અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત
ભાદરવી પૂનમ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં વસતા માં અંબાના ભક્તો ભાદરવી પૂનમના દિવસે અહીં અચૂક દર્શન કરવા આવવાની તૈયારી કરી રહ્યા છે. ભાદરવી પૂનમના દિવસે માં અંબાના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી પગપાળા ચાલીને પણ આવતા હોય છે. આ પદયાત્રાઓનો દોર શરુ થઈ ચુક્યો છે. જો કે પગપાળા ચાલીને મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ સાથે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

ભાદરવી પૂનમના અંબાજીના દર્શને જતા માઈ ભક્તોની સાથે અકસ્માત સર્જાતા પદયાત્રા રક્તરરંજિત થઈ હતી. શુક્રવારે મોડી રાત્રે અંબાજી હાઈવે પર એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અંબાજી જતા પદયાત્રીઓને એક વાહને અડફેટે લીધા હતા. આ મામલે વધારે વિગતો સામે આવી શકી નથી પરંતુ જાણવા મળે છે કે એક અજાણ્યા વાહને પદયાત્રીઓને ટક્કર મારી હતી. દુખની વાત એ છે કે આ ઘટનામાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

અંબાજીના દર્શને જતા 3 ભક્તોના જીવ વાહનચાલકે લીધા હતા. આમ તો કુલ 5 પદયાત્રીઓને વાહને ટક્કર મારી હતી જેમાંથી 2 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે જ્યારે ત્રણના તો પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. આ ઘટનાના કારણે પદયાત્રીઓના ટોળા રસ્તા પર એકત્ર થયા હતા અને લોકોમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી.
હિટ એન્ડ રનની ઘટનામાં 2 યુવક અને 1 યુવતીના ઘટનાસ્થળે મોત થયા હતા. પદયાત્રાએ નીકળેલા 3 લોકોના ઘરેથી હવે અર્થીઓ ઉઠશે તે વાત જાણી પરીજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના બની તે સમયે અકસ્માતનો ભોગ બનનારની ચીચીયારીઓથી હાઈ વે ગુંજી ઉઠ્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં માઈ ભક્તો ચાલીને અંબાજી દર્શન માટે પહોંચી રહ્યા છે. તેવામાં શુક્રવારે રાત્રે અંધારામાં હાઈવે પર પગપાળા જતા પદયાત્રીઓને વાહને અડફેટે લીધા હતા. લોકો વાહનની ટક્કરે આવ્યાનું જાણી ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં 16 વર્ષીય નરેશ ડામોર, 15 વર્ષીય હરીશ ડામોર અને 12 વર્ષીય રેશમી ભોઈનું મોત થયું છે જ્યારે 14 વર્ષીય ઈન્દ્રા તબીયાડ અને 12 વર્ષના રાકેશ ડામોર ઈજાગ્રસ્ત થયા છે.
0 Response to "અંબાજી જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત"
ટિપ્પણી પોસ્ટ કરો