વિશ્વ ઉમિયા ધામની કારોબારી બેઠકમાં ઉમાછત્ર યોજનાની જાહેરાત, 3 દિવસમાં 5000 પરિવારોને મળશે મોટી સહાય
સમગ્ર વિશ્વના પાટીદાર સમુદાયના તમામ વર્ગના પરિવારો માટે ઉમિયાધામ શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે તાજેતરમાં જ વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે સંસ્થાની કારોબારી બેઠક મળી હતી જેમાં અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સમયાંતરે ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક, આર્થિક ક્ષેત્રે સમાજને પીઠબળ મળે તેવા કાર્યો કરતું જ રહે છે. તેવામાં વધુ એક સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલના જણાવ્યાનુસાર આગામી 3 દિવસ એટલે કે 30 જુલાઈ સુધીમાં પાટીદાર સમાજના 5000 પરીવારને 10 લાખનું વીમા કવચ ફાઉન્ડેશનની ઉમાછત્ર યોજના અંતર્ગત પુરું પાડવામાં આવશે. આ કામમાં સંસ્થાની ટીમના દરેક સભ્યો દિવસરાતે જોડાયેલા છે અને સૌના પ્રયત્નો થકી ટુંક સમયમાં જ સમાજને સર્વશ્રેષ્ઠ યોજના અર્પણ કરવામાં આવશે.

જાસપુર ખાતે મળેલી બેઠકમાં વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજી મંદિરના બાંધકામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની વિકાસલક્ષી યોજનાને વૈશ્વિક ફલક સુધી વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જણાવેલી વિગતો અનુસાર આ તકે સમાજ વિવિધ શ્રેષ્ઠીઓ લગભગ 10 કરોડ રૂપિયાનું જંગી દાન પણ ફાઉન્ડેશનને આપ્યું છે.

કોરોનાના કપરા કાળમાં આરોગ્ય ક્ષેત્રે ઊભી થયેલી જરૂરીયાતોને ધ્યાનમાં રાખી અને તે દિશામાં પણ ફાઉન્ડેશન દ્વારા કામ કરવામાં આવ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા શહેરની બે હોસ્પિટલને 2 આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ દાન કરવામાં આવી છે. આ બંને એમ્બ્યુલન્સના વર્ચ્યુલ લોકાર્પણમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જોડાયા હતા. તેમણે આ ઉમદા કામની સરાહના કરી અને વિશ્વ ઉમિયાધામના નિર્માણને લઈને સંસ્થાના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા. આઈસીયુ ઓન વ્હીલનું લોકાર્પણ સંસ્થાના પ્રમુખ આર.પી. પટે અને પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ પાટીદાર અગ્રણી નરોત્તમભાઈ પટેલના હસ્તે કરાયું હતું.

પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ પાટીદાર અગ્રણી નરોત્તમભાઈ પટેલે આ તકે જણાવ્યું હતું કે ઉમિયાધામના નિર્માણમાં અનેક વિધ્નો આવતા હોવા છતાં તેનું કાર્ય ધાર્યા અનુસાર પુર્ણ થશે. તેમણે ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલનો પણ આ કાર્ય કરવા બદલ આભાર માન્યો હતો. બે એમ્બ્યુલન્સ ઉપરાંત સંસ્થા દ્વારા આવનાર સમયમાં ગુજરાતની અન્ય 6 હોસ્પિટલોને દવાથી લઈ સારવાર માટે જરૂરી સાધનો અને સ્ટાફ સહિતની તમામ મદદ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પાયામાં મુખ્યત્વે સમગ્ર વિશ્વના પાટીદાર સમાજની એકતા અને અખંડિતતા જાળવીને સમુદાયને શૈક્ષણિક, આર્થિક, વ્યાવસાયિક અને સામાજિક રીતે વિકાસના નવા શિખરો સર કરાવવાનો ઉદ્દેશ રહેલો છે. આ ઉદ્દેશ તરફ એક ડગલું આગળ વધતાં 5000 પરિવારોને આગામી દિવસોમાં 10 લાખનું વીમા કવચ પુરું પાડવામાં આવશે.
0 Response to "વિશ્વ ઉમિયા ધામની કારોબારી બેઠકમાં ઉમાછત્ર યોજનાની જાહેરાત, 3 દિવસમાં 5000 પરિવારોને મળશે મોટી સહાય"
ટિપ્પણી પોસ્ટ કરો