પ્લાસ્ટિક મટીરિયલમાં અપાતા સીરપ નોતરી શકે છે કેન્સરની સમસ્યા, વાંચો આ લેખ અને જાણો
પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને સો માઇક્રોન કરતાં ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક એક જુલાઈ 2022 થી બંધ થવાનું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના પ્રોફેસરે પ્લાસ્ટિક મટીરિયલમાં અપાતી દવાઓમાં પણ પ્લાસ્ટિક ભળવાથી લાંબા ગાળે કેન્સરની બીમારી નોતરે છે.

ફાર્મસી ભવનના પ્રોફેસર ડૉ. નાસીર વડિયાના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટિક મટીરિયલમાં રહેલી આવી અશુદ્ધિઓ ને ઓળખવાની અને એનું પ્રમાણ નક્કી કરવાનું સંશોધન કાર્ય ભવનનાં જ આસિસ્ટન્ટ પ્રોફેસર સ્તુતિ પંડ્યા કરી રહ્યાં છે. આ આખી પ્રક્રિયાને સાયન્સની ભાષામાં એક્સ્ટ્રેક્ટેબલ અને લિચેબલ્સ કહેવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે હાલ દવા ઉદ્યોગમાં પણ સૌથી વધારે આવા પ્લાસ્ટિક મટીરિયલનો ઉપયોગ થાય છે.

જુદી-જુદી દવાઓ કે જે પ્રવાહી સ્વરૂપમાં આપવામાં આવે છે, જેમ કે સીરપ, સોલ્યુશન, સસ્પેશન, ઈમલ્શન, આંખનાં ટીપાં, કાનનાં ટીપાં, ઇન્જેક્શન વગેરે આવા પ્લાસ્ટિક મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક મટીરિયલમાં અપાતી વિવિધ દવાઓનું સેવન જો લાંબા સમય સુધી કરવામાં આવે તો દવાની સાથે આવી અશુદ્ધિઓ પણ દર્દીની અંદર પ્રવેશ કરે છે.

જેને કારણે માનવ શરીરમાં કેન્સર જેવી ગંભીર બીમારી ઉદ્ભવી શકે છે. વર્તમાન સમયમાં સો માઇક્રોન થી ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટિકનો ખાદ્ય ચીજો તેમજ દવા સહિતની વસ્તુઓમાં બેફામ ઉપયોગ થઇ રહ્યો છે, જે સ્વાસ્થ્યને હાનિકારક છે.
કેવી રીતે દવામાં પ્લાસ્ટિક ભળે છે ?

પ્લાસ્ટિક મટીરિયલ બનાવવા જુદાં જુદાં રસાયણો અને પોલિમરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે પીવીસી, એલડીપીઈ, એચડીપીઈ, પીપી, બીપીએ, ઈપીએ, પીટીએફઈ વગેરે. આ પદાર્થનું વિઘટન કરવું ખૂબ મુશ્કેલ છે. આ પ્રકારના પદાર્થ એમાં ભરેલી વસ્તુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને તેની સક્રિયતા ઘટાડી નાખે છે, અથવા તો એમાં રહેલાં વિવિધ રસાયણો ને લીધે આડઅસર થવાની સંભાવના વધી જાય છે. દવા ઉદ્યોગમાં પણ સૌથી વધુ આ પ્રકારના પ્લાસ્ટિક મટીરિયલ વપરાય છે, જે દવામાં ભળે છે.
મેડિકલમાંથી લીધેલા સીરપ, ઇન્જેક્શનના નમૂના પર સંશોધન ચાલે છે

ફાર્મસી ભવનના પ્રોફેસરે શહેરમાં જુદી જુદી મેડિકલ દુકાનમાંથી પ્લાસ્ટિકમાં પ્રવાહી પ્રકારની દવાઓ, જેવી કે સીરપ, ઇન્જેક્શન, આંખ-કાનનાં ટીપાંના નમૂના લીધા છે અને ફાર્મસી ભવનની લેબમાં આ દવાઓ પર સંશોધન ચાલી રહ્યું છે. અંદાજિત દોઢ માસમાં સંશોધનનું તારણ કાઢી શકાશે કે કંઈ સીરપ કે દવામાં કેટલા પ્રમાણમાં પ્લાસ્ટિક ભળેલું છે. આ સંશોધન કાર્ય માટે LC-MS તથા GC-MS જેવા ખાસ પ્રકારનાં સાધનો નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મદદથી ન્યૂનતમ માત્રમાં અશુદ્ધિઓ ની ચોક્કસાઈ પૂર્વક ઓળખ થઇ શકે.
0 Response to "પ્લાસ્ટિક મટીરિયલમાં અપાતા સીરપ નોતરી શકે છે કેન્સરની સમસ્યા, વાંચો આ લેખ અને જાણો"
ટિપ્પણી પોસ્ટ કરો