પાટીદારોના અનામતનો માર્ગ મોકળોઃ રાષ્ટ્રપતિએ OBC બિલને લીલીઝંડી આપી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઓબીસી એમેન્ડમેન્ટ બિલને લીલી ઝંડી આપી દીધી છે, જે બાદ આ બિલ હવે કાયદો બની ગયો છે. ઓબીસી સુધારા બિલને પહેલા લોકસભા અને બાદમાં રાજ્યસભા દ્વારા ચોમાસુ સત્ર દરમિયાન પસાર કરવામાં આવ્યું હતું. આ બિલને તમામ પક્ષો અને વિપક્ષના નેતાઓએ ટેકો આપ્યો હતો. આ કાયદો લાગુ થયા બાદ હવે રાજ્યો પોતે ઓબીસી યાદી તૈયાર કરી શકશે.

આ કાયદાથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગો (OBC) ની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. આ વર્ષે 5 મેના રોજ સુપ્રીમ કોર્ટે અનામત પર સમીક્ષા માટેની અરજીની સુનાવણી કરવાની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 102 માં બંધારણીય સુધારા બાદ માત્ર કેન્દ્રને જ OBC યાદી બનાવવા કરવાનો અધિકાર છે. લોકસભામાં 385 સભ્યોએ આ બિલના સમર્થનમાં મત આપ્યો. ગૃહમાં કોઈ સભ્યએ આ બિલનો વિરોધ કર્યો નથી.

અત્યાર સુધી નિયમ હતો કે રાજ્યો OBC ની યાદી લઈ અને OBC કમિશન પાસે જાય છે જ્યાં યાદી અને તેની જાતિઓ નક્કી થાય છે અને કમિશન તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલે છે. હવે નવા બિલ મુજબ રાજ્યો પોતાની યાદી બનાવી શકે છે અને તેના પર નિર્ણય લઇ શકે છે.

આ સિવાય કેન્દ્રની યાદી અલગથી બનાવવામાં આવશે. આ ફેડરલ માળખું જાળવવામાં મદદ કરશે કારણ કે કેન્દ્રને રાજ્યોની સાથે ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર હશે. હવે રાજ્યોની જવાબદારી વધી જશે કારણ કે તેમને નક્કી કરવાનું છે કે કઈ જાતિ સામાજિક અને આર્થિક રીતે પછાત છે, જેને અનામતનો લાભ આપવો જોઈએ. જો ક્રીમી લેયર હશે તો તેને દૂર કરવાની જવાબદારી રાજ્યોની પણ રહેશે.

વિપક્ષનું માનવું હતું કે રાજ્યોમાં SC અને ST માટે અનામત આપવાની જોગવાઈ છે. આ જ આધાર પર ઓબીસી માટે કાયદો હોવો જોઈએ, જેના અધિકારો રાજ્યો પાસે રહેશે. 2018 ના બંધારણીય સુધારામાં રાષ્ટ્રપતિને અધિકાર આપવામાં આવ્યો હતો, માત્ર તે જ રાજ્યોની OBC યાદી વિશે નિર્ણય કરી શકે છે. પરંતુ જો રાજ્યોને ઓબીસી યાદી બનાવવાનો અધિકાર આપવામાં આવે તો આ સત્તા સંપૂર્ણપણે રાજ્યપાલો પાસે હોવી જોઈએ. તેને ધ્યાનમાં રાખીને બંધારણ 127માં સુધારા બિલ 2021 લાવવામાં આવ્યું છે જેમાં રાજ્યો તેમના સ્તરે ઓબીસીની યાદી બનાવી શકશે.

ઉલ્લેખનીય છે કે આ કાયદો અમલમાં આવવાથી ગુજરાતમાં પાટીદારો સહિત મરાઠા, લિંગાયત સમુદાયને અનામત આપવાનો રસ્તો સાફ થશે. કારણ કે રાજ્ય તેમને ઓબીસીની યાદીમાં સમાવવા અધિકાર મેળવી ચુક્યા છે. હવે રાજ્યોને 50 ટકા અનામતનો નિયમ નડશે નહીં. આ બીલ કાયદો બનતા દેશની 600થી વધુ જાતિને અનામતનો લાભ મળશે..
0 Response to "પાટીદારોના અનામતનો માર્ગ મોકળોઃ રાષ્ટ્રપતિએ OBC બિલને લીલીઝંડી આપી"
ટિપ્પણી પોસ્ટ કરો