બીજી લહેરમાં હોટસ્પોટ બનેલા આ શહેરમાં 35 લાખના ખર્ચે મુકાયું ખાસ મશીન, જાણો ગુજરાતની કોરોનાની ત્રીજી લહેરને લઈને ખાસ તૈયારીઓ
કોરોનાના કેસમાં રાજ્યમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ સાથે જ દેશમાં નોંધાતા કેસના વધારાના કારણે ત્રીજી લહેરની ભીતી ઘેરી બનતી જાય છે. તેમાં રાજ્ય સરકાર પણ ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટે સજ્જ થઈ ચુકી છે.

કોરોનાને ઘાતક બનતો અટકાવવા માટે જરૂરી છે કે શરુઆતના સ્ટેજમાં જ ટેસ્ટ થઈ જાય અને દર્દીની સારવાર કરવામાં આવે. ત્યારે આ વખતે ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

પહેલી લહેર અને બીજી લહેરમાં કોરોનાની પીક જોયા પછી લોકો ત્રીજી લહેરના નામથી પણ ગભરાવા લાગ્યા છે. તેમાં પણ આ લહેરમાં બાળકો પર વધારે જોખમ રહેવાનું હોવાથી માતાપિતાની ચિંતા વધી છે. તેવામાં એક સારા સમાચાર સુરતવાસીઓ માટે સામે આવ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા સ્થાનિક તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડ, ઓક્સીજનની વ્યવસ્થા, વેન્ટિલેટરની સંખ્યા વધારવાની સાથે ખાસ ફેસેલીટી શરુ કરવામાં આવી છે. હવે કોરોના સંક્રમિત દર્દીના અર્લી ડિટેક્શન માટે ટેસ્ટિંગ ક્ષમતા વધારવા આયોજન કરાયું છે. આ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખાસ મશીન પણ મુકવામાં આવ્યું છે જેમાં દરરોજ 6,૦૦૦ સેમ્પલ ટેસ્ટ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 35 લાખના ખર્ચે ઓટોમેટિક આરએન એક્સટ્રેક્શન મશીન આઈસીએમઆર દ્વારા અપાયું છે. આ મશીનથી ટેસ્ટિંગ ખૂબ ઝડપથી થાય છે. આ મશીન આવી જવાથી સુરત સિવિલમાં ટેસ્ટિંગ ક્ષમતા રોજના 6000 સેમ્પલની થઈ જશે. અગાઉ અહીં 2000 સેમ્પલના ટેસ્ટ થતા હતા. પરંતુ આ મશીન આવી જવાથી હવે ટેસ્ટિંગ ઝડપથી અને વધારે થઈ શકશે.

હાલ સિવિલની લેબોરેટરીમાં 12 જેટલા પીસીઆર મશીન છે. જેમાં 4 કલાક બાદ રિપોર્ટ આવે છે. જ્યારે આ નવા મશીનના કારણે વધુમાં વધુ 2 કલાકમાં રિપોર્ટ મળી જશે. આ થવાથી દર્દીને ઝડપથી રિપોર્ટ મળી જશે અને તેની સારવાર પણ ઝડપથી શરુ થઈ જશે. આગામી 30 ઓગસ્ટથી જ આ મશીન કાર્યરત કરી દેવામાં આવશે.
0 Response to "બીજી લહેરમાં હોટસ્પોટ બનેલા આ શહેરમાં 35 લાખના ખર્ચે મુકાયું ખાસ મશીન, જાણો ગુજરાતની કોરોનાની ત્રીજી લહેરને લઈને ખાસ તૈયારીઓ"
ટિપ્પણી પોસ્ટ કરો