ભૂખ્યા માટે ભોજન, ઓક્સિજનની સુવિધા, મેડિકલ સુવિધા….સુરતના આ ટ્રસ્ટે કોરોના કાળમાં 3 કરોડનો ખર્ચ કરી માનવતા મહેકાવી
હાલમાં કોરોનાએ નાના મોટા દરેક લોકોને સરખા કરી દીધા છે. સોશિયલ મીડિયામાં પણ એક વાક્ય ખુબ જ વાયરલ થઈ રહ્યું છે કે જો પૈસા અને ઓળખાણનો પાવર હોય તો ઓક્સિજનનો બાટલો અને હોસ્પિટલમાં એક બેડનું સેટિંગ કરાવીને આપો. ત્યારે આ મહામારીમાંથી ઉગરવા માટે કોઈ એક બે લોકોનું જ કામ નથી. આખા રાજ્યએ સાથે મળીને કામ કરવું પડશે અને સાથ સહકાર આપવો પડશે. ત્યારે હાલમાં તમામ સમાજ તમામ કોમ હાલ માનવતાના મહાકાર્યમાં જોડાઈ ગઈ છે. ત્યારે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ પણ આ મહામારીમાં માનવતાની મિસાલ સાબિત થયું છે. ટ્રસ્ટ દ્વારા કોરોના સંક્રમણ શરૂ થયું ત્યારથી લઈને અત્યારસુધીમાં લાખો લોકોને અલગ અલગ સેવા આપવામાં આવી છે.

તો આવો વિગતે વાત કરીએ આ માનવતાના કામ વિશે. ટ્રસ્ટ દ્વારા કોરોના સંક્રમણ શરૂ થયું ત્યારથી લઈને અત્યારસુધીમાં આઠ લાખથી વધુ લોકોને ફૂડ પેકેટસ પહોંચાડ્યાં છે સાથે જ હજારથી વધુ લોકોને રાશન કિટ આપી છે, સાથે જ આઈસોલેશન સેન્ટરમાં તમામ મેડિકલની સુવિધા ઊભી કરીને દર્દીઓને ઓક્સિજનથી લઈને તમામ સુવિધા પણ આપવામાં કોઈ કસર છોડી નથી. ઘરે સારવાર લેતા દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન અપાય છે તો રક્તદાન, પ્લાઝ્મા દાન માટે ક્લેકશન સેન્ટર શરૂ કરીને જાગૃતિ લાવવાનું પણ કામ કરવામાં આવે છે.

જો વાત કરીએ 2020ની તો કોરોનાએ પોતાનું અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે લોકડાઉન સિવાય સરકાર પાસે અન્ય કોઇ વિકલ્પ ન હતો એવા સમયે સામાજિક સંગઠન અને પોતાનું દાયિત્વ નિભાવી સુરતની અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મેદાને આવ્યું અને હજુ અડીખમ છે. અગ્રવાલ ટ્રસ્ટે તન-મન અને ધનથી લોકોની સેવા કરવાની શરૂઆત કરી હતી. જે આજે પણ અવિરત ચાલી રહી છે. અંદાજે ત્રણ કરોડ કરતાં વધારેની માતબર રકમ ખર્ચીને સેવાનો અવિરત યજ્ઞ ઘગધગતો રાખ્યો છે. કારણ કે લોકડાઉનના સમયે લોકોને જમવા માટે ભોજન અને પરિવારોનું ગુજરાત ચલાવવા માટે જીવન ઉપયોગી સામગ્રી પણ ઘરમાં પૂરતા પ્રમાણમાં ન હતી.

જ્યારે કોઈ કોઈનું નહોતું ત્યારે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ સમયની માંગને ધ્યાનમાં રાખીને પોતાના ટ્રસ્ટના તમામ સ્વયં સેવકોને મેદાનમાં ઉતાર્યા. જેને જે કામ સોંપી શકાય તે તમામ કામો ફાળવીને શરૂઆત કરવામાં આવી હતી. રોજ કમાઈને ખાનારા લોકોને ભોજન પૂરું પાડવું એ સૌથી મોટી વાત હતી. મધ્યમ વર્ગના લોકોને અનાજની ટિકિટ આપવી પણ ખૂબ જરૂરી હતી. તેની સાથે મેડિકલ ફેસિલિટી પણ ઉભી કરવાની તાતી જરૂરિયાત દેખાતા એ દિશામાં પણ કામની શરૂઆત થઇ હતી. અગ્રવાલ વિકાસના સેક્રેટરી વિનય અગ્રવાલે આ કામની શરૂઆતથી જ વાત કરી કે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના તમામ સ્વયંસેવકો સુરત શહેરની સેવામાં સમર્પિત થઈ ગયા હતા. સૌથી પહેલા અમે શહેરની સ્થિતિ જોતા રોજ કમાવીને રોજ ખાનારા લોકો માટે ફુડ પેકેટ બનાવવાની શરૂઆત કરી કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અમે અંદાજિત આઠ લાખ કરતાં વધુ ફુડ પેકેટનું વિતરણ કર્યું હતું.

વિનયભાઈ આગળ વાત કરે છે કે ત્યારબાદ અનમે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં શ્રમિકોથી લઈને ફૂટપાથ પર રહેતા લોકો તેમજ ગરીબ પરિવારો સુધી જમવાનું પહોચાડ્યું. અમે છ હજાર કરતાં વધુ રાશનની કીટ તૈયાર કરી જેમાં ચોખા દાળ ઘઉંનો લોટ તેલ મસાલા તમામ વસ્તુઓ કે ચારથી પાંચ હજાર લોકોના એક પરિવારને એક મહિના સુધી ચાલી રહે. કોરોના સંક્રમણ વધતા હોસ્પિટલો હાઉસફુલ થવા લાગી. તો ટ્રસ્ટ દ્વારા યુદ્ધના ધોરણે નિર્ણય લઈને આઇસોલેશન સેન્ટર ઉભું કરવા માટે કમર કસી લીધી હતી. જોત જોતામાં અમે ખુબ ઓછા સમયમાં તેઓ કરતા વધારે બેડનું આઈસોલેશન સેન્ટર ઉભું કરી દીધું હતું. આઈસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. સાડી ત્રણસો કરતાં વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા હતા. આ એક મોટી ઉપલબ્ધિ કહી શકાય.
આ સાથે જ ટ્રસ્ટ દ્વારા સૌથી મોટો ભગીરથ કાર્ય પ્લાઝમા ડોનેટ કરવાનું પાડ્યું છે. કોરોના સંક્રમણનો બીજો તબક્કો ખુબ જ ઘાતક હોવાથી મોટા ભાગના દર્દીઓને પ્લાઝમાની જરૂરિયાત ઊભી થઈ હતી એને ધ્યાનમાં રાખીને પ્લાઝ્મા ડોનેટ માટે તેમણે યુવાનોને સમજાવીને ડોનેટ કરાવ્યો. યુવાનોની ટીમ બનાવીને વર્તમાન સમયમાં વેક્સિનેશન કરવા પહેલા બ્લડ ડોનેટ કરવા માટે અને પ્લાઝમા ડોનેટ કરવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં અમે ઘણે અંશે સફળ પણ થઈ રહ્યા છીએ. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ ટ્રસ્ટની કામગીરી આખા રાજ્યમાં વખણાઈ રહી છે અને લોકો ખોબલે ને ખોબલે વધાવી રહ્યા છે.
0 Response to "ભૂખ્યા માટે ભોજન, ઓક્સિજનની સુવિધા, મેડિકલ સુવિધા….સુરતના આ ટ્રસ્ટે કોરોના કાળમાં 3 કરોડનો ખર્ચ કરી માનવતા મહેકાવી"
ટિપ્પણી પોસ્ટ કરો