી જતા તેમણે 100 નંબર ડાયલ કરી તત્કાળ પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી જેથી માતાનો જીવ બચ્યો હતો. તો બીજી તરફ મહિલાનો જીવ બચાવનાર પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહે કહ્યું કે, હું નાઇટ પાળીમાં રાત્રે 8 વાગ્યે નોકરી પર ચઢયો હતો. હું પોલીસ સ્ટેશનેથી 5 મિનિટ પહેલા નીકળ્યો અને રસ્તામાં કંટ્રોલરૂમમાંથી કોલ આવ્યો કે નાનપુરામાં ટી એન્ડ ટી સ્કુલ પાસે એક મહિલા ગળેફાંસો ખાઈ આપઘાત કરવાની કોશિશ કરે છે. એવો રાત્રે 8.05 કોલ મળ્યો અને 8.11 વાગ્યે ત્યાં પહોંચી ગયા હતા. દરવાજો ખખડાવ્યો છતાં ન ખોલતા આખરે અમે દરવાજો તોડવાની ફરજ પડી હતી. દરવાજો તોડી મહિલાના પગ ઊંચકી લઈ તેના ગળામાંથી દુપટ્ટો કાઢી નાખ્યો હતો. બાકી એકાદ મિનિટ મોડું થયું હોત મહિલાનો જીવ ગયો હોત ! આમ પોલીસ અને આ મહિલાની પુત્રીની સતર્કતાના કારણે યુવતીનો જીવ બચી ગયો.
શું હતો સમગ્ર વિવાદ

આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો સુરતના નાનપુરા ખાતે રહેતી 44 વર્ષીય મહિલા તેના માતા-પિતા સાથે રહે છે અને તેના 18 વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. શુકવારે મહિલાને પારિવારિક કારણોસર પિતા સાથે ઝઘડો થયો હતો. તેમાં માઠુ લાગતા મહિલાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
0 Response to "પુત્રીએ 100 નંબર પર કહ્યું ‘મમ્મી આપઘાત કરશે, બચાવો’, અને 6 મિનિટમાં પોલીસે પહોંચીને બચાવી લીધો મહિલાનો જીવ"
ટિપ્પણી પોસ્ટ કરો